સદીઓ જુની ભારતીય કલમકારીની કલા અમદાવાદમાં માતાની પછેડીના રૂપમાં આજે પણ મોજુદ છે. આ કળા સાથે અમદાવાદના ચિતારા સમુદાયના ચાળીસ જેટલાં કલાકારો પોતાની નબળી સ્થિતિમાં પણ તેનું સંવર્ધન કરી રહ્યા છે.
Advertisement
Advertisement
‘માતાની પછેડી’ એટલે મૂળ તો આપણી પ્રાચીન ચિત્રવાર્તાઓ. એક પછેડી એટલે છ બાય ચારના કપડાં પર સુંદર રીતે કુદરતી રંગો જેવા કે દાડમ, હળદર, લોખંડનો કાટ, હરડે ઇત્યાદીનો ઉપયોગ કરીને એક સાદી લાકડાની સળી વડે પછેડી પર ઉતારવામાં આવતી ચિત્રવાર્તા. આ કળામાં બારીકાઈનું વિશેષ મહત્ત્વ છે. મૂળ ચિતારા પરિવારો આજે પણ આ કલાને પોતાના વારસા સમાન ગણીને સાચવી રહ્યા છે. એક સમયે અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદીના બંને કિનારાઓ બંધાયેલા નહોતા ત્યારે શાહપુરથી લઈને ખાનપુર સુધીના વિસ્તારોમાં વસતા ચિતારા પરિવારો આ પછેડી પર સુંદર ચિત્રોનું આલેખન કરીને માતાની પછેડીને નદીના પાણીમાં ધોઈને સંખ્યા બંધ પછેડીઓને હારબંધ સુકવતા. માતાની પછેડીને એક પવિત્ર કપડું માનીને તેની પૂજા કરવામાં આવે છે અને આ જ કારણથી અમદાવાદ અને ગુજરાતના દૂર દૂરના ગામડાંઓમાંથી લોકો આ પવિત્ર કપડાંના સ્વરુપમાં આ પવિત્ર કળાને પણ ખરીદતા. જેના કારણે એક વ્યવસાય સાથે કળાનું પણ સંવર્ધન થતું રહ્યું.
માતાની પછેડીને શીખવા માટે આજે પણ નિફ્ટ અને એનઆઈડીના વિદ્યાર્થીઓ ચિતારા કલાકારોને તમેના ઇન્સ્ટિટ્યૂટમાં બોલાવીને નેચરલ ડાયિંગ અને કલમકારી શીખવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદ કોટ વિસ્તારમાં ખાનપુર, શાહપુરમાં ચિતારા સમુદાયની વસ્તી આજે પણ મોજૂદ છે. અમદાવાદના ખાનપુરના કિરણ ચિતારાના પરિવારે આજે આ કળાને તેના મૂળ સ્વરુપમાં જાળવી રાખી છે. તેમના સિવાય પણ કેટલાંક પરિવારો આ કળા સાથે જોડાયેલા છે.
આ કલા વિશે કિરણભાઈ ચિતારા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, આજે અમદાવાદમાં લગભગ ચાળીસ જેટલી વ્યક્તિઓ આ કળાને સાચવી રહી છે. મારા પિતા ભૂલાભાઈ ચીમનલાલ ચિતારાને ભારતનો નેશનલ એવોર્ડ અને શિલ્પગુરુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. પરંતુ ભારતની વિવિધ ડિઝાઈન સંસ્થાઓમાં તેમણે આ ભાતીગળ કલમકારી કળાનો સુંદર પ્રચાર અને પ્રસાર કર્યો હતો જેના કારણે આધુનિક પેઢી પણ તેની સાથે જોડાઈ છે.
કિરણભાઈ ચિતારા અને તેમના ભાઈ ચંદ્રકાંતભાઈ ચિતારાને પણ શ્રેષ્ઠ કલમકારી કામ માટે ભારત સરકારે નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. જે એક જ પરિવાર માટે ખૂબ મોટા ગૌરવની વાત છે.
કલમકારીમાં મા દુર્ગાનું ચિત્ર સૌથી વિશેષ ફોક્સ કરે છે. એ પછી માતાની આખી સુંદર વાર્તા જેમાં મહિષાસૂર મર્દિનીએ વધ કરેલા અસૂરો, પોપટ, મોર અને ઝીણી વિશેષ ભાત સમગ્ર ભારતના કલમકારી યુગનો અહેસાસ કરાવે છે. બારીકાઈ અને રંગોનું સંયોજન અને ક્રમશઃ કથા ઉલ્લેખ આ કળાના મૂળ સ્ત્રોત છે. કલમકારીમાં લાઈફસ્ટાઈલનું પણ સુંદર નિરુપણ કરવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક ગામડાંઓમાં નવરાત્રીની માંડવીઓમાં માતાના મૂળ પ્રતિક તરીકે માતાની પછેડી મૂકાય છે અને તે ખાસ અમદાવાદથી લાવવામાં આવે છે.
સાબરમતીના ખુલ્લા પટ આ કળા માટે ઘણાં અનુકૂળ હતા. આજે રિવરફ્રન્ટના કારણે આ કળાની પ્રોસેસમાં એક વિરામ આવી ગયો છે. આધુનિક સમયને અનુકૂળ કલમકારીમાં ડ્રેસ મટીરિયલ, બેડશીટ અને અન્ય પ્રોડક્ટ પર પણ આ પરિવારો કામ કરી રહ્યા છે પરંતુ વર્ષોથી કલા સાથે નાતો હોવાને કારણે માર્કેટિંગ સ્કીલમાં તેઓ ઊણા ઉતરે છે.
આ વિશે નિફ્ટના એક્સ ડિરેક્ટર અને વિવર્સ સર્વિસ સેન્ટરના ડેપ્યૂટી ડિરેક્ટર અમરનાથ દત્તા જણાવે છે કે માતાની પછેડી મૂળ કલમકારી કલા છે જે મસુલિપટ્ટનમમાં પણ વિશેષ પ્રચલિત છે. આ કળાનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે. આ કળાની ડિઝાઈનને લઈને ઘણું બધું વિશેષ કરી શકાય છે અને બધાં કરી રહ્યા છે. તેમાં બ્લોકનું પણ મહત્ત્વ છે જેનો ઉપયોગ કરીને ગૃહ સુશોભન અને આધુનિક આર્ટ સાથે તેનું સંયોજન કરીને આ કળા સાથે જોડાયેલા કારીગરોને કામ મળે તેવું કરી શકાય છે. આ માટે હાલના સમયમાં સરકારની સંસ્થાઓ આ કારીગરોને મદદ કરે એ ઇચ્છનીય છે.
Advertisement