Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજકેટનું શનિવારે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજકેટનું શનિવારે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે

0
97
  • બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષા

  • ગુજકેટની પરીક્ષા માટે 1.12 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ લેવામાં આવેલી ગુજકેટનું શનિવારે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી ગુજકેટ માટે 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી પરીક્ષામાં 1.12 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજકેટમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ 2 ગુણ મળી ગયા છે. ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભુલ હોવાથી તેના 2 ગુણ આપવાનું નક્કી કરાયું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાંથી પ્રથમ સેશનમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન માટે 117987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, પરીક્ષા વખતે 112816 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં વિદ્યાર્થીઓની હાજરી 95.62 ટકા જેટલી રહી હતી. ત્યારબાદ બીજા સેશનમાં જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 69939 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને પરીક્ષા વખતે 67249 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે ત્રીજા સેશન ગણિતમાં સમગ્ર રાજ્યમાંથી 48654 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને પરીક્ષા વખતે 46216 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ દ્વારા ગુજકેટ લેવામાં આવ્યા બાદ પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 1-1 પ્રશ્નમાં ભુલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને 1-1 એમ કુલ 2 ગુણ આપવાનું નક્કી કરાયું હતું.

પ્રોવિઝનલ આન્સર કીમાં ભુલ હોય તો ઉમેદવારો પાસે વાંધા મંગાવવામાં આવ્યા હતા. જે અંગેની કાર્યવાહી પણ પુર્ણ થયા બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના રોજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 10 વાગ્યે ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક નાંખીને જોઈ શકશે. પરિણામ બાદના ગુણપત્રક શાળાવાર મોકલવા અંગેની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. ઉપરાંત OMRની નકલ મેળવવા માટેની સુચનાઓ પણ બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat