Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાત મોડલ: ગરીબી દૂર કરવાની જગ્યાએ ગરીબોને છૂપાવી દેવાની નીતિ

ગુજરાત મોડલ: ગરીબી દૂર કરવાની જગ્યાએ ગરીબોને છૂપાવી દેવાની નીતિ

0
23734

તુંવર મુજાહિદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યાં છે. તેવામાં તેમના સ્વાગત માટે તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોની તસવીર બદલી દેવામાં આવી છે. સામાન્ય જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ અમેરિકન પ્રેસિડેન્ટને ઝાકમઝોળ ગુજરાત બતાવવામાં કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જ્યારે પણ અન્ય દેશના નેતાઓ આવે છે, ત્યારે મોટાભાગના રોડ-રસ્તાઓ નવા બની જતા હોય છે. તેવી જ રીતે આ વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ અમદાવાદના તેઓ જ્યા થઈને ચાલવાના છે, તે મોટાભાગના રસ્તાઓ નવા બની ગયા છે.

જોકે, ગુજરાતની એક સમસ્યા એવી છે કે, તે પાછલા 27થી વધારે વર્ષથી સત્તામાં બેસેલ ભાજપ સરકાર દૂર કરી શકી નથી. આ સમસ્યા છે ‘ગરીબી.’ પાછલા 27થી પણ વધારે વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગરીબીમાં સતત વધારો થયો છે. તેવામાં ગુજરાત મોડલને દેશ-વિદેશમાં બતાવવા માટે ગુજરાત સરકાર ગરીબોની સ્થિતિ સુધારવાની જગ્યાએ તેમને છૂપાવી દેવાની નીતિ અપનાવી છે. અમદાવાદમાં આવતા ડોનાલ્ડ ટ્રમ્પ ગરીબીને જોઈ ના જાય તેથી એરપોર્ટ નજીક આવેલ સરણીયા વાસને છૂપાવવા માટે ઈન્દિરા બ્રીઝ સુધી એક કિલો લાંબી દિવાલ બનાવી દેવામાં આવી છે. એક કિલોમીટર દિવાળ પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં પાંચ હજારથી વધારે ગરીબોને છૂપાવી દેવામાં આવ્યા છે. આ દિવાળથી ગરીબી ભોગવી રહેલા લોકોના જીવનને વધારે મુંઝવણભર્યું બનાવી દેવામાં આવ્યું છે.

એક સ્થાનિક અનુસાર, “ગરીબો માટે દિવાલ એક જેલ જેવું કામ કરશે. ચોમાસામાં તેમનું જીવન દોહીલું બની રહેશે. ઘરોમાં પાણી ઘૂસી જશે અને કાદવ-કિચડનો તો કોઈ પાર જ નહીં હોય.”  સામાન્ય માણસ અને ગરીબોના અનેક મુદ્દાઓને નજર અંદાજ કરીને ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર ગરીબોને છૂપાવવામાં લાગી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને જાપાન વડાપ્રધાન શિંજો આંબે આવ્યા ત્યારે ગરીબોને છૂપાવવા માટે પડદા મારી દેવામાં આવ્યા હતા. જોકે, દરેક વખતે પડદાઓ થકી ગરીબીને છૂપાવવાની ઝંઝટને દૂર કરવા રૂપાણી સરકારે પરમેનેન્ટ સોલ્યુશન લાવતા એક કિલોમીટર અને સાંત ઈંચ લાંબી દિવાલ જ ચણાવી નાખી છે.

શું સરકાર દિવાલ બનાવીને ગરીબી છૂપાવી રહી છે કે પોતાની નિષ્ફળતાઓ

ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટથી હાંસોલ સર્કલ વચ્ચે આવનાર ઝૂપડપર્ટીઓ આગળ દિવાલ બનાવીને અહીંની ગરીબી અને લોકોની દયનિય પરિસ્થિતિ છૂપાવવાની કોશિષ કરી છે. જે કારણે અહીં રહેતા લોકોમાં ખુબ જ રોષ છે. વાસ્તવમાં સરકારે ગરીબીને છૂપાવી નથી પરંતુ પોતાની 27 વર્ષની સત્તાની નિષ્ફળતા છૂપાવવાની ભરપૂર કોશિષ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી  હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ, પાકિસ્તાન-ગદ્દાર વગેરે જેવા મુદ્દાઓ દ્વારા દેશના લોકોના દિલોમાં દિવાલ ઉભી કરીને વર્તમાન સમસ્યાઓના મહત્વપૂર્ણ મુદ્દાઓને દબાવી દેતી હોય છે. દિલ્હી ચૂંટણી દરમિયાન અનેક નફરતભર્યા વિવાદિત નિવેદન બીજેપી નેતાઓ તરફથી આવ્યા હતા, જે બે સમુદાયો વચ્ચે એક દિવાલ બનાવવા માટે પુરતા હતા. હવે વિદેશી લોકો સામે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અને ખોટે-ખોટો વિકાસ બતાવવા માટે દિવાલ ઉભી કરાવી રહી છે.

ગુજરાતમાં ગરીબીના આંકડાઓ છે ચૌંકાવનારા

પીએ મોદી દેશ અને વિદેશમાં એવું કહેતા ફરે છે કે, “ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે.” જોકે, ગામડાની સાથે-સાથે શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂતો કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ગુજરાત સરકારે જવિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. 31 લાખ પરિવાર એટલે દોઢ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અહીં તેવા દોઢ કરોડ લોકોની વાત થઈ રહી છે, જેમને વ્યવસ્થિત રીતે બે ટંકની રોટી પણ નસીબ થઈ રહી નથી. 2018માં વિધાસભામાં આપેલી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં 18,932 પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.

ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે 25 ટકા થઈ ગયા છે. રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા છે. ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે.

