Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણી : શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં 71 ઉમેદવારી પત્રો ભરાયા

ગુજરાત પેટાચૂંટણી : શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં 71 ઉમેદવારી પત્રો ભરાયા

0
65
  • ગુજરાતની 8 બેઠકો માટે 135 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
  • ગઇ કાલે ચૂંટણી કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં પડાપડી
  • લીંબડી બેઠકમાં ફોર્મ ભરવામાં પડાપડી થઇ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે કુલ 135 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં છે. તેમાંય ગઇ કાલે શુક્રવારે એક જ દિવસમાં 71 ઉમેદવારોએ નામાંકન કર્યું હતું. તેમાંથી 20 ઉમેદવારીપત્રો તો લીંબડી બેઠકમાં ફોર્મ ભરાયાં હતા. આમ, ચૂંટણીનો માહોલ ચૂંટણી કચેરીઓમાં ઊભો થવા લાગ્યો છે. જો કે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 19મી ઓક્ટોબરે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યાર બાદ કેટલાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

નવાઇની વાત તો એ છે કે, શુક્રવારે એક જ દિવસમાં 71 ફોર્મ ભરાયા હતાં. પરંતુ કપરાડામાં ગઇ કાલે છેલ્લાં દિવસે એક પણ ફોર્મ ભરાયા નહીં હોવાનું ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ ગઇ કાલે ફોર્મ ભરનારા ઉમેદવારીઓની જારી કરેલી યાદીમાં નહીં હોવાથી સ્પષ્ટ થયું છે.

ગુજરાત વિધાનસભાની અબડાસા, લીંબડી, મોરબી, કપરાડા, કરજણ, ગઢડા, ધારી તથા ડાંગની 3જી નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં 9મી ઓક્ટોબરથી ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા હતાં. ગઇ કાલે તા. 16મી ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. આ સમયગાળા દરમિયાન કુલ 135 ઉમેદવારી પત્રો ભરાયાં છે. તેમાંથી માત્ર ફોર્મ ભરવાની છેલ્લી તારીખનાં દિવસે જ 71 ફોર્મ ભરાયાં હતાં.

એટલે કે 9મીથી 15મી ઓક્ટોબર સુધીમાં તમામ બેઠકો પર કુલ 64 ઉમેદવારી પત્રો ભરાયા હતાં. એટલે કે ગઇ કાલે ચૂંટણી કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં પડાપડી થઇ હતી. આ ફોર્મ ભરવામાં ભાજપ, કોંગ્રેસ જ નહીં બલ્કે બીજી ભારતીય ટ્રાયબલ પાર્ટી, બહુજન મહા પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ તેમજ અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી ફોર્મ ચકાસણીમાં કેટલાંય ફોર્મ રદ થઇ જશે અથવા તો પછી ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ઘણાં ઉમેદવારો દૂર થઇ જશે.

જાણો માત્ર શુક્રવારનાં રોજ કઇ બેઠક પર કેટલાં ફોર્મ ભરાયાં?

બેઠકનું નામ ઉમેદવારીપત્રોની સંખ્યા
અબડાસા 14
લીંબડી 20
મોરબી 10
ધારી 5
ગઢડા 5
કરજણ 13
ડાંગ 4
કપરાડા 0