Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આરોગ્ય કર્મચારીઓની રસીકરણ પહેલા અચોક્કસ મુદ્દતની હડતાળ

આરોગ્ય કર્મચારીઓની રસીકરણ પહેલા અચોક્કસ મુદ્દતની હડતાળ

0
150
  • રસી લેશે નહીં કે આપશે પણ નહીં તેવું સંઘ દ્વારા એલાન

  • આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાથેની વાટાઘાટો પડી ભાંગી

  • કોરોના રસી, બર્ડ ફલૂના સમયે જ આરોગ્ય વિભાગની હડતાલથી સરકાર હરકતમાં

ગાંધીનગર: પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ આવતીકાલ તા.12મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કર્યું છે. આજે રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સાથેની બેઠકમાં પ્રશ્નોના ઉકેલ નહીં આવતાં આ એલાન ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

એક તરફ કોરોના મહામારી સામે ચાલતી લડતને સફળ બનાવવા માટે આગામી તા.16મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે અને બર્ડ ફલૂની બિમારીએ દેખા દીધી છે તેવા સમયે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલના એલાનથી સરકાર હરકતમાં આવી ગઇ છે. મોડીરાત સુધીમાં સંઘ સાથે બેઠક યોજીને હડતાલને ડામવામાં આવે કે પછી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ આંદોલનના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત પાસે રણ-દરિયો-જંગલ-વન્યજીવ-પહાડો અને ઋતુઓનું વૈવિધ્ય છે: CM રુપાણી

ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વજુભા જાડેજા તથા મુખ્ય કન્વીનર સુરેશ ગામીત દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, રાજય સરકારને તા. 20/12/2018 અને તા.15/12/2020ના આવેદનપત્રના પગલે તા. 27/2/2019 અને 25/12/2019 એમ બે હડતાલના સમાધાનપત્રો થયા હોવા છતાં કોઇ જ નિરાકરણ નહીં આવતાં 1/1/21ની આંદોલનની લેખિત નોટિસ આપી હતી. જેના પગલે આજે તા. 11/1/21ના રોજ રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સાથે બેઠક યોજાઇ હતી. પરંતુ તેમના તરફથી સાનુકૂળ પ્રતિભાવ મળ્યું નથી કે સફળ પરિણામ મળશે તેવા પ્રકારની કોઇ પ્રતિતિ થઇ નથી. જેથી ના છૂટકે સરકાર સામે મહાસંઘે આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડી છે. જેથી આર યા પારના સંકલ્પ અનુસાર ઉગ્ર લડત અંગેના કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે. તેનું રાજયના તમામ આરોગ્ય કર્મચારીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, તા.12મીથી અચોક્કસ મુદતની હડતાલ પર જઇશું. આ હડતાલ દરમિયાન સત્યાગ્રહ છાવણી, સેક્ટર/6, ગાંધીનગર ખાતે સવારે 11થી 4 વાગ્યા દરમિયાન કોવિડ/19ની ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં પ્રતિક ઉપવાસ તથા ધરણાં અંગેનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ જ કોવિડ 19 અંતર્ગત આંદોલન સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9