રાજ્યમાં સૌથી વધુ ગરીબો ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા, દાહોદ, આણંદ, પંચમહાલ, વલસાડ અને સુરેન્દ્રનગર વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થયો હોવાનું કહેવામાં આવે છે, પરંતુ છેવાડાના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 2,31,449 કુટુંબો બીપીએલની યાદીમાં છે જે સૌથી વધુ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે છતાં અહીં 1,39,263 કુટુંબો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

સરકાર દ્વારા છેલ્લા એક દાયકાથી વનબંધુ યોજના અને સાગરખેડૂ યોજનાનો મોટા પાયે પ્રચાર થાય છે અને તેની પાછળ હજ્જારો કરોડોના પેકેજ જાહેર કરાય છે અને વપરાયા હોવાના દાવા કરવામાં આવે છે, જો કે વાસ્તવિક્તા એ છે કે, આદિવાસી જિલ્લા રાજ્યમાં બીજા નંબરે દાહોદમાં 2,25,332 કુટુંબ ખૂબ ગરબી છે તો પંચમહાલમાં આ સંખ્યા 1,27,061 કુટુંબની છે. વલસાડમાં પણ 1,26,000 જેટલા અને ઔદ્યોગિક શહેર સુરતમાં 1,14,890 જેટલા ગરીબ પરિવારો છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 4,90,536 અરજી બીપીએલમાં સમાવવા માટે સરકારને મળી હતી જેમાંથી 2.94 લાખનો સમાવેશ કરાયો હતો તેના પરથી દર વર્ષે કેટલી મોટી સંખ્યામાં ગરીબો બીપીએલ યાદીમાં આવી રહ્યા છે તે સાબિત થાય છે. 1.95 લાખ અરજીઓ નામંજુર કરવામાં આવી હતી.

ખેડૂતોની અવગણના થતાં ગરીબીમાં થયો વધારો

ભાજપ સરકારે પોતાના પાછલા 25 વર્ષ દરમિયાનની લાંબી સત્તા દરમિયાન ખેડૂતોની અવગણના કરી છે. ખરેખર ખેડૂતો તૂટી રહ્યાં છે તેના કારણે ગરીબી વધી રહી છે. વિકાસ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થયો છે, જ્યાં ખેતી કરતાં માંડ 4 ટકા રોજગારી મળે છે. તેથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત ન આપીને વિપક્ષને વધું ધારાસભ્યો આપ્યા છે. 12 જૂલાઈ 2018માં ગરીબીના આંકડા જાહેર કરાયા હતા. જે બતાવે છે કે, ઉદ્યોગોથી રોજગારી મળતી નથી પણ ખેતીથી મોટી રોજગારી મળે છે. નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચી તે ગરીબીનું સૌથી મોટું કારણ છે. ખેતી તૂટી રહી છે ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 50 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે. 15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. જે ગરીબ બની જતાં મજૂર તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડામાં વહેંચાઈ રહી છે. કુટુંબ વિભાજનના કારણે જમીન ટૂકડામાં ફેરવાઈ રહી છે.

ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010 11માં વધીને 48.85 લાખ થયા હતા. 2018માં વધીને 50 લાખ થયા હતાં. જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઇ ગઇ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે. 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે. જમીન નકામી બની છે અથવા તે ઉદ્યોગોમાં બિનખેતી કરી કે જતી રહી છે. પહેલાં જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી 3.70 લાખ હેક્ટર જમીન ઘટી છે. તેનો સીધો મતલબ કે એટલા ખેડૂતો ઘટી ગયા છે.

વર્તમાનમાં ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યો હોત પણ તેમ થયું નથી. બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1146 લોકોએ આત્મહત્યા કરી છે. શાળાએ જવાના બદલે મજૂરી રાજ્યમાં 4.20 લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે બાળકો ભણવાનું છોડીને કામ કરી રહ્યાં છે. 2004-05માં સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા,તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે. તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે.

ગરીબ કલ્યાણ મેળાથી કોનો થયો કલ્યાણ તે સરકાર જ બતાવી શકે

ગરીબ કલ્યાણ મેળા નામના એક તૂતની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરીને કહ્યું હતુ કે, “ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે.” સરકારના એક આંકડા પ્રમાણે 2009થી 11 વર્ષ 2070 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ.22 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. જોકે, તે છતાં પ્રતિવર્ષ ગુજરાતમાં ગરીબી વધી કેમ રહી છે તે એક મોટો પ્રશ્ન છે? ગરીબ કલ્યાણ મેળાઓમાં જેટલી પૈસા આપવામાં આવ્યા તેટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત. ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી. ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એનિમાયા વધુ છે. 1.50 કરોડ લોકોને પરંતુ ખાવાનું મળતું ન હોય તે સરકારે રાજ કરવાનો કોઈ અધિકાર નથી. જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી.

રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે. ગુજરાતના ગામડામાં મહિને રૂ.324 અને શહેરોમાં મહિને રૂ.501.14 આવક મેળવે છે. ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે રૂ.11 તથા શહેર માં રૂ.17 કમાતા હોય તેને ગરીબ જાહેર કર્યા હતા. વર્તમાન સરકારની નીતિ છે કે, ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબી રેખા બદલી ગરોબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને વાયબ્રંટ ગુજરાતમાં બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું. 28 વર્ષ પછી પણ ગરીબી કોંગ્રેસની દેન – રૂપાણી 18 નવેમ્બર 2018માં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, “દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે.” પણ ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે. જેને 23 વર્ષ થયા અને ભાજપની ભાગીદારી વાળી સરકાર તો 1991થી છે. તો પછી 27 વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી, તો ગરીબી કેમ વધી રહી છે.