ગુજરાતની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના જીતેલા ઉમેદવારોને હાર્દિક પટેલે શુભેચ્છા પાઠવી છે અને હારેલા ઉમેદવારોને જનતાની વચ્ચે રહી તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનવાની વિનંતી કરી છે.
આજે ગુજરાતની છ મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે અને જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસની હાર થતા ઘણા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હારેલા તમામ કોંગી ઉમેદવારોને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી જણાવ્યુ હતુ કે, પ્રજાના વચ્ચે જઈ તેઓના સુખ દુઃખમાં ભાગીદાર બનો અને તેમની તમામ સમસ્યાઓ સાંભળો. જયારે જીતેલા તમામ ઉમેદવારોને તેઓએ શુભેચ્છા પાઠવી છે.
ખાડિયામાં કોંગ્રેસને મળેલી હાર કરતા વધુ મતો ઓવૈસીના ઉમેદવારો લઇ ગયા
અમદાવાદના ખાડિયા વોર્ડમાં કોંગ્રેસના વિજયરથમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પંચર પાડી દીધું. જેના લીધે ભાજપ ત્રણ દાયકાથી પોતાના ગઢને સાચવવામાં સફળ રહ્યો. અલબત્ત બહુ જ રસાકસી બાદ તેને પેનલ વિજય નસીબ થયો.
ઓવૈસીની મીમને ભાજપની બી ટીમ હોવાનો આરોપ મૂકાય છે. આ પરિણામ જોઇ લોકોના આરોપ અંગે વિચારવાનું જરુર મન થઇ જાય. કારણે કે ખાડિયામાં કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મત અને ભાજપ ઉમેદવારોની જીતની સરસાઇ કરતા વધુ મતો AIMIMના ઉમેદવારો લઇ ગયા.
રાજકોટમાં કોંગ્રેસને ફકત ચાર બેઠકો જ મળી
રાજકોટની કુલ 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યાં છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 જ બેઠકો આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પાર્ટીની હાર સ્વીકારતા પોતાના પરથી રાજીનામું આપતા જણાવ્યું કે, પ્રજાનો ચુકાદો માથે ચઢાવું છે. આ સાથે જ તેમણે વહીવટી તંત્રના દુરુપયોગનો આક્ષેપ કરવા સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાવનગરમાં કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું. જેમાં જામનગરમાં 64માંથી 51 બેઠકો પર જીત મેળવી ભાજપે કબ્જો જમાવ્યો છે અને કોંગ્રેસના ફાળે આઠ બેઠકો જ આવી છે.
વડોદરામાં 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં
વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે આજે વહેલી સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારો 69 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 7 વોર્ડમાં વિજય મેળવ્યો છે. આ સાથે જ વડોદરા કોર્પોરેશનમાં સતત ચોથી વખત ભાજપના હાથમાં સત્તા આવશે.