Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > TATની માર્કશીટમાં બોર્ડે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો છબરડો, નામ અને તસવીરોમાં ભૂલ

TATની માર્કશીટમાં બોર્ડે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો છબરડો, નામ અને તસવીરોમાં ભૂલ

0
1116

રાજપીપળા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2019ના વર્ષ માટે TET-1, TET-2 અને TAT ની પરીક્ષા લેવામાં આવી હતી. હવે એ પરીક્ષા પણ સમય પર લેવાઈ ગઈ એના પરિણામો પણ આવી ગયા છે પરંતુ પરિક્ષાર્થીઓની માર્કશીટમાં ગંભીર છબરડાઓ બહાર આવ્યા છે. જે છબરડાએ લીધે એમના ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકી દીધો છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2019 ના વર્ષ માટે લેવાયેલી TATની પરીક્ષાના પરિણામોની માર્કશીટમા પરિક્ષાર્થીઓના નામ અલગ અને ફોટો અલગ આવતા પરિક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.નર્મદા જિલ્લામાં રહેતી લક્ષ્મીબેન છીતુભાઈ વસાવા અને પ્રિયંકાબેન જગદીશભાઈ વસાવા સુરત સેન્ટરમાં TATની પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ હતી એમની માર્કશીટમાં આ રીતના છબરડા જોવા મળ્યા છે, તો આખા રાજ્યમાં આવા કેટલાય કેસ હશે એ તપાસ થાય તો જ બહાર આવે.

હવે 2019ના વર્ષમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 3 વર્ષ સુધી માન્ય ગણાય છે.જોકે, આવા વિદ્યાર્થીઓ જો ગુજરાત પરીક્ષા બોર્ડમાં અરજી કરે તો એમની માર્કશીટમાં સુધારો કરવો શક્ય છે. પરંતુ પરીક્ષા અને માર્કશીટ સહિતની કામગીરીમાં ટ્રેનિંગ લઈને બેઠેલા કર્મચારીઓની આ રીતની ગંભીર ભૂલ ચલાવી લેવા યોગ્ય ન જ કહેવાય. તો ભૂતકાળમાં TATના ઓનલાઈન રિઝલ્ટમાં અને માર્કશીટ આવે ત્યારે એ રિઝલ્ટમાં પણ માર્ક્સમાં મોટો તફાવત આવતો હોવાનું સામે આવ્યું હતું પણ જે તે વખતે એ ભૂલ સુધારી લેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2-2 વર્ષ શિક્ષકની ટ્રેનિંગ લીધેલા શિક્ષકોને સરકાર માન્ય નથી રાખતી પરંતુ આ 2 કલાકની પરીક્ષા આપેલ શિક્ષકને સરકાર માન્ય ગણે છે એ એક આશ્ચર્યજનક બાબત કહેવાય. આ છબરડા મામલે Gujarat Exclusive દ્વારા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પણ એમનો સંપર્ક થઈ શક્યો નથી.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

IAS દહિયા સામે મહિલાના ગંભીર આરોપ બાદ CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