Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતનું ભવિષ્ય સવારથી ‘ભૂખ્યું અને તરસ્યું’, અસંવેદનશીલ સરકાર મૌન

ગુજરાતનું ભવિષ્ય સવારથી ‘ભૂખ્યું અને તરસ્યું’, અસંવેદનશીલ સરકાર મૌન

0
252

ગુજરાતભરના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિને લઇને ઉગ્ર આંદોલન કરી રહ્યાં છે. જો કે, સરકાર તરફથી જોઇએ તેવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. માત્ર સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા બિન સચિવાયલની પરીક્ષામાં થયેલ ગેરરીતિ વિરૂદ્ધ પગલા ભરવામાં આવશે તેટલું આશ્વસનરૂપી લોલીપોપ પકડાવવાની કોશિષ કરીને ગાયબ થઇ ગયા હતા.

સૌથી મોટો પ્રશ્ન તે છે કે, પ્રદિપ સિંહ જાડેજાએ સ્વીકાર કર્યો હતો કે પરીક્ષામાં ગેરરીતિ થઇ હતી. ગેરરીતિનો સ્વીકાર કર્યા છતા પણ સરકાર પરીક્ષાને રદ્દ કરવાની આના-કાની કરી રહી હોવાના કારણે વિદ્યાર્થીઓમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો હતો.

ગુજરાતનું ભવિષ્ય સવારથી ભૂખ્યું-તરસ્યુ આંદોલન કરી રહ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓ હાલમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહ્યાં છે અને સરકાર પાસે તેમની રોજગારીને લઇને જવાબ માંગી રહ્યાં છે. વિદ્યાર્થીઓ અનુસાર તેઓ પોતાના માતા-પિતાની રજા લઇને આંદોલન કરવા માટે નિકળી પડ્યા છે અને જ્યાર સુધી તેમને ન્યાય આપવામાં આવશે નહીં, ત્યાર સુધી તેઓ ઘરે પરત ફરશે નહીં.

આમ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ગાંધીનગરમાં ડેરા નાખી દીધા છે. તેવામાં પોલીસે ગાંધીનગરની મોટાભાગની બધી જ દુકાનો સહિત ચાની કિટલીઓ પણ બંધ કરાવી દીધી છે. વિદ્યાર્થીઓ સવારથી લઇને અત્યાર સુધી ભૂખ્યા અને તરસ્યા બેસ્યા છે.

રૂપાણી સરકાર પોતાની સરકારને સંવેદનશીલ સરકાર ગણાવે છે પરંતુ હાલમાં તેમને ગુજરાતના વિદ્યાર્થીઓની સંવેદના નજરે આવી રહી નથી. આમ અસંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારથી રાત સુધી ભૂખ્યા અને તરસ્યા બેસેલા વિદ્યાર્થીઓને એકપણ વખત આશ્વાસન સુદ્ધાપણ આપ્યું નથી.

ગુજરાતના યુવાઓ વોટ્સએપ યુનિવર્સિટી અને હિન્દુ-મુસ્લિમની ડિબેટમાંથી બહાર આવીને બેરોજગારીને લઇને સરકારને પ્રશ્ન પૂછી રહ્યાં છે. તેથી હવે સરકાર પાસે કોઈ જ જવાબ ના હોવાના કારણે વિદ્યાર્થીઓને લોલીપોપ પકડાવીને આંદોલનને રફે-દફે કરવાની કોશિષ કરવામાં આવી રહી હોવાનું ઉમેદવારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

#SaveGujaratstudent: નાકામી છુપાવવા વિદ્યાર્થીઓના બંધારણીય હકની હત્યા કરી રહી છે સરકાર?