Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતના ‘નાથ’ તો રૂપાણી જ રહેશે, કોઇએ નવા કપડા સિવડાવવા નહીં

ગુજરાતના ‘નાથ’ તો રૂપાણી જ રહેશે, કોઇએ નવા કપડા સિવડાવવા નહીં

0
6315

ગુજરાતી મીડિયામાં પેટા ચૂંટણી બાદ વિજય રૂપાણી સોનાની જેમ ચમકી રહ્યાં છે. જોકે, તેમના વિશેના મોટાભાગના સમાચાર નકારાત્મક ચાલી રહ્યાં છે. ગુજરાતમાં પેટા ચૂંટણીમાં બીજેપી ત્રણ સીટો હારી ગઇ. તેવામાં તેમના વિરોધીઓએ પ્લાન બનાવ્યો કે, આ હારનું ઠિબરૂ વિજય રૂપાણીના માથે ફોડવાનો સારૂ મુર્હૂત છે. સીએમે પોતાની જવાબદારી યોગ્ય રીતે ના નિભાવવાના કારણે ગુજરાતની ત્રણ સીટો બીજેપીએ ગુમાવી તેવા આક્ષેપ કર્યા અને કરાવવામા આવ્યા. સાથે-સાથે ‘જો અમને એક સીટની જવાબદારીની જગ્યાએ છ સીટની જવાબદારી આપવામા આવી હોત, તો 6માંથી છમાં ભાજપનો ભવ્ય વિજય થાત’ તેવા નિવેદનો પણ મીડિયા માધ્યમ અને સોશિયલ મીડિયા થકી વહેંતા મૂકવામા આવ્યા હતા.

7 ઓગસ્ટ, 2016થી જ્યારે વિજય રૂપાણી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યો, ત્યારથી લઇને અત્યાર સુધીની લગભગ 1100 દિવસની સરકારમાં 11 વખત ‘રૂપાણી જાય છે’ તેવા અહેવાલો પોતાના ટટૂઓ મારફત વહેતા કરવામા આવ્યા. જોકે, અત્યાર સુધી રૂપાણી મક્કમતાપૂર્વક ટકી રહ્યાં છે અને આવનાર 11000 દિવસ કોઇ હલાવી શકશે નહીં, તે વાતમાં જરાપણ શંકાને સ્થાન નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આમ તો રાજકોટથી આવે છે અને સૌરાષ્ટ્ર લોબીના એક દિગ્ગજ નેતા છે પરંતુ તેમના વિરોધીઓને કદાચ તે સમજાઇ રહ્યું નથી કે, રૂપાણી ગુજરાતના એવા નેતાઓમાં છે, જે જ્ઞાતિવાદ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા જૂથવાદથી મૂક્ત છે, છતાય જ્યારે આનંદી બેન જેવા પીઢ રાજનૈતિજ્ઞને હટાવવામાં આવ્યા જ્યારે ગુજરાત અલગ-અલગ આંદોલનોમાં હોમાઇ રહ્યું હતુ. ગુજરાતના આગેવાન એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા વ્યક્તિઓ કેન્દ્ર અને દેશની રાજનીતિમાં સતત પડકારોનો સતત સામનો કરી રહ્યા હતા, કોઇની પાસે ગુજરાત માટે સમય નહતો ત્યારે કોઇ પટેલ, ઠાકોર, અને ચૌધરી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અથવા તો કોઇ પ્રકારના જૂથવાદી છબી ધરાવતા નેતાની જગ્યાએ ‘એકલા ચાલો’ અને કર્મને ધર્મ સમજનાર વિજય રૂપાણી ઉપર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને ભાજપ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે એવા નેતાને પેટા-ચૂંટણીની હારના કારણે હટાવી દેવામા આવશે, તે વાત સંપૂર્ણ મુર્ખામી અને પ્રોપગેન્ડા આધારિત ગણી શકાય.

ગુજરાતની છ સીટોની પેટા-ચૂંટણીમાં ત્રણ સીટ ભાજપ હારી ગઇ, જે કારણે ‘રૂપાણી જાય છે’ તેવા અહેવાલો વહેંતા કરવામા આવ્યા પરંતુ હવે તે સીટો કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં ભાજપે ગુમાવી છે, તે પણ જોવા અને સમજવા લાયક સ્થિતિ છે.

અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાની સીટ ભાજપ હારશે તેવા અહેવાલ ચૂંટણી પહેલા જ ફરતા થઇ ગયા હતા. ગ્રાઉન્ડ રિપોર્ટ પણ એવા જ આવતા હતા કે, આ વખતે તો ‘ઠાકૂર તો ગયો’ અને બીજી તરફ ઝાલાની સીટ પરથી પણ તેમના વિરોધની જ હવા સ્પષ્ટ દેખાઇ રહી હતી. આંદોલનો થકી લોકોનો હીરો બની ગયેલ અલ્પેશને તો ગમે તેમ કરીને ભોય ભેગો કરવાનો જ હતો, તે નક્કી હતું. તેવી જ રીતે ઝાલાને પણ લોકોનું પૂરેપૂરુ સહયોગ રહેલો હતો. તેવામાં બને એક શક્તિશાળી નેતાના રૂપમાં ઉભરી રહ્યાં હતા. જોકે, હવે તેમને ખુબ જ સારી રીતે બીજેપી દ્વારા નિપડાવી દેવામા આવ્યા છે, તે જગજાહેર છે. બીજેપીનો ભૂતકાળ જૂઓ તો પણ ખ્યાલ આવી જશે કે, કોઇપણ શક્તિશાળી નેતા હોય તેને લાલચ આપીને પોતાની પાર્ટીમાં બેસાડી દેવો અને તેને નમણો બનાવી દેવો. દા.ત ગોવરધન ઝડફિયા અને નરહરિ અમીન.

