Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રીના માનીતા 12 અધિકારીઓ 69થી 79 વર્ષના હોવા છતાં નિમણૂંકો કરાઇ હોવાનો આક્ષેપ

મુખ્યમંત્રીના માનીતા 12 અધિકારીઓ 69થી 79 વર્ષના હોવા છતાં નિમણૂંકો કરાઇ હોવાનો આક્ષેપ

0
189
  • સરકારનું પક્ષપાતી વલણ સામે વિપક્ષી નેતાનો આક્રોશ

  • નિયમોનું ઉલ્લંઘન કરીને સરકાર દ્વારા કરાતી નિમણૂંકો

  • મારા અંગત સચિવની ઝડપી નિયુકિત કરો નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશ : પરેશ ધાનાણી

ગાંધીનગર: રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવતું હોવાનો આક્ષેપ કરતો પત્ર વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવની જગ્યા ઉપર એચ. જે. પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર હતા અને ગત 31 જાન્યુઆરી 2020 ના રોજ નિવૃત્ત થયા હતા. તેમની નિમણૂંક વિપક્ષ નેતાના અંગત સચિવ તરીકે કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તે જગ્યા મંજૂર કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂકની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં પરેશ ધાનાણીએ આક્રોશ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિભાગોમાં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓની નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતા ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે એટલું જ નહીં આ નિમણૂકોમાં 7 જુલાઇ 2016 ના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો છે. આ તબક્કે પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવી છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કે. કૈલાસનાથનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત: સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે

આ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી.એન. નવલાવાલા, જે. પી. મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોર અને વિજય બધેકાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકારથી માંડીને મુખ્યમંત્રીના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટમાં સેવાઓ આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીના કાર્યાલયથી માંડીને અલગ અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક જ ઝડપી કરવામાં આવતી હોય તો, મારા કાર્ય માટે નિમણૂંકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે તેવો પ્રશ્ન કર્યો છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી આપી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9