Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાયોના નામે મત માંગતી ભાજપ સરકારના ગૌશાળા/પાંજરાપોળને સહાય ચુકવવામાં ઠાગાઠૈયા

ગાયોના નામે મત માંગતી ભાજપ સરકારના ગૌશાળા/પાંજરાપોળને સહાય ચુકવવામાં ઠાગાઠૈયા

0
50
  • છેલ્લાં બે વર્ષમાં 313 સિંહોના મોત થયા તે ચિંતાનો વિષય : વિરોધ પક્ષ

  • ખોરાકના અભાવે જંગલમાંથી સિંહો બહાર નીકળવા મજબૂર બન્યાં

ગાંધીનગર: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે એટલે શુક્રવારે વિધાનસભા ગુહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સિંહોના મુત્યુ અંગેના પ્રશ્નમાં પેટા પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે, ગીરના સિંહો એ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. ત્યારે રાજયમાં છેલ્લાં બે વર્ષમાં 313 સિંહોના મોત થયા છે. જે ચિંતાનો વિષય છે. રાજયમાં સિંહોની સારવાર, ખોરાક અને અન્ય કારણોસર કુદરતી કે અકુદરતી રીતે મુત્યુ પામ્યાં છે. વર્ષોથી જંગલમાં રહેતાં માલધારીઓ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. જંગલમાં સિંહોને પુરતો ખોરાક મળતો નથી. જેના કારણે જંગલના રાજા જંગલ છોડીને ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળવા મજબૂર બન્યાં છે.

વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકાર દ્વારા ગુજરાતના ગૌરવ સમાન 24 જેટલાં સિંહોને પારકાં રાજયમાં પાંજરે પુરી દીધા છે તેનો સરકારે જવાબ આપવો જોઇએ.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે, ચુંટણી સમયે હિન્દુત્વ અને ગાયોના નામે મત માંગતી ભાજપ સરકાર રાજયમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાય ચુકવવામાં ઠાંગાઠૈયા કરે છે. આજે પ્રશ્નોત્તરમાં બહાર આવેલી વિગતો મુજબ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ 182 રજીસ્ટરર્ડ પાંજરા પોળો તથા ગૌશાળાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે. રાજયમાં હજારો સંસ્થાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે, ત્યારે આ સહાય ન ચુકવાતાં પાંજરાપોળો અને ગૈશાળાઓમાં રહેતી ગાયો ભૂખથી મરી જાય છે એ ભાજપ સરકારને દેખાતું નથી.

વિરોધ પક્ષના સવાલનો જવાબ આપતાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ માટે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2015માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે 523 સિંહ હતા. જ્યારે વર્ષ 2020માં પુનઃઅવલોકન થયું તેમાં 674 સિંહ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે, સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શક્ય બન્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લાની ત્રણ RTOમાં મંજુર કરાયેલા મહેકમની સામે કુલ 46 ટકા જગ્યા ખાલી

આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકિંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને 293 વન્ય પ્રાણી મિત્રો, 160 હેકર્સ કાર્યરત કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્ત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે, તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સિંગ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat