Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ, 6 મહિના પછી રાજ્યમાં શું છે સ્થિતિ?

ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ, 6 મહિના પછી રાજ્યમાં શું છે સ્થિતિ?

0
81
  • જીવલેણ કોરોના સામે જંગ લડતા-લડતા ગુજરાતને 6 મહિના પૂરા

  • સરકારના આક્રામક પગલા છતાં કોરોના બેકાબુ

  • ગુજરાત માટે મોટી રાહત, કોરોનાનો રિકવરી રેટ વધ્યો

ગાંધીનગર: ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસે (Corona Virus) હાહાકાર મચાવ્યો છે. જીવલેણ કોરોના સામેની જંગ લડતા ગુજરાતને આજે 6 મહિનાનો સમય પૂરો થયો છે, ત્યારે હજુ પણ રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં જોઈએ તેટલો સુધારો નથી જોવા મળી રહ્યો.

ગુજરાતમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ 18 માર્ચના રોજ રાજકોટ અને સુરતમાં સામે આવ્યો હતો. આ બન્ને શહેરોમાં એક જ દિવસે કોરોનાના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે 18-માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી.

ગુજરાત સરકારે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે શક્ય એટલા તમામ પગલા લીધા હતા. રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો પણ કડક અમલ કરાવવામાં આવ્યું હતું. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈનનો પણ ચુસ્ત અમલ કરાવવામાં આવ્યો હતો.

જો કે લાંબા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદ કથળી રહેલા અર્થતંત્રને ફરીથી પાટા ઉપર લાવવા માટે સરકાર તરફથી અનલૉકનું એલાન કરવામાં આવ્યું હતું. આ અનલૉકની પ્રકિયા શરૂ થવાની સાથે જ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યું હતું.

આ અનલૉકની પ્રક્રિયા દરમિયાન જીવલેણ કોરોના વાઈરસે રાજ્યને અજગરી ભરડામાં લીધુ છે એમ કહી શકાય. અનલૉક શરૂ થવાની સાથે જ શહેરી વિસ્તારો સુધી જ સિમિત રહેલો કોરોના વાઈરસે ગ્રામ્ય વિસ્તારોને ભરડામાં લેવાનું શરૂ કર્યું. આજે સ્થિતિ એટલી હદે વણસી છે કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દરરોજ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે.

જો ગુજરાતમાં 6 મહિનાના કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો, રાજ્યમાં 18 માર્ચે પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,19,088 પર પહોંચી ચૂકી છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કારણે પ્રથમ મરણ એપ્રિલ મહિનામાં નોંધાયું હતું. જ્યારે આજે 6 મહિના બાદ રાજ્યમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 3223 પર પહોંચી ચૂકી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો! NICના કૉમ્પ્યુટર્સ પર સાયબર એટેક

શરૂઆતના સમયમાં દેશના સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે આવતું હતું. જ્યારે હાલ ગુજરાત 21માં નંબરે આવે છે. આ ઉપરાંત રાહતની વાત એ છે કે, અત્યાર સુધી રાજ્યના કુલ સંક્રમિતોમાંથી 1 લાખ જેટલા દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ વધીને 83 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાના પ્રારંભિક કાળમાં ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર બની ગયું હતું. જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રતિદિન સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાતા હતા. હાલ રાજકોટ અને સુરત જેવા શહેર કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી રહ્યાં છે. આ 6 મહિના દરમિયાન સામાન્ય નાગરિકથી માંડીને નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યોથી લઈને કોરોના વૉરિયર્સ પણ કોરોનાનો ભોગ બન્યાં છે.

મહામારીના 6 મહિના દરમિયાન રાજ્ય સરકારના અભિગમમાં પણ યુ-ટર્ન જોવા મળ્યો હતો. અગાઉ કોરોના સંક્રમિતોની ઓળખ માટે ટેસ્ટિંગ વધારવા માટે સહમત ના થનાર ગુજરાત સરકાર હવે ખુદ કોરોના ટેસ્ટિંગ વધારવા લાગી છે. હાલ રાજ્યમાં 10 લાખની વસ્તી દીઠ 1317 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 85,620 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.

જો દેશની વાત કરીએ તો, ભારતમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ જાન્યુઆરીમાં કેરળથી સામે આવ્યો હતો. જે બાદ ધીમે-ધીમે આ જીવલેણ વાઈરસે સમગ્ર દેશને પોતાના તાબામાં લઈ લીધો છે. હાલ દેશના મોટાભાગના તમામ રાજ્યોમાં પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા રહે છે.

ભારતમાં અત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 52,14,677 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસ દેશમાં 84,372 લોકોને ભરખી ચૂક્યો છે. જો કે રાહતની વાત છે કે, દેશમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ કરતાં ચાર ગણી વધારે છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે લેવાયેલા પગલા પૂરતા ના હોય તેવું લાગી રહ્યું છે. આજ કારણે છેલ્લા 6 મહિનાથી કોરોના વાઈરસ કાબૂમાં નથી આવ્યો. હવે રાજ્ય સરકાર આગામી સમયમાં કેવા પગલા લે? તે જોવું રહ્યું.