Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન મીટીંગ યોજાશે

વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન મીટીંગ યોજાશે

0
10
  • વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાઇબ્રન્ટ સમિટ- 2022નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને મુખ્યમંત્રી નિમંત્રણ આપશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુરુવારના રોજ નવી દિલ્હીમાં સવારે 9 થી સાંજે 7 દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ- 2022 સંદર્ભે બેઠકો યોજશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે.

મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ- 2022 વિષયક પ્રસ્તુતિ કરશે.

આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી તા. 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.

વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ રોડ શો યોજાવાના છે. જેના ભાગરૂપે પ્રથમ રોડ શો આવતીકાલે દિલ્હીમાં થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat