Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Happy birthday CM: ગુજરાતની અનેક મુશ્કેલીઓ પર ‘વિજય’ મેળવનાર રૂપાણી

Happy birthday CM: ગુજરાતની અનેક મુશ્કેલીઓ પર ‘વિજય’ મેળવનાર રૂપાણી

0
492

ગાંધીનગર: આજે વિજય રૂપાણી પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે 2016માં મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પછી તેમને ક્યારેય પાછું વળીને જોયું નહીં. સરળ અને સાદગીભર્યું જીવન જીવનારા CM વિજય રૂપાણીની પ્રજાએ એક વખત ફરીથી એટલે 2018માં પોતાના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી હતી.

આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રમણીકભાઇ રૂપાણીનો જન્મ દિવસ છે. વર્ષ 1956માં વિજય રૂપાણીનો જન્મ ભારતમાં નહીં પરંતુ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં.

1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહામુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિપક્ષના આરોપ-પ્રત્યારોપોનો એકદમ સરળ રીતે જવાબ આપીને પોતાની સત્તાને પાંચ વર્ષ સુધી અડીગ રાખનારા ચોથા મુખ્યમંત્રી બની જશે.

પાટીદાર આંદોલનથી લઈને વિદ્યાર્થી આંદોલન સુધીના અનેક આંદોલનોને તેમને ખુબ જ સારી રીતે હેન્ડલ કરીને પોતાની આવડતના દર્શન કરાવ્યા છે. વિદ્યાર્થી અને અનામત અંગેના આંદોલનોએ ભૂતકાળમાં અનેક સરકારોને તોડી પાડવાનું કામ કર્યું છે, જેના દાખલાઓ હજું પણ આપણી સામે જ છે. તેવામાં વિજય રૂપાણીએ અનામત અને વિદ્યાર્થીઓ અંગેના સંવેદનશીલ આંદોલનોને ખુબ જ ઝીંણવટપૂર્વક સમજીને તેમના પર વિજય મેળવ્યો હતો. આ દરમિયાન તેમની સરળતા, સહનશીલતા, સંવેદનશીલતા જોવા મળી હતી.

પાટીદાર આંદોલન સમયે એક સમય તો એવો પણ આવ્યો કે, રૂપાણી જઇ રહ્યાં છે ના સમાચાર વહેતા થઈ ગયા હતા પરંતુ તેવી પરિસ્થિતિમાં પણ તેઓએ પોતાની જાત પર કંટ્રોલ રાખીને પોતાના વિરોધીઓની બધી જ ચાલો અને ષડયંત્રો પર પાણી ફેરવી નાખીને જીત મેળવી હતી.

શાસનમાં પાંચ વર્ષ પૂર્ણ કરવાની સિદ્ધી

દરેક શાસક પોતાના શાસનને ટકાવી શકતો નથી. જોકે, આ સિદ્ધી પણ વિજય રૂપાણીએ પોતાના નામે કરી લીધી છે. વિજય રૂપાણી ગુજરાતના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 5 વર્ષ પૂરાં કરનારા ચોથા મુખ્યમંત્રી બનશે. તે ઉપરાંત તેઓ કેશુભાઈ પટેલના શાસનનો પણ રેકોર્ડ તોડી નાખશે. CM વિજય રૂપાણી પહેલા નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઈએ પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કર્યું છે.

ગુજરાતમાં સૌથી વધુ નરેન્દ્ર મોદીએ 4,610 દિવસ શાસન કર્યું છે, જ્યારે બીજા નંબર પર રહેલા હિતેન્દ્ર દેસાઈએ 2062 દિવસ અને ત્રીજા નંબર પર રહેલા માધવસિંહ સોલંકીએ 2049 દિવસ રાજ કર્યું છે. ત્યાર બાદ 1825 દિવસના શાસન સાથે વિજય રૂપાણી ચોથા નંબર પર છે. ગુજરાતના અત્યારસુધીના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 12 મુખ્યમંત્રીને પાછળ છોડી નરેન્દ્ર મોદી સહિતના ચાર મુખ્યમંત્રીની હરોળમાં આવી ગયા છે.

બીજેપીની સ્થાપના વખતથી સક્રિય

ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ 1971 વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા બન્યા હતા. તે વખતે વિજય રૂપાણીની ઉંમર માત્ર 24 વર્ષની હતી. 1976 વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં જેલમાં બંધ હતા. એ બંને કારાગરોમાં તેઓ 11 મહિના સુધી રહ્યાં હતાં. વિજય રૂપાણી 1978 વર્ષથી 1991 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ રહ્યાં હતા. 1987 માં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા અને તેમની એક નવી યાત્રાની શરૂઆત થઈ ગઈ.

વિજય રૂપાણી કોર્પોરેટર, મેયર, રાજ્યસભા સાંસદ, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સરકારના મંત્રી અને તે પછી ગુજરાત રાજ્યાના મુખ્યમંત્રી બન્યા છે. 24 વર્ષથી શરૂ કરેલી રાજકીય યાત્રામાં તેમને ક્યારેય હાર માની નથી. તેથી તેેઓ આજે એક વિકાસનેે અપનાવી ચૂકેલા રાજ્યના સીએમ બનીને આપણી સામે છે.  રાજકીય યાત્રા દરમિયાન તેમને પોતાના જટિલ જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરતા એક કાંટાળા રસ્તે ચાલીને તેઓ સીએમના પદ્દ સુધી પહોંચ્યા અને અત્યારે સમસ્ત ગુજરાતીઓને રાહ દેખાડી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat