Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોઇ કરોડપતિ નહીં પણ નેત્રહીન ભિખારીએ જમાડ્યાં 2500 ભૂદેવોને, વાહ રે, રણછોડરાય તારી લીલા!

કોઇ કરોડપતિ નહીં પણ નેત્રહીન ભિખારીએ જમાડ્યાં 2500 ભૂદેવોને, વાહ રે, રણછોડરાય તારી લીલા!

0
1372

ખેડાઃ ડાકોરમાં રણછોડજીનાં મંદિરમાં છેલ્લાં 45 વર્ષથી ભીખ માંગીને પોતાનું અને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવનારા એક ભિખારીએ દાનવીરનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડાકોરનાં એક ભિખારીએ 2500 જેટલાં બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. એક ભિખારી દ્વારા જ્યારે આવું કોઇ પ્રશંસનીય કાર્ય કરવામાં આવે ત્યારે આ કર્મને જોઈને સૌ લોકો અચંબિત પામી ગયા હતાં. એમાં પણ વિશેષ વાત તો એ છે કે આ ભિખારી નેત્રહીન છે. એટલે કે (આંખો વગર) છે.

આ નેત્રહીન ભિખારીનું નામ ભગવાનદાસ શંકરલાલ જોશી છે. તેઓ સવારનાં વહેલા ચાર વાગ્યાની મંગળા આરતીની સાથે જ ડાકોર મંદીરનાં દરવાજાએ પહોંચી જાય છે. ત્યાં જઇને તે દરરોજ સવારમાં સવારમાં અલગ-અલગ પ્રકારનાં ભજનો ગાય છે. આ મંદીરનાં દરવાજાએ બેસીને જ તેઓ ભીખ માંગે છે. ભગવાનદાસ અહીંનાં ગોપાલપુરાનાં એક મકાનમાં ભાડે રહે છે. તેઓએ ડાકોરનાં બ્રાહ્મણોને સાર્વજનિક રુપે આમંત્રિત કર્યા હતાં.

જીવનનાં છેલ્લાં પડાવ પર લગભગ પહોંચી ગયેલા ભગવાનદાસે જણાવ્યું કે, ‘હું છેલ્લાં 45 વર્ષથી ડાકોરમાં જ રહું છું. રણછોડજીનાં મંદીરમાં ભીખ માંગીને મેં જે ભેગું કર્યું છે તેમનું તર્પણ તો મારે તેમને જ કરવું પડશે. સાથે તમને જણાવી દઉં કે મે ડાકોરનાં બ્રાહ્મણોનાં ત્યાં વિવિધ પ્રસંગોમાં ઘણી વાર ભોજન કર્યું છે. મે આખી જીંદગી જે લોકોનું ખાધું તેમને મારે ક્યારેક તો ખવડાવવું જોઈએ. મે ભીક્ષા માંગીને જે કંઈ પણ એકત્ર કર્યું છે તે સમાજનું જ છે. જેથી મારે આવતા જન્મ માટે પરોપકાર કરવો જોઈએ.’

આ વિચાર મનમાં આવતા જ મે ડાકોરનાં ટાવર ચોકમાં બ્રાહ્મણોને આમંત્રિત કરતું એક સાર્વજનિક સૂચના બોર્ડ લગાવી દીધું હતું. મે અહીંયાનાં પથિક આશ્રમની આંબાવાડીમાં ડાકોરનાં બ્રાહ્મણોને દાળ, ભાત, શાક અને લાડુનું જમણ કરાવ્યું. આ બ્રહ્મ ચોર્યાસીમાં ત્રિવેદી, મેવાડા, તપોધન, શ્રીગોણ, તેમજ ખોડાવાડ જેવા ચોર્યાસી જાતિનાં બ્રાહ્મણોનાં બ્રાહ્મણ ભોજન માટે આવે છે એટલા માટે આને બ્રહ્મચોર્યાસી કહેવામાં આવે છે. આજે મને એ વાતનો સંતોષ છે કે મે અહીંયાં આશરે 2500 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું.

આમ તો ભગવાનદાસ બનાસકાંઠાનાં ભાખરી ગામનાં મૂળ વતની છે. તેઓ ચાર ભાઇ છે. પરંતુ તેઓ બાળપણથી જ નેત્રહીન હોવાંને કારણે તેઓને સંસારમાંથી મોહ ઉઠી ગયો હતો. પરંતુ તેઓ સંજોગવસાહત ડાકોર આવી ગયા અને ડાકોર મંદિરનાં દ્વાર પર તેઓ ભજન ગાવા લાગ્યાં. તેઓને અહીં 45 વર્ષ થઇ ગયાં. તેઓ કોઇ પણ વ્યક્તિને તેનાં અવાજથી જ ઓળખી લે છે. તેઓ જે વ્યક્તિને એક વાર મળે છે પછી તેનો બીજી વાર અવાજ સાંભળતા જ તે તેને સામેથી નામથી જ બોલાવે છે.

સરકારની કબૂલાત: રાજયમાં 1.80 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા