Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેટાચૂંટણી : ગુજરાતની 4 બેઠકો પર શંકરસિંહએ પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા

પેટાચૂંટણી : ગુજરાતની 4 બેઠકો પર શંકરસિંહએ પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા

0
157

અમદાવાદ : રાજ્યમાં ટૂંક સમયમાં જ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે એવામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધાં છે. ઉપરાંત પોતપોતાની રીતે બંને પક્ષો પ્રચાર કરવામાં એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. એવામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ 8માંથી ચાર બેઠકો પર પોતાના પ્રજાશક્તિ મોરચા સમર્થિત અપક્ષ ઉમેદવારો ઊભા કર્યાં છે. અબડાસા, મોરબી, ડાંગ અને કપરાડા બેઠક પરથી શંકરસિંહ વાઘેલાએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. હાલમાં વાઘેલા આ ચારેય ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પણ કરી રહ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા જણાવ્યું કે, ‘શંકરસિંહ વાઘેલા પેટાચૂંટણીમાં ભાજપના બૂથ એજન્ટની માફક કામ કરી રહ્યાં છે. તેઓએ ભાજપની B ટીમની જેમ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. ગુજરાતમાં તેઓ દારૂબંધી દૂર કરીને તેઓ ગુજરાતના યુવાનોને નશાખોરી અને દારૂના રવાડે ચડાવવા માંગે છે કે શું? આ એજન્ડામાં તેઓ ભાજપના છૂપા આશીર્વાદ છે કે શું તે મારે તેમને પૂછવું છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા બેઠક પર શંકરસિંહ વાઘેલાએ કેશુભાઇ પટેલની જૂની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનાં ચૂંટણી પ્રતીક બેટ સાથે હનીફ પડ્યારને ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયો ઉપરાંત પાટીદારો, દલિતો તેમજ મુસ્લિમ મતો ખૂબ મોટી સંખ્યામાં છે. જ્યારે મોરબી બેઠક પર સતવારા સમાજના વસંત પરમારને ઊભા રાખ્યા છે કે જેઓ ટ્રેક્ટર ચલાવતા ખેડૂતના નિશાન સાથે ચૂંટણી લડે છે. આ સિવાય ડાંગ બેઠક પર મનુભાઇ ભોયેને શેરડી અને ખેડૂતના નિશાનથી ઊભા રાખ્યા છે. જ્યારે કપરાડા બેઠક પર ભાજપના અસંતુષ્ટ અને ભાજપ વતી લડીને 2012માં વિધાનસભા હારેલા પ્રકાશ પટેલને ટીકીટ આપી છે.