Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવે બઢતી અથવા ઉચ્ચપગાર ધોરણનો લાભ લેવો હશે તો ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવાની રહેશે

હવે બઢતી અથવા ઉચ્ચપગાર ધોરણનો લાભ લેવો હશે તો ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવાની રહેશે

0
83
  • 1970ના ઠરાવનો અમલ શિક્ષણ વિભાગના 1 સપ્ટેમ્બર, 2020ના રોજ કરાયો

  • શિક્ષણ વિભાગમાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી બોર્ડ દ્વારા દરખાસ્ત કરવામાં આવી

ગાંધીનગર: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પૈકી માતૃભાષા ગુજરાતી ન હોય તેવા કર્મચારીઓએ હવે બઢતી અથવા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેવો હશે તો ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવાની રહેશે. શિક્ષણ વિભાગમાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી બોર્ડ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી જોગવાઈનો અમલ કરવા માટે આદેશ કર્યો છે.

અગાઉની જોગવાઈ મુજબ કર્મચારીએ માત્ર હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની રહેતી હતી. જોકે, હવે આ જોગવાઈમાં માતૃભાષા ગુજરાતી ન હોય તેવા કર્મચારીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપવી પડશે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના જે કર્મચારી કે અધિકારીઓની માતૃભાષા ગુજરાતી ન હોય તેવા કર્મચારીઓ કે અધિકારીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવા અંગેની જોગવાઈ સરકાર દ્વારા 1970ના ઠરાવથી કરી હતી. જ્યારે શિક્ષણ વિભાગના 1 સપ્ટેમ્બર, 2020ના ઠરાવથી રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ બઢતી તથા ઉચ્ચ પગારધોરણ યોજના માટે રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા તેમજ કમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા પાસ કરવા અંગેની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની માતૃભાષા હિન્દી હોય તેવા કર્મચારીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

આમ, શિક્ષણ વિભાગમાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 22 જાન્યુઆરી, 2021ના પત્રથી આ અંગે દરખાસ્ત કરી હતી. જે બાબત સરકારની વિચારણામાં હતી. સરકારે આ મુદ્દે તમામ પાસાઓની છણાવટ કરી રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓની માતૃભાષા ગુજરાતી ન હોય તેવા તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ બઢતી અથવા ઉચ્ચતર પગારધોરણ યોજના માટે રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવાની રહેશે.

આ સિવાય શિક્ષણ વિભાગની 1 સપ્ટેમ્બર, 2020ની અન્ય જોગવાઈઓને યથાવત રાખવામાં આવી છે. આમ, હવે ગુજરાતની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જેમની માતૃભાષા ગુજરાતી નહી હોય તેવા શિક્ષકોએ બઢતી તેમજ ઉચ્ચતર પગારધોરણ માટે ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડી દેવામાં આવ્યો હોવાથી તેનો અમલ શરૂ કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat