- છેલ્લા 40 વર્ષમાં ભાજપ માત્ર 3 વખત અબડાસાની બેઠક કબજે કરી શક્યો
- અત્યાર સુધી કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં ગયેલા તમામ નેતા હાર્યા
- ભાજપના પ્રદ્યુમન સિંહ જાડેજા સામે કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી વચ્ચે જંગ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 3 નવેમ્બરે કચ્છની અબડાસા (Abdasa seat)સહિત 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. લઘુમતી વર્ચસ્વવાળી આ બેઠક પર મોટા ભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો. છેલ્લા 40 વર્ષમાં 7 વખત કોંગ્રેસે અને માત્ર 3 વખત ભાજપે બેઠક કબજે કરી. અત્યાર સુધી કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં ગયેલા તમામ નેતા હાર્યા છે.
આ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે શાંતિલાલ સેંધાણીને મેદાનમાં ઉતાર્યા છે. અબડાસા બેઠક (Abdasa seat) પર ભાજપ-કોંગ્રેસ સહિત 10 ઉમેદવાર મેદાનમાં છે.
અબડાસા બેઠક પર 10 ઉમેદવાર મેદાનમાં
અબડાસા બેઠક (Abdasa seat)પરથી ભાજપના પ્રદ્યુમન સિંહ જાડેજા, કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી, બહુજન મુક્તિ પાર્ટીના આકુબ આચારભાઇ મુતવા, ભારતીય જન પરિષદના રામજી આશાભાઇ મહેશ્વરી, બહુજન મહાપાર્ટીના ભીમજી ભીખાભાઇ મેંઘવાળે તેમજ 5 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે.
આ બેઠક પર અપક્ષ તરીકે એક મહિલા ઉમેદવાર ભગવતીબેન ખેતસિંહભાઇ બ્રહ્મક્ષત્રિય પણ ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ By Election:ગુજરાતની પેટા ચૂંટણી કરતા બિહારની ચૂંટણીમાં કેમ વધુ રસ?
અબડાસામાં વિધાનસભાની 10 વર્ષમાં ચોથી વખત ચૂંટણી
અબડાસામાં 2012માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છબીલ પટેલ જીત્યા હતા. બીજી તરફ ભાજપે જયંતી ભાનુશાળીને ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના છબીલ પટેલ સામે તે હારી ગયા હતા.
છબીલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા બે વર્ષમાં જ અબડાસા (Abdasa seat)મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા છબીલ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો.
વિધાનસભાની ટર્મ પૂર્ણ થતા 2017માં સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ફરી છબીલ પટેલને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં છબીલ પટેલે ફરી હારનો સામનો કરવો પડ્યો હતો અને પ્રદ્યુમન સિંહ જાડેજા જીત્યા હતા.
પ્રદ્યુમન સિંહ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. અબડાસા બેઠક પરથી ભાજપે પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે શાંતિલાલ સેંધાણીને મેદાનમાં ઉતાર્યા છે.
અબડાસામાં જીતેલા 3 કોંગી ઉમેદવાર ભાજપમાં જોડાયા
અબડાસા બેઠક (Abdasa seat)પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી અત્યાર સુધી 3 કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. સૌથી પહેલા નીમાબેન આચાર્ય અબડાસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેઓ પોતાની ટર્મ પુરી કર્યા પછી લાંબા સમય બાદ ભાજપમાં જોડાયા હતા.
પછી છબીલ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયા પછી પોતાની ટર્મ પુરી કરે તે પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તે પછી પ્રદ્યુમન સિંહ જાડેજા પણ પોતાની ટર્મ પુરી કરે તે પહેલા જ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ BREAKING : મોરબી-ગઢડા બેઠકના કોંગી ઉમેદવારોની ચૂંટણીપંચને ફરિયાદ
Abdasa seat કોંગ્રેસનો ગઢ
અબડાસા બેઠક કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. આ બેઠક પર સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવારોએ જ જીત મેળવી છે. અબડાસા બેઠકની કુલ વસ્તી- 2,34,500 જેટલી છે. આ બેઠક પર 45 ટકા લઘુમતી મતદારો છે.
જાતિ વસતી
- મુસ્લિમો 65,944,
- દલિત- 33,425,
- ક્ષત્રિય- 31832,
- પટેલ- 31844,
- રબારી- 12659,
- કોળી- 7993,
- ભાનુશાળી- 7854,
- બ્રાહ્મણ- 7885,
- લોહાણા- 3990,
- ગોસ્વામી- 3878,
- આહીર- 3979,
- ગઢવી- 3432,
- રાજપૂત- 2932,
- જૈન- 2160,
- શીખ- 1702,
- સોની- 1715,
- આદિવાસી- 1259
2017માં કોંગ્રેસના પ્રદ્યુમન સિંહ જાડેજા વિજયી
2017ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી કોંગ્રેસના પ્રદ્યુમન સિંહ જાડેજાનો વિજય થયો હતો. પ્રદ્યુમન સિંહ જાડેજાને 73,312 મત મળ્યા હતા જ્યારે ભાજપના છબીલ પટેલને 63,566 મત મળ્યા હતા. પ્રદ્યુમન સિંહ જાડેજા આ બેઠક પર 9,746 મતથી વિજયી બન્યા હતા.
કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણી કોણ છે ?
ડૉ.શાંતિલાલ સેંઘાણી કચ્છ કડવા પાટીદાર સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં સેવા આપવાની સાથે તબીબી વ્યવસાયની સાથે કોંગ્રેસ પક્ષમાં જિલ્લાના ઉપપ્રમુખ પદ પર સેવા આપી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી લડવાની માંગ સાથે મહિલાની HCમાં અરજી
અબડાસામાં ધારાસભ્ય કોણ કોણ રહ્યા છે
- વર્ષ ઉમેદવાર પક્ષ
- 1980- ખારાશંકર વિઠ્ઠલદાસ જોશી કોંગ્રેસ
- 1985- કનુભા મધુભા જાડેજા કોંગ્રેસ
- 1990- તારાચંદ છેડા ભાજપ
- 1995- ડૉ. નીમાબેન આચાર્ય કોંગ્રેસ
- 1998- ઇબ્રાહિમ મંધારા કોંગ્રેસ
- 2002- નરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
- 2007- જયંતી ભાનુશાળી ભાજપ
- 2012- છબીલ પટેલ કોંગ્રેસ (2014માં ભાજપમાં જોડાયા)
- 2014- શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ
- 2017- પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસ (રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા)