નવી દિલ્હી: આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મેરાડોના બુધવારે 60 વર્ષની વયે અવસાન પામ્યા હતા. હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. મેરેડોના વિશ્વના મહાન ફૂટબોલરોમાં ગણાય છે. “Hand of God” તરીકે જાણીતા, મેરાડોનાએ 1986માં આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
80 અને 90ના દાયકામાં ફૂટબોલની દુનિયામાં મેરાડોના જાણીતા ખેલાડી હતા. મેરાડોના 1977થી 1994 સુધી આર્જેન્ટિના માટે ફૂટબોલ રમ્યા હતા. ફિફા પ્લેયર ઓફ સેન્ચ્યુરી એવોર્ડ માટે ઇન્ટરનેટ વોટિંગમાં તે પ્રથમ ક્રમે આવ્યા હતા અને પેલે સાથે એવોર્ડમાં ભાગીદારી મેળવી હતી. મેરેડોનાએ એકલા હાથે અર્જેન્ટિનાને 1986માં ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડ્યો હતો.
1986ના વર્લ્ડ કપમાં ડિએગો મેરાડોનાએ હાથની મદદથી ગોલ કર્યો હતો. બાદમાં તેમણે તેને ‘Hand of God’ એટલે ભગવાનનો હાથ કરાર દીધો હતો. મેરાડોનાએ આ ગોલ ઇંગ્લેન્ડ સામેની મેચમાં કર્યો હતો. મેરાડોના 1986માં મેક્સિકોમાં રમાયેલા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના કેપ્ટન હતા.
આ પણ વાંચો: ધવને દેખાડી ટીમ ઇન્ડિયાની નવી જર્સી, જોવા મળી 1992 વર્લ્ડકપની ઝલક
તેમણે ક્વાર્ટર ફાઇનલમાં અર્જેન્ટિનાની ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ 2-1થી જીત મેળવીને જણાવ્યું હતુ કે, આ ભગવાનનો હાથ એટલે “Hand of God” હતો. તે વર્લ્ડ કપમાં મેરાડોનાના કારણે અર્જેન્ટિના બીજી વખત ચેમ્પિયન બન્યો હતો. ફાઈનલમાં આર્જેન્ટિનાએ વેસ્ટ જર્મનીને 3-2થી હરાવીને બીજી વખત આ ટ્રોફી પર કબ્જો કર્યો હતો.
કોકેઇન સામે ભારે સંઘર્ષ
મેરાડોનાએ આર્જેન્ટિના તરફથી 91 મેચમાં 34 ગોલ કર્યા અને ચાર વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેની કારકિર્દીમાં મેરાડોનાએ કોકેઇનના વ્યસન વિરુદ્ધ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને 1991માં તેમને તેનું સેવન કરવા બદલ દોષીથ ઠર્યા બાદ મેરાડોના પર 15 વર્ષ માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. મેરાડોના 1997માં 37 વર્ષની વયે નિવૃત્ત થઈ ગયા હતા. ક્લબ કારકીર્દિમાં મેરાડોના બાર્સેલોના અને નેપોલી તરફથી રમ્યા હતા. તેમણે બે ટાઇટલ પણ પોતાના ક્લબને અપાવ્યા.
નેશનલ ટીમના કોચ બનાવાયા
વર્ષ 2008માં આ દિગ્ગજ ખેલાડીને રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2010ના વર્લ્ડ કપ બાદ મેરાડોનાએ કોચ પદ છોડી દીધું હતું, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના જર્મની સામે હારી ગયું હતું. તે પછી મેરાડોના સંયુક્ત આરબ અમીરાત અને મેક્સિકોના કોચ રહ્યા હતા.