Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફી મુદ્દે ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

ફી મુદ્દે ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

0
45
  • ફી માફીના બદલે ફી કમિટીની મંજૂરી વગર શાળાઓએ તોતિંગ વધારો કર્યાની રાવ

  • સરકારી આદેશોનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા વાલી મંડળની માંગ

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ફીનો મુદ્દો ફરી ઊભો થયો છે. ગુજરાત વાલી મંડળે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. જેમાં ઘણી શાળાઓએ ફી કમિટીની મંજુરી વગર જ ફીમાં તોતિંગ વધારો કરી દીધો છે. ત્યાં સુધી કે તમે 25 ટકા ફી માફીનો નિયમ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હોવા છતાં શાળાઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું નહીં હોવાની રજૂઆત કરી છે.

ફી કમિટી દ્વારા શાળાઓની દરખાસ્તની ચકાસણી બાદ જ વાર્ષિક ફી મંજૂર કરવામાં આવે છે. જે અંગેની વાલીઓને કોઈ ચોક્કસ વિગતવાર અને યોગ્ય માહિતી સમયસર મળતી ન હોવાની અનેક ફરિયાદો ઊઠવા પામી છે. ઘણી શાળાઓ ફી કમિટી દ્વારા મંજૂર કરેલી ફી અંગેના પરિપત્રથી પારદર્શક રીતે વાલીઓને માહિતગાર કરતી નથી. શાળાઓ બંધ હોવાના કારણે 50 ટકા ફી માફીની વાલીઓની માંગ હતી તેને સંતોષ આપવાના હેતુ માટે ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી.

હાલમાં પણ સરકાર દ્વારા જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફી માફીનો નિયમ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હોવા છતાં શાળાઓ દ્વારા પૂરેપૂરી ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ઉપરાંત ઘણી શાળાઓએ તો ચાલુ વર્ષની ફીમાં પણ તોતિંગ વધારો કરી દીધો છે. ઉપરાંત વાલીઓ પાસેથી પણ મોટી ફી વસૂલી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર નિયમ મુજબ જ્યાં સુધી ફી કમિટી દ્વારા ફી મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓ વધુ ફી લઈ શકે નહીં. પરંતુ આ નિયમ હોવા છતાં ઘણી શાળાઓએ ફીમાં વધારો કરી દીધો છે.

આ અંગે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે ફીના મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં શિક્ષણ વિભાગના નિયમો અને સરકારી આદેશોનું ઉલ્લંઘન કરતી શાળાઓની વિરુદ્ધમાં નિયમ અનુસાર કાયદેસરની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓના હિતમાં જ્યાં સુધી વાસ્તવિક સ્વરૂપે શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી 50 ટકા ફીમાં રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)