જોવા જઇએ તો બીજેપીની દેખીતી રીતે હાર છે પરંતુ પડદા પાછળની અને રાજકીય રીતે એક શાનદાર જીત મેળવી છે. એક કહેવત તો તમને ખબર જ હશે, “કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ”

ખેર, હવે આપણે આવીએ આપણી મૂળ વાત પર, રૂપાણી કેવડિયા ખાતે બની રહેલા વિવિધ પ્રોજેક્ટોની કામગીરીના નિરીક્ષણ તથા નિર્માણ પામેલા પ્રોજેક્ટોના લોકાર્પણ માટે ગયા હતા અને ત્યાં તેમને સાઇકલિંગ કરી. જોકે, માત્ર સાઈકલિંગ કરી હોય તો ઠીક છે પરંતુ તે દરમિયાન ભોળા-ભાવે એવું બોલ્યા, અમે અહીં લખી રહ્યાં છીએ “એવું બોલ્યા” નિવેદન આપ્યું હોય તેવું અમે કહી રહ્યાં નથી. સાયકલિંગ કરતી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલ્યા કે, હટી જજો ભાઇ હવે મારૂ કાઈ નક્કી નહીં. હવે તેમના આ ઉચ્ચારણ ક્યાં ટોનમાં હતો, તે વિશે તો તેમને કોઈએ પૂછ્યું નથી, પરંતુ તેમના ઘોર વિરોધીઓએ તે શબ્દોને પેટા-ચૂંટણીની હાર સાથે જોડી દીધા અને વાત ફેલાવી દીધી કે, આવનારા ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઇ રહ્યાં છે.

ચૂંટણી પહેલા બીજેપી એન્ડ પાર્ટી તરફથી એવી હવા ફેલાવવામાં આવી હતી કે, શંકર ચૌધરીનું કરિયર ખત્મ કરી નાખવા માટે અલ્પેશ ઠાકોરનું બહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવામા આવશે, અને કદાચ પોતે અલ્પેશ પણ એવું જ માનતો હતો. જોકે, તેને ખબર નહતી કે, બહ્માસ્ત્ર તો શંકર ચૌધરી હતો. થઇ ગયું ભાઈનું કામ તમામ. રહી વાત શંકર ચૌધરીની તો તેને પણ હાંસિયા પર ધકેલી તો દેવામા આવ્યો છે, પરંતુ હવે આગળ તેમને કોઇ જવાબદારી આપવામા આવે છે કે, નહીં તે જોવાનુ રહેશે.

બીજેપીએ માસ્ટર સ્ટોક રમતા ઉત્તર ગુજરાતના ઉગતા સુરજને એક ઝાટકે ડૂબાડી દીધો. હવે બીજેપી સામે માત્ર બે પડકાર રહેલા છે, જિજ્ઞેશ અને હાર્દિક. કદાચ તેમના માટે પણ કોઇને કોઇ પ્લાન બનાવી રાખ્યા હશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જન્મ લેનાર ત્રણ નેતાઓમાંથી એક નેતાનું સુરજ ડૂબી ગયું છે. હવે વધ્યા છે માત્ર બે. તેમાય હાલમાં હાર્દિક પટેલ શાંત થઇને બેસી ગયો છે. તેથી આપણે કહી શકીએ કે, કદાચ તે યોગ્ય સમયની રાહ જોઇ રહ્યો છે અથવા બીજેપીએ તેના પર એટલું પ્રેશર બનાવી નાખ્યુ છે કે, તેને શાંતિથી બેસવા સિવાય અન્ય કોઇ રસ્તો દેખાઇ રહ્યો નથી.

આમ ટૂંક જ સમયમાં બીજેપીએ તેમના વિરોધીઓને એક-એક કરીને વેર-વિખેર કરી નાખ્યા છે. હાલમાં તો જોઇએ તો ગુજરાતની જવાબદારી તો બધી મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જ છે, તો આ બધી સફળતાઓ પણ તેમના માથે જ મઢવી જોઈએ. આમ વિજય રૂપાણીએ ટૂંક જ સમયમાં મોટા-મોટા આંદોલનોને સમેટી નાખવા અને આંદોલનકારી એવા અલ્પેશની ટાઢા પાણીએ ખા કાઢી નાંખવા જેવી સફળતાઓથી તેમને બિરાજવા જોઇએ. તેથી હારની જવાબદારી સ્વીકારવાનો પ્રશ્ન રૂપાણી સાહેબ ફગાવી ના નાંખે તો શું કરે? એટલે તો અમે કહીએ છીએ કે, આવનારા વર્ષોમાં ગુજરાતના ‘નાથ’ તો રૂપાણી સાહેબ જ રહેશે.

‘અમે હેડલાઇન આપી છે કે, કોઇએ નવા કપડા સિવડાવવા નહીં, તે અમારા વાંચકો માટે નહીં પણ કેટલાક એવા પણ નેતાઓ છે, જેઓ પોસ્ટરમાં જગ્યા મેળવી શકતા નથી અને ખુરશી મેળવવાના દીવા સ્વપ્ન જુએ છે.’

મોદીના વફાદાર ગિરીશચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા