Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માસ્ક ના પહેરનાર વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ફરજ આપશે કે નહીં તે અંગેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાશે- પ્રદિપસીંહ જાડેજા

માસ્ક ના પહેરનાર વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ફરજ આપશે કે નહીં તે અંગેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાશે- પ્રદિપસીંહ જાડેજા

0
106
  • પૂર્વ મંત્રી ગામિત સહિત અન્ય સામે એફ.આઇ.આર. દાખલ કરાઇ છે

  • રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર 1.90 ટકા, રીકવરી રેટ 91.06 ટકા તથા ટેસ્ટીંગમાં પોઝિટિવિટી રેટ 16.15 ટકા હતો તે ઉત્તરોત્તર ઘટીને 2.68 ટકા જેટલો નોંધાયો

અમદાવાદ: રાજય સરકારથી માંડીને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ઘણાં નાગરિકો માસ્ક વગર જાહેરમાં ફરતાં હોવાની ઘટનાઓને હાઇકોર્ટે ધ્યાનમાં લીધી હતી. આવા નાગરિકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા મોકલવાની ટકોર કરી હતી. આ અંગે રાજયના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.

તેમણે વધુમાં તાપી ખાતે પૂર્વ મંત્રી કાંતિભાઇ ગામીતના ઘરે સમાજીક પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવો વિડીયો વાયરલ થતા ઘટનાની સંવેદનશીલતા ધ્યાને લઇને રાજ્ય સરકારે સંબંધિત જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પરિણામે FIR નોંધવામાં આવી છે. જેમાં કાંતિભાઇ ગામીત સહિત અન્ય 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને સોનગઢના PI સી.કે. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડોદરા ખાતે મહાનગર પાલિકાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં 128 લોકો હાજર રહ્યા હતાં. તે સંદર્ભે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતુ કે, વડોદરાના નગરપાલિકાના હોલની કેપેસીટી 1200 વ્યકિતોની હતી તે સંદર્ભે ૧૨૮ લોકો હાજર હતા તે કોરોનાની ગાઇડલાઇન મુજબ યોગ્ય છે.

આ પણ વાંચો: સુરત: પોલીસે ગર્ભવતી મહિલાનું માસ્ક મોઢા નીચે ઉતરેલુ જોઇ ફટકાર્યો 1 હજારનો દંડ, ગાડીને લાત પણ મારી

તેમણે કહ્યું કે રાજ્યમાં કોવિડ-19નું સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીના મહામૂલા જીવનને બચાવવા માટે સમયબધ્ધ આયોજન કર્યું હતું. રાજ્ય સરકારના દ્રિર્ધદ્રષ્ટીપૂર્ણ આયોજનના પરિણામે રાજયમાં આજે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું આપણે અટકાવી શક્યા છીએ. તેમાં નાગરિકોનો પણ અપ્રતિમ સહયોગ સાંપડ્યો છે. તેવો જ સહયોગ આગામી સમયમાં પણ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પ્રદિપસીંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ પદે કોર કમિટીની રચના કરીને દરરોજ ચર્ચા-વિચારણા બાદ સંક્રમણને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના કારણે આ સફળતા મળી છે.

શું છે રાજયની સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાઓના પરિણામે રાજ્યમાં મૃત્યુદર 1.90 ટકા, રીકવરી રેટ 91.06 ટકા રહેવા પામ્યો છે. એ જ રીતે રાજ્યમાં કોરોનાના ટેસ્ટીંગ કરવામાં આવે છે તેમાં પોઝીટીવીટી રેટ 13મી ઓગષ્ટના રોજ 16.15 ટકા હતો જે ઘટીને ૧લી ડિસેમ્બરના રોજ 2.68 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટીવ દર્દીઓ છે. તેમજ રાજ્યોમાં 700 સ્થળો પર 50,386 બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સત્વરે નજીકના સ્થળે સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લા મથકોએ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પીટલો કાર્યરત કરી દેવાઇ છે.

આ પણ વાંચો: કોરોનાગ્રસ્ત દર્દીની કેવી રીતે થાય છે અંતિમક્રિયા?, જાણો

સરકારે શું લીધા પગલાં

રાજ્યમાં દિવાળી તહેવાર દરમ્યાન કોવીડ-૧૯ના કેસોની સંખ્યામાં વધારો જણાતા સરકારે સંક્રમણને અટકાવવા માટે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ કરાવ્યો છે.

1200 બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઈ.સી.યુ.માં 160 બેડનો વધારો કર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 150 બેડ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ ખાતે168 બેડ અને ઈ.એસ.આઈ.સી. બાપુનગર ખાતે 250 બેડ એમ કુલ-728 બેડનો વધારો કરાયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે દૈનિક ટેસ્ટની ક્ષમતામાં પણ વધારો કરાયો છે. કોવીડ-19ની RT-PCR ટેસ્ટીંગ કીટના ભાવમાં ઘટાડો કર્યો છે.

કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારે લગ્ન અને સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ખુલ્લા અને બંધ સ્થળોએ સમારંભ સ્થળની ક્ષમતાના 50% પરંતુ 100 વ્યકિતની મર્યાદામાં આયોજન કરવા મંજુરી આપેલ છે. તેમ જ મૃત્યુના કિસ્સામાં અંતિમક્રિયા/ધાર્મિક વિધીમાં 50 વ્યકિતની મર્યાદા નિયત કરી છે. બંધ સ્થળોએ જયારે લગ્ન સિવાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના 50% પરંતુ 200 વ્યકિતની મર્યાદામાં આવુ આયોજન થાય તેવી વ્યવસ્થા અમલમાં છે.

રાજકોટની હોસ્પિટલમાં બનેલી ઘટનામાં હાઇકોર્ટના નિવુત જજની નિમણૂંક તથા ત્રણ જણાંની ધરપકડ કરાઇ છે. તે જ રીતે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે. એ. પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી તપાસ પંચની મુદતમાં પણ 6 મહિનાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસ ફરી 1500ને પાર, અમદાવાદમાં 325 સંક્રમિત

કોર્ટ દ્વારા રાજ્ય સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જે દિશા-નિર્દેશો કર્યા છે તેનો સરકાર સંપૂર્ણ અમલ કરી રહી છે. કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી સારવારની સુવિધા માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવાયા છે. તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એટેન્ડ કરવા માટે અલગ બેઠક વ્યવસ્થા તેમજ દર્દીઓ માટે હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિષ્ણાંત તજજ્ઞો દ્વારા દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે 11 સભ્યોની તજજ્ઞો- નિષ્ણાંત તબીબોની સ્ટેટ લેવલે એક્ષ્પર્ટ કમિટીની રચના કરાઇ છે. એ જ રીતે જિલ્લા કક્ષાએ પણ 8 સભ્યોની ટીમ કાર્યરત કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગની ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો કરાયો છે. રાજ્ય સરકારે 45 સરકારી અને 38 ખાનગી લેબોરેટરીને RT-PCR ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા હાલ CHC, PHC, હેલ્થ અને વેલનેસ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર તેમજ વોક-ઇન-ટેસ્ટીંગ કીયોસ્ક જેવા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દિવાળીના શોપીંગના ઘસારાને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં વિવિધ સ્ટોરના 10 હજારથી વધુ સુપર સ્પ્રેડરના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9