Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પેટાચૂંટણી: કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ,ભાજપને વકરો એટલો નફો

પેટાચૂંટણી: કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ,ભાજપને વકરો એટલો નફો

0
492

શાહબાઝ શેખ,અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષપલ્ટુ ઉમેદવારોને ટિકિટ પણ આપી છે. તેની સામે કોંગ્રેસ માટે આઠેય બેઠક પર જીત મેળવવી તે તેની આબરુ બચાવવા જેવી વાત છે. તેનું કારણ એ છે કે આ આઠેય બેઠકો કોંગ્રેસના પ્રભુત્વવાળી છે અને તેના પરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં ગયા હતા. તેમાંથી પાંચને ભાજપે ટિકિટ પણ આપી છે, જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાનસભ્યોની સંખ્યા વધારી શકે. આમ ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે તો કોંગ્રેસ માટે આબરુ જાળવવાનો પડકાર છે.

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે. રાજ્યસભામાં ચૂંટણીનાં કારણે કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં, જેને કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે. 8 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એક તરફ કોંગ્રેસે તમામ બેઠકો પર વિજય મેળવવાનો દાવો કર્યો છે તો બીજી બાજુ ભાજપ પણ આઠ બેઠક પર જીતનો દાવો કરી રહ્યો છે.

આ પણ વાંચો: BREAKING : લીંબડી બેઠક પર રાજકારણ ગરમ, પેટાચૂંટણીમાં 100થી વધુ શિક્ષિત બેરોજગારોએ ફોર્મ ભર્યા

પેટાચૂંટણી અંગે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પ્રદેશ ભાજપની ચૂંટણીલક્ષી બેઠક શરૂ થઇ ગઇ છે. CM રૂપાણી, Dy. CM નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ મહામંત્રી ભીખુ દલસાણિયા વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. આઠમાંથી પાંચ બેઠકો ભાજપે ગુમાવવી પડે તેવા ખાનગી સરવેના કારણે ભાજપ ચિંતિત થઈ ઉઠ્યો છે. તેના પગલે ભાજપે ચાર-ચાર બેઠકો પર શક્તિ પરીક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

લીંબડી બેઠક પર રાજકારણ ગરમાયું

આઠ બેઠકોમાંથી રાજ્યની સાત બેઠકો પરના ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધાં છે. જ્યારે કોંગ્રેસે તો હજી એક પણ બેઠકના ઉમેદવાર જાહેર નથી કર્યાં. ત્યારે લિંબડી બેઠકને લઇને રાજકારણ ગરમાયું છે. લીંબડી પેટાચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ઉમેદવારી પત્રો ભરાયાં છે. દિનેશ બાંભણિયાની આગેવાનીમાં 100થી વધુ શિક્ષિત બેરોજગારોએ ફોર્મ ભર્યાં છે.

ભાજપના ઉમેદવારોની યાદી

વિધાનસભા બેઠક

ઉમેદવારના નામ

અબડાસા પદ્યુમનસીંહ જાડેજા
મોરબી બ્રિજેશકુમાર મેરઝા
ધારી જે.વી. કાકડિયા
ગઢડા આત્મારામ પરમાર
કરજણ અક્ષય પટેલ
ડાંગ વિજય પટેલ
કપરાડા જીતુભાઇ ચૌધરી

કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી

વિધાનસભા બેઠક

ઉમેદવારોના નામ

અબડાસા શાંતિલાલ સંઘાણી
કરજણ  જગદીશ પટેલ
લીંબડી જયરામ મેણિયા
મોરબી  જયંતિલાલ પટેલ
ગઢડા મોહનભાઈ સોલંકી
કપરાડા હરીશભાઈ પટેલ
ડાંગ ચંદરભાઈ ગામિત
ધારી સુરેશ કોટડીયા