Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટે ACSના અધ્યક્ષપદે કમિટી રચાઇ

14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટે ACSના અધ્યક્ષપદે કમિટી રચાઇ

0
42

રાજયમાં છેલ્લાં બે વર્ષમાં 43 હજારથી વધુ કેદીઓને કાનૂની સલાહ, 10 હજારથી વધુને કાનૂની સહાય અપાઇ

ગાંધીનગર: 14 વર્ષથી વધુ સમયની લાંબી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટેના પુરક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ માટે સંવેદના દાખવી કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગે ઉંમર વધારે હોવાના કારણે કે પછી અન્ય ગંભીર રોગોના કારણે પરેશાની હોય અથવા તો સજા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં એક યા અન્ય કારણોસર લાંબા સમયથી સજા ભોગવતાં હોય તે નિવારવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS )ના અધ્યપક્ષપદે એક કમિટીની રચના કરી છે. જેમાં હકારાત્મક અભિગમ અપનાવી સત્વરે સંવેદનશીલતાથી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજયની જેલોમાં સજા ભોગવતાં કેદીઓને કાયદાકીય કાનૂની સલાહ વિનામૂલ્યે પુરી પાડવાની શરૂઆત રાજય સરકાર દ્વારા 2011થી શરૂ કરી છે. જેમાં કેદીઓને રક્ષણ માટેના હક્કો મળી રહે તે માટે માર્ગદર્શન સહિત વકીલની સુવિધાઓ પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

સોમવારે વિધાનસભામાં અમદાવાદ મધ્યસ્થ જેલ તથા સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સલાહ- સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજયમંત્રી જાડેજાએ કહ્યું હતું કે, સજા ભોગવતા કેદીઓને તેઓને ન્યાય મળે તે માટે તેઓનો કેસ કઇ રીતે લડવો, અરજી કેમ કરવી, વકીલો નિમવા માટે પૈસા ન હોય તો પણ રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે વકીલની સુવિધાઓ પુરી પાડામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં છેલ્લાં બે વર્ષમાં 7,666 કેદીઓને કાનૂની સલાહ અને 6171 કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.

તેમણે કેદીઓની કલ્યાણકારી પ્રવુતિના ભાગરૂપે છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના 5,178 અને 1,133 મહિલા મળીને કુલ 6311 કેદીઓને તથા પાકા કામના 505 પુરુષ અને 850 મહિલા કેદીઓ 1355 મળીને એકંદરે 7,666 કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કેબિનેટ મંત્રી સહિત ભાજપના ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નહીં હોવાનો ઘટસ્ફોટ

રાજયની તમામ જેલોમાં કાચા કામના 34,823 પુરુષ અને 4114 મહિલા કેદીઓ મળીને કુલ 38,937 કેદીઓને તથા પાકા કામના 3,746 પુરુષ અને 1096 મહિલા કેદીઓ મળીને કુલ 43779 કેદીઓને નિશૂલ્ક કાયદાકીય સલાહ આપવામાં આવી છે. તે જ રીતે છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના 4833 પુરુષ અને 568 મહિલા કેદીઓ મળીને કુલ 5401 તથા પાકા કામના 272 પુરુષ અને 498 મહિલા મળીને કુલ 6171 કેદીઓને કાયદાકીય સહાય આપવામાં આવી છે. તો સમગ્ર રાજયની જેલોમાં 10158 કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.

કોરોના સમયમાં 1.35 લાખ પૈકીના 5966 સંક્રમિત થયા

ગુહ રાજયમંત્રી પ્રદિપસીંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોના સમયમાં લોકડાઉન, કરફયુ, અનાજ વિતરણ સહિતની બાબતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવણીના કામમાં 1,35,000 પોલીસ અધિકારી- કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. જેમાંથી 5,966 અધિકારી- કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. 62 જણાંએ જીવ ગુમાવ્યો છે. કોરોના સમયમાં સંક્રમિત અને જીવ ગુમાવનારા દરેક પોલીસ અધિકારી કે કર્મચારીઓના પરિવારને મદદ કરવા સારું સરકારના ધારાધોરણ અનુસાર 25 લાખ તેમના પરિવારજનોને આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સુરત જિલ્લાના એસઆરપી ગ્રુપ, વાવ ખાતેના પોલીસ પરિવારની આરોગ્ય ચકાસણી અંગેના પ્રશ્નના જવાબમાં ગુહ રાજયમંત્રી પ્રદિપસીંહે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ શાર્પ, સ્માર્ટ અને ફીટ રહે તે સરકારનો મંત્ર છે. છેલ્લાં બે વર્ષમાં વાવના તાબા હેઠળના પોલીસ પરિવારના 2962 અધિકારી, કર્મચારી અને કુટુંબીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. જેમાં 1867 પોલીસ અધિકારી, 384 બાળકો અને 644 મહિલાઓ તેમ જ 67 જેટલા વહીવટી સ્ટાફ મળીને કુલ 2962 લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat