Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત HCમાં એક્કી-બેક્કી ફોર્મ્યુલાના આધારે વકીલો માટે ચેમ્બર ખોલાશે

ગુજરાત HCમાં એક્કી-બેક્કી ફોર્મ્યુલાના આધારે વકીલો માટે ચેમ્બર ખોલાશે

0
103

અમદાવાદ : કોરોના મહામારીને લીધે લગભગ સાત મહિનાથી પણ વધુ સમયથી ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે 20મી ઓક્ટોબરથી એક્કી-બેક્કી ફોર્મ્યુલાના આધારે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ ચેમ્બરમાં વકીલોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. હાઇકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલ સવારે 10.30થી 02.30 સુધી તેનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “વકીલો એક્કી-બેક્કી ફોર્મ્યુલા પ્રમાણે ચેમ્બરનો ઉપયોગ કરે. એટલે કે ચેમ્બરમાં એક્કી રૂમ નંબર ધરાવતા વકીલો એક દિવસ અને બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો બીજા દિવસે ચેમ્બરનો ઉપયોગ કરે. ગુજરાત હાઈકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલો જ પ્રવેશ ગેટ નંબર 5થી પ્રવેશ અને નિષેધ કરી શકશે. આ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લિફ્ટમાં પણ ત્રણથી વધુ લોકોને શામેલ કરવામાં નહીં આવે અને નીચે ઉતરતી વખતે સીડીનો જ ઉપયોગ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.”

કઈ રીતે એક્કી – બેક્કી ફોર્મ્યુલા લાગું થશે?

પ્રથમ સપ્તાહ દરમિયાન

ચેમ્બરમાં એક્કી રૂમ ધરાવતા વકીલો સોમવાર, બુધવાર અને શુક્રવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

ચેમ્બરમાં બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો મંગળવાર અને ગુરુવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

બીજા સપ્તાહ દરમિયાન

ચેમ્બરમાં એક્કી રૂમ નંબર ધરાવતા વકીલો મંગળવાર અને ગુરુવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

ચેમ્બરમાં બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો સોમવાર, બુધવાર અને શુક્રવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં જે વકીલોને ચેમ્બર ફાળવવામાં આવ્યાં છે તે જ વકીલ કોઈ એક જુનિયર સાથે ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. કોઈ પણની ચા-કોફી સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. 02:30 વાગ્યે પછી હાઉસકિપિંગ વિભાગ વકીલોની ચેમ્બરમાં આવેલી લૉબીને સેનિટાઈઝ કરાશે. કોઈ પણ વકીલે વહીવટી કચેરીની મુલાકાત કે કામ વગર પરિસરમાં ફરવું નહીં.

ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર જે.જી. વિઠલાણીને કોવિડ કોર્ડીંનેટર તરીકે નિમાવવામાં આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ પરિસર અને ચેમ્બરમાં પ્રવેશ માટે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર સહિત કોરોનાને લગતી તમામ SOPનું પાલન કરવું પડશે. ચેમ્બર અને હાઇકોર્ટમાં પરિસરમાં પ્રવેશ પહેલા ટેમ્પરેચર ગન મારફતે શરીરનું તાપમાન મપાવું પડશે. જો હાઇકોર્ટની નવી કે જૂની ચેમ્બરમાં બે કે તેથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવશે તો ચેમ્બરને હંગામી ધોરણે બંધ રાખી સેનિટાઈઝેશન અને ડીપ ક્લિનિંગ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા ચેમ્બર શરૂ કરવા બાબતે લેખિતમાં કરાયેલી રજૂઆતના આધારે ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ નિર્ણય કર્યો હતો.