Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગામી 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો તૈનાત

આગામી 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો તૈનાત

0
220
  • રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા
  • રાજ્યમાં NDRFની 15 ટીમો તૈનાત કરી દેવાઇ
  • 14-15 ઓગસ્ટે કેટલાંક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ (Gujarat Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેને પગલે પગલે રાજ્યમાં NDRFની 15 ટીમો તૈનાત કરી દેવાઇ છે.

ચારે બાજુ સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ પણ આપ્યું છે. એમાંય ખાસ કરીને 14-15 ઓગસ્ટે રાજ્યમાં કેટલાંક સ્થળોએ અતિ ભારે વરસાદ (Gujarat Heavy Rain) વરસી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, આણંદમાં આભ ફાટ્યું

gujarat rain

રાજ્યભરમાં NDRFની ટીમને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. NDRFની ટીમ રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત રહેશે. જ્યારે એક ટીમ વડોદરા હેડ ક્વાર્ટરમાં હાજર રહેશે.
દ.ગુજરાત ઉપર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય સિસ્ટમ સર્જાતા રાજ્યમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. રાજ્યમાં NDRFની 15 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ અપર એર સાયકલોનિક સિસ્ટમ સર્જાઇ છે. જ્યારે ઉત્તર ભારત પર રહેલા ચોમાસાની ધરી આગામી બે દિવસમાં સરકીને મધ્ય ભારત ઉપર સક્રિય થશે. જેને કારણે આગામી 25 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે. હાલમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથમાં NDRF ટીમ તૈનાત કરાઇ છે. બીજી બાજુ અમરેલી, ભાવનગર, લખતર, સુરત, વલસાડ અને નવસારીમાં પણ NDRF ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે અન્ય એક ટીમ વડોદરા હેડ ક્વાર્ટરમાં તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ સુરત અવરજવર કરતી એસટી અને ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