Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સંમતિપત્ર નહીં આપનારી શાળામાં વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ ભરાશે નહીં

સંમતિપત્ર નહીં આપનારી શાળામાં વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ ભરાશે નહીં

0
150
  • હુકમ નહીં માનનારી શાળાના સંચાલકોએ ત્રણ વર્ષ સુધી સ્વખર્ચે શિક્ષકો નીમવા પડશે
  • તાજેતરમાં થયેલા વિવાદ બાદ સંયુક્ત શિક્ષણ નિયામકે લીધો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ વિદ્યા સહાયકો (Gujarat Vidhyasahayak)ની ભરતી માટે સંમત્તિપત્ર આપવાના છે. હુકમ નહીં માનનારી શાળાના સંચાલકોએ આગામી ત્રણ વર્ષ માટે સ્વખર્ચે વિદ્યા સહાયકોની નીમણૂક કરાવાની રહેશે. 2938 શિક્ષકોની ભરતી બાદ હવે વિદ્યા સહાયકોની ભરતી થવાની છે. પરંતુ તે પહેલાં સંયુક્ત શિક્ષણ નિયામકે આ નિર્ણયની જાહેરાત કરી છે.

માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકની ભરતી પહેલા જ સંચાલકો પાસેથી સંમતિ પત્ર મેળવી લેવામાં આવશે. જેમાં સંચાલકોએ ભલામણ પત્ર મળ્યાના ચાર દિવસમાં જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નિમણુંક હુકમ જમા કરાવવાના રહેશે.

જો કોઈ સંચાલક આવી સંમતિ નહી આપે તો આ ભરતીમાં તે શાળાની ખાલી જગ્યા ભરવામાં નહીં આવે અને આગામી 3 વર્ષ સુધી થનારી ભરતીમાં પણ તે જગ્યા ભરાશે નહીં. આ જગ્યા પર શાળાએ પોતાના ખર્ચે શિક્ષક લાવવાનો રહેશે.

તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક વિદ્યા સહાયકોની ભરતી વખતે નિમણુંક હુકમોને લઈને થયેલા વિવાદ બાદ સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા સંચાલકો પાસેથી સંમતિ મેળવવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સતત બીજા દિવસે રાત્રે ઘણા સ્થળે ગાજવીજ સાથે ત્રાટક્યો વરસાદ

2938 શિક્ષકોની ભરતી કરાઇ

રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયકો (Gujarat Vidhyasahayak)ની ભરતી પ્રક્રિયા અંગે તાજેતરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંપુર્ણ પારદર્શી અને ઓનલાઈન પ્રક્રિયા દ્વારા 2938 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.

દ્વિતીય તબક્કામાં બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરીફેકેશન તેમજ ભરતી પ્રક્રિયા અન્વયે આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં ભરતી સમિતિ દ્વારા ખાલી જગ્યા ભરવા તેમજ ફાળવણી થયેલા ઉમેદવારોને શાળા સંચાલક મંડળ હાજર કરવા સંમત છે તે અંગે અગાઉથી સંમતિ આપવાની રહેશે.

મેરિટ કમ પ્રેફરન્સના આધારે ભરતી

ભરતી પસંદગી સમિતિ દ્વારા જે તે શાળા સંચાલક મંડળે જે જગ્યા ભરવા માટે સમંતિ આપેલી છે તે જગ્યા પર મેરિટ કમ પ્રેફરન્સના આધારે જે ઉમેદવાર ફાળવવા અંગેનો ભલામણપત્ર જિલ્લા શિક્ષણાધિકારી મારફત આપવામાં આવશે.

જે તે ઉમેદવારને નિમણુંક આપતો હુકમ તૈયાર કરી સક્ષમ સત્તાધિકારીના સહી સિક્કા કરાવી 4 દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ અંગે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરી શાળા સંચાલકો પાસેથી ભરતી અંગેનું સંમતિપત્ર ચાર દિવસમાં મેળવી લેવા માટે જણાવ્યું છે.

જે શાળાનું સંચાલક મંડળ આવી સંમતિ આપવા તૈયાર ન હોય તેવી શાળાની વિદ્યા સહાયક (Gujarat Vidhyasahayak)ની જગ્યાઓ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે અને આગામી 3 વર્ષ સુધી આ જગ્યાઓ પર રાજ્ય કક્ષાની ભરતી પસંદગી સમિતિ દ્વારા થનારી ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે નહીં. ત્યારબાદ આવી સ્કૂલોએ આ જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા શિક્ષકોની વ્યવસ્થા સ્વખર્ચે કરવાની રહેશે.

આ પણ વાંચોઃ RBIનો નિર્ણય, વ્યાજદરોમાં કોઇ બદલાવ ના કર્યો, રેપો રેટ 4% પર યથાવત

પ્રવાસી શિક્ષકોની પણ વ્યવસ્થા પણ નહીં કરાય

ઉપરાંત આવી જગ્યાઓ પર કોઈ પ્રવાસી શિક્ષકોની પણ વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવશે નહીં. આમ, આ વખતે સંચાલક મંડળો નિમણુંક હુકમોને લઈ બળવો ન કરે તે માટે અગાઉથી જ સંમતિ પત્ર લઈ લેવાની સુચના અપાઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat