Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત રાજ્યસભા ચૂંટણી પર કોરોનાનું સંકટ, રદ્દ કરાવવા EC સાથે ચર્ચા

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પર કોરોનાનું સંકટ, રદ્દ કરાવવા EC સાથે ચર્ચા

0
947

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા 23 થઈ ગઈ છે, જ્યારે 1 વ્યક્તિનો ભોગ પણ લેવાઈ ચૂક્યો છે. જે બાદ રાજ્યમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, તેઓ આ મામલે ચૂંટણી પંચ સાથે ચર્ચા કરશે.

26 માર્ચે 4 સીટો પર ચૂંટણી
ગુજરાતમાં 4 સીટો પર 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં કોંગ્રેસને પોતાના 73 ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું. જેથી એવું મનાતું હતું કે, ભાજપ અને કોંગ્રેસના ફાળે 2-2 સીટો આવશે. જો કે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ પાર્ટીને રામ-રામ કહી દીધું છે. આ ઉપરાંત ભાજપે પણ કોંગ્રેસના પૂર્વ નેતા નરહરિ અમીને પોતાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા રાજ્યસભાની ચૂંટણી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્યમાં એક ઉમેદવારને જીતવા માટે 37 વૉટ જોઈએ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેઓ ચૂંટણી પંચને અપીલ કરશે કે, રાજ્યસભાની ચૂંટણીને લઈને કોઈ મોટો નિર્ણય કરવામાં આવે.

ગુજરાતમાં ક્યાં કેટલા કોરોના પોઝિટિવ કેસો
ગુજરાતમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગરમાં 3, રાજકોટ- કચ્છમાં 1, સુરતમાં 5, અમદાવાદમાં 7 અને વડોદરામાં 6 કેસો મળીને કુલ 23 દર્દીઓ નોંધાયા છે.

આ ઉપરાંત રવિવારે કોરોનાથી પીડિત 67 વર્ષના એક વૃદ્ધનું સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કોરોનાથી પીડિત આ શખ્સ દિલ્હી અને જયપુરથી ટ્રેનમાં મુસાફરી કરીને સુરત આવ્યો હતો.

જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ માલગાડીઓ સિવાયની તમામ પેસેન્જર ટ્રેનો 31 માર્ચ સુધી રદ્દ કરી દીધી છે.

લૉકડાઉન શું છે? શું ખુલ્લુ રહેશે અને શું થશે બંધ? અહીં જાણો જે તમે જાણવા માંગો છો