Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું 70 લાખ અમદાવાદ-ગાંધીનગરના રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે સરકાર?

શું 70 લાખ અમદાવાદ-ગાંધીનગરના રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે સરકાર?

0
6607

મુજાહિદ તુંવર, અમદાવાદ: હાલમાં કોરોના વાયરસથી દુનિયા ભયભીત છે. કોરોના પર વિજય મેળવવા માટે પાછલા ઘણા બધા દિવસોથી ચીન અથાગ મહેનત કરી રહ્યું છે. જોકે, ધાર્યું પરિણામ મળી રહ્યું નથી. 5 જાન્યુઆરીએ ચીનમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં કોરોના હજારો(1350 સરકારી આંકડો- ગેરસરકારી આંકડો વધું હોવાનું માનવામાં આવી રહ્યું છે) લોકોને ભરખી ગયો છે. ચીનની સ્થિતિ બદથી બદતર બની ગઇ છે. કોરાના વાયરસથી હુવેઈમાં એક જ દિવસમાં 246 લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરના દેશો યાત્રાળુંઓને લઈને સાવધાની રાખી રહ્યાં છે. અન્ય દેશમાંથી આવતી સામાન્ય જનતાને થર્મલ સ્કેનર દ્વારા અને દવા છાંટીને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત વિશ્વભરના દેશો અનેક સાવચેતીઓ રાખીને પોતાના નાગરિકોની રક્ષા કરી રહ્યાં છે.

આ સાવચેતી તે માટે રાખવામાં આવી રહી છે કારણ કે, એકપણ ઈન્ફેક્ટેડ વ્યક્તિ દેશમાં પ્રવેશ્યો તો સમજો મહામારીને રોકતા-રોકતા આંખે પાણી આવી જાય. જેવી રીતે હાલમાં ચીનને આવી ગયા છે. કોરાનાથી બચવા માટે કેટલાક દેશોના પ્રવાસીઓને પ્રવેશવા દેવામાં આવતા નથી. તેવામાં ગાંધીનગરમાં 130 દેશોમાંથી બે હજારથી પણ વધારે લોકો એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના છે. પાંચ દિવસનો આ કાર્યક્રમ 17થી 22 ફેબ્રુઆરી વચ્ચે યોજાઇ રહ્યો છે.

ભારત અને ગુજરાત સરકાર દ્વારા ધ થર્ટીન સેસન ઓફ ધ કોન્ફ્રન્સ ઓફ ધ પાર્ટીઝ ટૂ ધ કન્વેન્શન ઓન ધ કોન્ઝરવેશન ઓફ માઈગ્રેટ્રી સ્પિસિસ ઓફ વાઈલ્ડ એનિમલ્સ(સીએમએસ કોપ 13-2020) નામનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ કેટલાક જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના સ્થળાતંરણ અને તેમના સંરક્ષણને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના કારણે હાલથી અમદાવાદ અને ગાંધીનગરની મોટાભાગની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટલોનું બુકિંગ પેક થઈ ગયું છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો મહારાષ્ટ્ર(PIB)ના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ કાર્યક્રમ ભારત સરકારનું પર્યાવરણ વન પરિવર્તન મંત્રાલય, ગુજરાત વનવિભાગ અને યુનાઈટેડ નેશનના પર્યાવરણ કાર્યક્રમના સંયુક્ત સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં આવનારા મોટાભાગના મહેમાનો એટલે કે, 80 ટકા લોકો એશિયાઈ રિજનથી કનેક્ટિંગ ફ્લાઈટ લઈને આવશે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ એશિયામાં ખુબ જ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે.

આ કાર્યક્રમ થકી સરકાર એક સારૂ કામ કરવા જઈ રહી છે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. જોકે, હાલમાં કોરોનાના કહેર વચ્ચે 130 દેશોમાંથી આવી રહેલા મહેમાનોને થર્મલ (Thermal Scanner) સ્કેનિંગમાં થઈને દેશમાં પ્રવેશ આપવામાં આવશે કે નહીં તેની માહિતી સરકારે આપવી જોઈએ. VVIP અને VIP લોકોની પણ સ્કેનિંગ કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે? કોરાનાના વાયરસ દેશમાં પ્રવેશે નહીં તે માટે સરકારની કેવી તૈયારીઓ છે તે એક યક્ષ પ્રશ્ન છે. જો એકપણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ દેશમાં એન્ટ્રી કરી લે છે તો તેની જવાબદારી ગુજરાત સરકાર લેશે, ગુજરાત વનવિભાગ લેશે, કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્રીય મંત્રાલય લેશે કે પછી પરિસ્થિતિઓનું અવલોકન કર્યા વગર ઈવેન્ટ થકી વિશ્વગુરૂ બનવા નિકળેલા અધિકારીઓ અને રાજનેતાઓ લેશે?

આ આર્ટિકલ થકી અમે ડર ફેલાવવા માંગતા નથી કે, સરકારની કામગીરી પર આંગળી ઉઠાવી રહ્યાં નથી. અમે માત્ર રાજ્યની તેમાંય અમદાવાદ અને ગાંધીનગરની જનતાની સુરક્ષાની ખરાઇ કરી રહ્યાં છીએ. કારણ કે, ચીનમાં માત્ર એક વ્યક્તિમાં પ્રવેશેલા કોરોના વાયરસ અત્યાર સુધી એક હજારથી પણ વધારે લોકોને ભરખી ગયો છે. ચીને પોતાના નાગરિકોને બચાવવા માટે દસ દિવસમાં એક હજાર બેડવાળી હોસ્પિટલ બાંધી દીધી અને અધતન ટેકનોલોજી થકી પોતાની બધી જ શક્તિ કોરોનાને રોકવા માટે લગાવી દીધી છે, તે છતાં પણ જોઈએ તેવી સફળતા મેળવી શક્યું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા એક હજારથી ઘણી વધારે છે પરંતુ ચીન પોતાની ઈકોનોમીને ઝાટકો ના લાગે તે માટે સાચો આંકડો બતાવી રહ્યું નથી.

સેટેલાઈટ તસવીરોને લઈને કેટલાક સમાચાર પ્રકાશિત થયા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાથી મરેલા લોકોના મૃતદેહોને સળગાવવાના કારણે ચીનના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસમાં વધારો થયો છે. કોરાનાને લઈને ચીની કંપની ટેનસેનના ડેટા લીકની વાત કરીએ તો તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં કોરોનાના કારણે 24 હજાર લોકોના મોત થયા છે. કોરોના વિશે ડરામણા સમાચાર સામે આવી રહ્યાં છે. એક સરકારી આંકડા અનુસાર, ચીનમાં 50 હજારથી વધારે લોકોને ચેપ લાગી ચૂક્યો છે. અધતન ટેકનોલોજી હોવા છતાં કોરાના સામે ચીન નિ:સહાય અને લાચાર બની ગયો છે. તેવામાં ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને નજર અંદાજ કરવો ખતરનાક બની શકે છે. એક વાત તે પણ ભૂલવી જોઈએ નહીં કે, ટેકનોલોજીની બાબતમાં ચીન ભારતથી ઘણો આગળ હોવા છતાં કોરોના સામે ઘૂંટણીએ આવી ગયો છે.

કોરાનાના કારણે વિશ્વભરમાં અફરા-તફરી મચેલી છે. ચીનમાંથી કોરોના વાયરસ સિંગાપુર પહોંચ્યો જ્યાં 50 લોકો ઈન્ફેક્ટેડ થઈ ગયા. એક બેંકમાં એક કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી બહાર આવી તો આખી બેંક ખાલી કરાવવી પડી અને તેમને સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા. સિંગાપુરમાં રગબીની ટૂર્નામેન્ટ થવાની હતી પરંતુ તે ટૂર્નામેન્ટને રદ્દ કરી દેવામાં આવી અને તેની સાથે અન્ય 6 ટૂર્નામેન્ટ પણ રદ્દ કરી દેવામાં આવી છે. પોતાના નાગરિકોની સુરક્ષા માટે સિંગાપુરે એક નહીં પરંતુ સાત ટૂર્નામેન્ટ રદ્દ કરી દીધી. દુનિયાનું ટૂરિઝમ હાલમાં ઠપ્પ થઈ ગયું છે.

સ્પેનમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થવાનું હતું. આ કાર્યક્રમમાં એક લાખ લોકો આવવાના હતા. જોકે, કોરોનાના ડરના કારણે તે કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો. આંધ્ર પ્રદેશના ચીતુરમાં એક બાલકૃષ્ણ અય્યા બિમાર હતા, તેમને લાગ્યું કે તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેમને લાગ્યું કે, આ વાયરસની સારવાર અશક્ય છે અને તેનાથી બચવું હવે અઘરૂ છે. તેમને લાગ્યું કે, તેમનું પરિવાર પણ આ વાયરસની ચપેટમાં આવી જશે. તેઓ કોરોનાથી એટલા બધા ડરી ગયા કે, અંતે તેમને આત્મહત્યા કરી લીધી. બાલકૃષ્ણને માત્ર શરદી થઈ હતી પરંતુ કોરોનાનો ડર એટલો બધો હતો કે, તેમને આત્મહત્યા કરી લીધી. મહત્વપૂર્ણ પ્રશ્ન આત્મહત્યા કેમ કરી? જવાબ છે કોરોના વાયરસથી પોતાના પરિવારને બચાવવા માટે? આવી પરિસ્થિતિમાં 130 દેશોમાંથી લોકો ગુજરાત માટે ગંભીર રીતે ખતરા સમાન બની શકે છે.

પ્રતિદિવસે કોરાના વાયરસથી મરનારાઓની સંખ્યાના આંકડાઓ સમાચાર પત્રોમાં ચમકે છે. આવી ખતરનાક પરિસ્થિતિ વચ્ચે સરકારે સીએમએસ કોપ 13(2020)નું આયોજન કર્યું છે તે કેટલું યોગ્ય છે? તે ખુબ જ મોટો પ્રશ્ન છે. યુકેથી પ્રકાશિત થતા ડેઈલી મેલમાં છપાયેલા એક લેખમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના નિષ્ણાતોએ જણાવ્યું છે કે, જો કોરોના વાયરસનો વ્યક્તિને ચેપ લાગે તો 14 દિવસથી લઈને 24 દિવસ સુધીમાં લક્ષણ જોવા મળે છે. જોકે 1થી 14 દિવસ સુધી વ્યક્તિના શરીરમાં વાયરસ છે કે, નહીં તે જાણી શકાતું નથી. મોટાભાગે 14 દિવસ સુધી ગમે તે પ્રકારની તપાસ કરવામાં આવે છતાંય તેને પકડી શકાતો નથી.

ધ લેનસેટ પ્રમાણે “કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રવેશ કરી લે છે. આ એક જાતનો ચેપી રોગ છે.” આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં માત્ર 15 સેકેન્ડમાં પહોંચી જાય છે. તેથી દુનિયાભરના દેશો પોતાના નાગરિકોને કોરોનાની મહામારીથી બચાવવા માટે પોતાનાથી બનતા બધા જ પગલાઓ ભરી રહ્યાં છે. દુનિયાભરના દેશો દ્વારા આયાત-નિકાસ અને યાત્રાને મોટા ભાગે ઠપ કરી દેવામાં આવી છે. જોકે, ગુજરાત સરકાર એક એવા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં 130 દેશોના લોકો આવશે. ભગવાનને પ્રાથના કરો કે અન્ય દેશમાંથી આવનારાઓમાં એકપણ વ્યક્તિ કોરોના વાયરસગ્રસ્ત ના હોય. કારણ કે, 14 દિવસ સુધી તો તે ડિટેક્ટ થતું જ નથી.

સંવેદનશીલ સરકાર પશુ-પક્ષીઓ અને પર્યાવરણ માટે જે કરી રહી છે, તે ખુબ જ સારી બાબત છે. પરંતુ  ગુજરાત અને દેશના નાગરિકોના જીવ ખુબ જ મૂલ્યવાન છે.

અનામત મામલે નીતિન પટેલે હાથ ખંખેર્યા, કહ્યું- સીએમ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે