વર્ષ 1972માં કરવામાં આવેલા જમીનના વેચાણ કરારના લગભગ 48 વર્ષ પછી વાંધા ઉઠાવ્યા બાદ જિલ્લા તકેદારી સમિતિએ અરજદારો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ પર ગુજરાત હાઈકોર્ટે આગામી આદેશ સુધી સ્ટે આપ્યો છે.
અરજદારના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે જમીનને લગતા વ્યવહારો જે વર્ષ 1972માં થયા હતા તેને લગતા સવાલ 48 વર્ષ પછી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન જમીનના ટાઈટલ અને અધિકાર અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે. પ્રાંત અધિકારી અને મામલતદારે પણ આ કિસ્સામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 હેઠળ ગુનો બનતો નથી તેવો અભિપ્રાય આપ્યો હોવા છતાં જિલ્લા તકેદારી સમિતિએ ફરિયાદીની ફરિયાદના આધારે અરજદારો સામે FIR દાખલ કરવાનો આદેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 1 મહિના પછી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આ કેસ સિવાય અલગથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટની કેટલીક જોગવાઈઓને પણ ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.