Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચુંટણી માટે ડીજીપી દ્વારા શું વ્યવસ્થા ગોઠવવામાં આવી, જાણો..

ચુંટણી માટે ડીજીપી દ્વારા શું વ્યવસ્થા ગોઠવવામાં આવી, જાણો..

0
71
  • તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

  • નિયમ પ્રમાણે 48 કલાક પહેલાં પ્રચાર કાર્ય સંપન્ન થયુ

  • હવે ખાટલા, ગ્રુપ મીટીંગ તથા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય હાથ ધરાશે

ગાંધીનગર: ગુજરાતની છ મહાનગરપાલિકાના પરિણામો તા.23મીના રોજ જાહેર કરવામાં આવ્યા છે. બીજા તબક્કાની ચૂંટણી 28મી ફ્રેબુઆરીના રોજ યોજાશે. જેમાં રાજયની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તથા 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ ચુંટણીના આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે ખાટલા પરિષદો, ગ્રુપ મીટીંગ તથા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવશે. ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટી માત્રામાં બેઠકો કબ્જે કરી હોવાથી ભાજપના કાર્યકરો સહિત નેતાઓમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળ્યો હતો. તેની સામે કોંગ્રેસને ધોબીપછડાટ મળ્યો હોવાથી આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં નિરુત્સાહનું મોઝું ફરી વળ્યું હતું.

રાજયની નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીનું 2393 મતદાન મથકો પરથી મતદાન થશે. આ ચુંટણીને લઇને રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ચુંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો ના થાય તે હેતુથી નગરપાલિકા તથા પંચાયત વિસ્તારોમાંથી આશરે 1,28,683 જેટલાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 26 હજાર જેટલાં અસામાજિક તત્વોની સામે પાસા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. આ સિવાયો રાજયમાં અલગ અલગ કલમો હેઠળ 33,704 જેટલાં ઇસમો વિરુધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જાહેરનામા બાદથી આજસુધીમાં કુલ 22,891 વોરંટની બજવણી પણ કરવામાં આવી છે.

30 કરોડથી વધુની માલમત્તા કબ્જે લેવાઇ

તેમણે વધુમાં કહ્યું કે, ચુંટણીઓ સંદર્ભે 33,902 જેટલાં હથિયારો જમા લેવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં 48,472 જેટલાં હથિયારો જમા લેવામાં આવ્યા છે. જયારે ગુજરાતની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરાનગર હવેલી સાથે સંકળાયેલી આંતરરાજય સરહદ પર કુલ 97 આંતરરાજય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત 437 જેટલા આંતરિક ચેકપોસ્ટ ઊભી કરાઇ છે. આ ચૂંટણીના જાહેરનામા બાદ અત્યારસુધી ચેકપોસ્ટ સહિત પોલીસના ચેકીગમાં દેશી દારુ, વિદેશી દારુ ઉપરાંત રોકડ રકમ તથા વાહન અને અન્ય મુદ્દામાલ મળીને કુલે 30.33 કરોડની માલમત્તા કબ્જે કરી છે. જેમાં દેશી દારુ 19.90 લાખ, વિદેશી દારુ 10.44 કરોડ મળીને કુલ 10.63 કરોડનો દારુનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત 2 કરોડની રોકડ રકમ તથા 15.57 કરોડના વાહનો તથા 2.11 કરોડની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાશે

ડીજીપી આશીષ ભાટીયાએ વધુમાં કહ્યું હતું કે,ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હેતુથી તમામ 23,932 મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જે મતદાન મથકો સંવેદનશીલ છે ત્યાં વિશેષ તકેદારી રાખવા વધુ પોલીસ ફોર્સ રાખવામાં આવશે. આવા તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા મુલાકાત લઇને તેની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. જયાં ચુંટણીઓ છે તે તમામ એકમોમાં હાજર પોલીસ મહેકમમાંથી 80 ટકા મહેકમ ચુંટણીના દિવસે ચુંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે. એટલે કે 26 હજાર કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ અને 2800 જેટલાં અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં આ એકમો પાસે 31 જેટલી એસઆરપીની કંપનીઓ ઉપલબ્ધ છે. તેનો પણ ચુંટણી પ્રક્રિયામાં ઉપયોગ થશે. આ ઉપરાંત બહારના 13 ડીવાયએસપી. 30 પોલીસ ઇન્સ્પેકટર, 34 પી.એસ.આઇ. ઉપરાંત 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અ 64 જેટલી એસ.આર.પી. કંપની મળીને કુલ 54,500 હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોને પણ ચુંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. તેમ જ કેન્દ્ર સરકાર તરફથઈ આ ચુંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામીલીટરીની કંપનીઓ પણ આપવામાં આવી છે. તેનો પણ બંદોબસ્તમાં ઉપયોગ કરાશે. આમ સરવાળે રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 64 એસઆરપી કંપની, 12 સીએપીએફની કંપની, આશરે 44,500 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ અને 54,500 જેટલાં હોમગાર્ડ / જીઆરડી જવાનો ચુંટણી ફરજ પર રહેશે. એટલે કે સરેરાશ 1 લાખ જેટલાં જવાનો ચૂંટણીમાં ખડેપગે ફરજ બજાવશે. એટલું જ નહીં પરંતુ મતદાનના દિવસે પોલીસ દ્રારા સતત પેટ્રોલીંગ પણ ચાલુ રહેશે. જેમાં ખાસ કરીને મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવે તે માટે પુરતા અધિકારીઓ, પોલીસ વાહન અને સ્ટ્રાઇકીંગ ફોર્સ સાથે પેટ્રોલીંગમાં રહેશે. જેમાં કુલ 2411 સેકટર પોલીસ મોબાઇલ તથા કુલ 490 કવીક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરાશે. જયારે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે એસઆર.પીએફ તૈનાત કરાશે.

ડ્રાઇવ દરમિયાન 1989 આરોપીઓ ઝડપાયાં

ચુંટણીઓમાં કોઇ ગેરકાયદેસર કુત્ય ન થાય તે હેતુથી 10મી જાન્યુઆરીથી આજદિન સુધીમાં નાસતા- ફરતાં આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં અત્યારસુધીમાં 1989 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમાં આણંદ જિલ્લામાં ખૂન સાથે ધાડ જેવા ગંભીર ગુનામાં છેલ્લાં 26 વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશનો આરોપી ગોરસીંહ હીરકા પારઘીને ઝડપી લેવાયો છે. તે જ રીતે જામનગર જિલ્લા દ્રારા છેલ્લાં 10 વર્ષથી ખૂનના ગુનામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડયો છે. તો સુરત શહેર પોલીસ દ્રારા છેલ્લાં 20 વર્ષથી ખૂનના ગુનાનો વોન્ટેડ આરોપી મૂળેશ્વર રામજીયાવન વર્મા અને એનએસના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપી કાલિયા પિતામ્બર પ્રધાનને પકડી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા દ્રારા 35 વર્ષથી વોન્ટેડ એક આરોપી અને એક 14 વર્ષથી ફરાર આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લા દ્રારા 25 વર્ષથી તથા એટીએસ દ્રારા 15 વર્ષથી ભાગેડુ એવો ઓઇલ ચોરીનો નામચીન આરોપી સંદીપ ઉર્ફે સેન્ડી વિજેન્દ્રુકુમાર ગુપ્તાને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat