ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર ગુરૂવારે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે, જેની માટે્ 788 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા આ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.
પ્રથમ તબક્કામાં ભાજપ-કોંગ્રેસ અને AAP
ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. 70 મહિલા ઉમેદવાર અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 89 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ 88, બસપાએ 57 અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)એ 6 ઉમેદવાર ઉતાર્યા છે. આ સિવાય સમાજવાદી પાર્ટી એક બેઠક પર અપક્ષ ઉમેદવારનું સમર્થન કરી રહી છે તો બીટીપીએ પણ પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.
19 જિલ્લાની 89 બેઠક પર મતદાન
પ્રથમ તબક્કામાં ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની બેઠક છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની 35 બેઠક તો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠક છે. રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠક પર એક ડિસેમ્બરે મતદાન થશે.
2017માં શું હતી સ્થિતિ?
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન થયુ હતુ. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જ ભાજપ પર કોંગ્રેસ ભારે પડી હતી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યુ હતુ. પ્રથમ તબક્કાની જે 89 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે, 2017ના ચૂંટણી પરિણામને જોઇએ તો ભાજપે 48 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 39 બેઠક મળી હતી. બીટીપીને 2 અને એનસીપીને 1 બેઠક મળી હતી. આ રીતે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ માટે પોત પોતાની બેઠક બચાવી રાખવાનો પડકાર છે જ્યારે આમ આદમી પાર્ટી માટે ગુમાવવા માટે કઇ નથી.
ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો
ગુજરાત ચૂંટણીના રાજકીય સમીકરણ બદલાઇ રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છની કેટલીક બેઠક પર સીધો મુકાબલો છે તો કેટલીક બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પાટીદાર સમાજ મહત્વનો છે. કોઇ પણ ઉમેદવારની જીત અને હારનો નિર્ણય તેમના વોટર્સના હાથમાં હોય છે. આ સિવાય ઓબીસી વર્ગની સંખ્યા પણ વધારે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને અહી લીડ મળી હતી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બેરોજગારી- મોંઘવારી મુદ્દો, ભાજપ પર ગુસ્સો અને નારાજગી છતા પણ મોદીને જ આપશે મત
ભાજપ પક્ષપલટુઓના સહારે
2017ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જીતેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. વિસાવદરથી હર્ષદ રિબડિયા, ધ્રાંગધ્રાથી પરસોત્તમ સાબરિયા, જસદણથી કુંવરજી બાવળિયા, જામનગરથી વલ્લભ ધારવિયા, માણાવદરથી જવાહર ચાવડા, તલાલાથી ભગવાન બારડ, ધારીથી જેવી કાકડિયા અને ગઢડાથી પ્રવીણ મારૂ સામેલ છે.
પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ મતદાર
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠક પર મતદાન માટે 25393 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટે કુલ મતદાર 2,39,56, 817 છે, જેમાં 1,24, 22, 518 પુરૂષ અને 1,15,33,797 મહિલાઓ છે. આ સિવાય 503 મતદાર થર્ડ જેન્ડર પણ છે. આ મતદાર ગુરૂવારે 788 ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે.