Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બોગસ ડોકટર પકડવાની ખાસ ઝુંબેશ કેમ હાથ ધરાઇ ? જાણો..

બોગસ ડોકટર પકડવાની ખાસ ઝુંબેશ કેમ હાથ ધરાઇ ? જાણો..

0
140
  • ગુજરાત પોલીસે બે મહિનાની ડ્રાઇવમાં 175 બોગસ ડોકટરો ઝડપી પાડયાં

  • નર્મદા જિલ્લામાં 13 બોગસ ડોકટરો ઝડપાવાથી ઝુંબેશ હાથ ધરાઇ

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં હાટડી ખોલીને બેસી ગયેલાં 175 બોગસ ડોકટરોને ગુજરાત પોલીસે ઝડપી લીધાં છે. સામાન્ય દિવસોમાં પણ પોલીસ દ્વારા બોગસ ડોકટર પકડવામાં આવતાં હોય છે. પરંતુ બોગસ ડોકટરોને પકડવાની ડ્રાઇવ કરવાનું રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાએ કેમ હુક્મ જારી કર્યો તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે.

કોરોનાની ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન કરવાની સાથોસાથ આ કામગીરીમાં જોડાયેલી પોલીસને પણ કોરોનાથી બચાવવા માટે રાજયના પોલીસ વડાના અધ્યક્ષપદે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક અવારનવાર યોજાતી હતી.

તેમાંથી એક બેઠકમાં જાણવા મળ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 13 બોગસ ડોકટરો ઝડપાયા છે. આ હકીકત જાણીને પરિસ્થિતિ પામી ગયેલા ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયાએ તુરતજ રાજયભરમાં બોગસ ડોકટરો પકડવા માટેની ડ્રાઇવ ચાલુ કરવાના આદેશો જારી કર્યા હતા.

રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા રાજયમાં 1લી એપ્રિલ 2021થી બોગસ ડોકટરો પકડવા માટેની ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે લગભગ બે હજાર ડોકટરોની તપાસ કરી હતી. જેમાં 175 બોગસ ડોકટરો પકડવામાં આવ્યા હતા. પોલીસે હાથ ધરેલી ડ્રાઇવ દરમિયાન ડોકટરોની ડિગ્રી માર્કશીટ અને તેમના સર્ટીફીકેટની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં 175 ડોકટરો પાસે ડિગ્રી જ નહીં હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો હતો.

રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના જણાવ્યા મુજબ બોગસ ડોકટરો પકડવાની ખાસ ડ્રાઇવ દરમિયાન 175 ડોકટરોને પકડવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધુ 27 નકલી ડોકટરો ભરૂચમાંથી અને 24 ડોકટરો બનાસકાંઠામાંથી ઝડપાયા હતા.

નર્મદા જિલ્લામાં સૌ પ્રથમ બોગસ ડોકટરો પકડાતાં ડ્રાઇવ રાખવામાં આવી

સામાન્ય દિવસોમાં પણ રાજય પોલીસ દ્રારા બાતમીના આધારે બોગસ ડોકટરો પકડવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લામાં કોરોનાના સમયમાં 13 બોગસ ડોકટરો ઝડપાયા હોવાની હકીકત પ્રકાશમાં આવતાં રાજય પોલીસ વડા આશીષ ભાટીયા દ્રારા સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.

પ્રજા માટે જોખમી સાબિત થઇ શકે

ડિગ્રી વગર સારવાર કરતા ડોકટરો પ્રજા માટે જોખમી સાબિત થઇ શકે છે. કેમ કે જાણકારી અથવા અભ્યાસ વગર માત્ર અનુમાન અથવા તો પોતાની સમજ પ્રમાણે દવા દર્દીને આપી દેવી તે દર્દી માટે જોખમ નોતરી શકે છે. જો કે આવા દવાખાના ખાસ કરીને શ્રમજીવી અથવા અંતરિયાળ વિસ્તાર તેમ જ ગામડાંઓમાં વધુ જોવા મળે છે. પકડાયેલા બોગસ ડોકટરોમાં કેટલાંક તો માત્ર કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતાં હોવાના કારણે પોતે દવાખાનું ચાલુ કરી દેતાં હોય છે. તો અમુક આર્યુવેદ ડોકટર હતા પરંતુ તેઓ એલોપથીની પ્રેક્ટિસ કરતા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat