Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્ય આરોગ્ય તંત્રના તબીબી/ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના કર્મચારીની સેવાઓ લંબાવાઈ

રાજ્ય આરોગ્ય તંત્રના તબીબી/ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના કર્મચારીની સેવાઓ લંબાવાઈ

0
36

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યના આરોગ્ય તંત્રમાં ઉપલબ્ધ માનવબળ એવા આરોગ્ય કર્મચારીઓની સેવાઓ સતત મળતી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજયના આરોગ્ય તંત્રના તબીબી, ટેકનીકલ તથા નોન ટેકનીકલ સહિતના તમામ અધિકારી- કર્મચારીઓ જે 30 એપ્રિલથી 30 જૂન દરમિયાન નિવૃત્ત થવાના છે, તેમની સેવાઓ 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

કોરોનાના કારણે સર્જાયેલી આરોગ્યલક્ષી સેવાઓની કટોકટીને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારની કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર હાલ રાજ્યના આરોગ્ય તંત્રના તબીબી/ ટેકનીકલ/ નોન ટેકનીકલ સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જે ૩૦ એપ્રિલ, ર૦ર૧થી ૩૦ જૂન, ર૦ર૧ દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે કે થવાના છે તેમની સેવાઓ તા. ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લંબાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 14,605 નવા પોઝિટિવ કેસ

આ ઉપરાંત જે અધિકારી-કર્મચારીઓના તા. ૩૦ એપ્રિલ, ર૦ર૧ના નિવૃત્ત થવાના હુકમો થઈ ગયા છે. તે પણ રદ ગણીને તેમની સેવાઓ પણ 31 જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવા સેવારત આરોગ્યઅધિકારી-કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે.

પોલીસ મહાનિર્દેશક વિનોદ મલ્લ નિવૃત્ત થયા
રાજયના પોલીસ મહાનિર્દેશક (સુધારણાં) IPS વિનોદુકમાર મલ્લ આજે તા.30મી એપ્રિલના રોજ વયનિવૃત્ત થયા છે. 1986 બેંચના અધિકારીની વય નિવૃત્તિ બાદ ખાલી પડેલી પોલીસ મહાનિર્દેશક (સુધારણાં)ની જગ્યાને અધિક પોલીસ મહાનિર્દેશક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરીને આ જગ્યાનો વધારાનો હવાલો અધિક પોલીસ મહાનિર્દેશક (તપાસ) IPS આર.બી. બ્રહ્મભટ્ટને તેઓની હાલની ફરજો ઉપરાંત અન્ય હુક્મો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat