ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા જ માતા હીરાબાને તેમના ઘરે મળવા માટે પહોચ્યા હતા. આ દરમિયાન તેમણે સાથે ચા પીધી હતી અને આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી રાણીપમાં મતદાન કરશે.
કમલમમાં મહત્વની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાતની મુલાકાતે છે. માતા હીરાબાના રાયસણ ખાતે આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી કમલમ પહોચશે. જ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સહિતના નેતાઓ સાથે મહત્વની બેઠક કરશે.
પીએમ મોદી સોમવારે કરશે મતદાન
પીએમ મોદી સવારે 8.30 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવતા રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાનને લઇને તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.