Gujarat Exclusive > ગુજરાત > ભાજપ (BJP) યુવા મોરચામાં ફેરફારની ચર્ચાઓ અનેક, શક્યતાઓ શૂન્ય

ભાજપ (BJP) યુવા મોરચામાં ફેરફારની ચર્ચાઓ અનેક, શક્યતાઓ શૂન્ય

0
198
  • BJPમાં પાટિલ અને Congressમાં હાર્દિકની વરણી બાદ અટકળો
  • ઋત્વિજ પટેલને હટાવાય તેવી અટકળો હાલના તબક્કે પાયાવિહોણી
  • ભાજપમાં હાલના તબક્કે યુવા પટેલ નેતાનો અભાવ 

આરિફ આલમ, અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખપદે સી આર પાટીલની નીમણૂક અને કોંગ્રેસે પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ની પ્રદેશ પ્રમુખ તરીકે કરેલી વરણી બાદથી ભાજપ સંગઠન ખાસ કરીને યુવા મોરચા ( Gujarat BJP Youth Front News)માં પણ ફેરફારની અટકળો થવા માંડી છે. પરંતુ હાલના તબક્કે ચર્ચાઓ અનેક છે છતાં શક્યતાઓ શૂન્ય જણાઇ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગર બેઠક પર જંગી બહુમતીથી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ઋત્વિજ પટેલ (Rutvij Patel News) અત્યારે યુવા ભાજપના પ્રમુખ છે. જેમને બદલવાની અટકળોથી મીડિયા અને રાજકારણમાં ચર્ચાઓ ચરમસિમાએ પહોંચી છે. ત્યારે ઘણા મુદ્દાઓ છે, જે ચર્ચાને હાલ પુરતી પાયાવિહોણી હોવાની દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પશે ઠાકોરનો ત્રિપલ ફ્રન્ટિયર હુમલાઓથી વ્યથિત હતો અને ભાજપ વિરુદ્ધ પાટીદાર સમાજનો બળવો તેની ચરમસિમાએ હતો. ત્યારે તેમનો સામનો કરવા માટે ભાજપે ઋત્વિજને આગળ ધર્યા હતા. તાજેતરમાં જીતુ વાઘાણીના સ્થાને તેમને ભાજપ પ્રમુખ બનાવવાની પ્રબળ શક્યતા દેખાતી હતી. પરંતુ તેમના સ્થાને બિન પાટીદાર નેતા સી આર પાટીલની વરણી થઇ ગઇ.

આ પણ વાંચોઃ ગુજરાત પ્રથમ રાજ્ય, જ્યાં અન્ય કરતા કોરોના કેસ ઓછાં: CM રૂપાણી

ગુજરાત ભાજપમાં યુવા પટેલ નેતા માત્ર એક જ

ભાજપમાં અત્યારે યુવા પટેલ નેતા માત્ર એક જ અને એ પણ ઋત્વિજ પટેલ છે. તેમને યુવા મોરચામાંથી હટાવવામાં આવે તો માથે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે. તેવા સંજોગોમાં જો ઋત્વિજને હટાવવામાં આવે તો સવાલ એ થાય છે કે તેમના સ્થાને પટેલ નેતા કોણ બનશે? જે કોંગ્રેસના ટ્રુપકાર્ડ હાર્દિક પટેલનો સામનો કરી શકે.

પહેલેથી જ ભાજપ પ્રમુખપદે દક્ષિણ ગુજરાતના બિન પટેલ નેતા સી આર પાટીલની નીમણૂક થઇ ગઇ. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સૌરાષ્ટ્રના છે. તેઓ પણ પાટીદાર નથી. હાં ઉત્તર ગુજરાતથી પટેલ નેતા નીતિન ભાઇ મોટા હોદ્દા પર છે. તેઓ પટેલ ખરા પણ યુવા નેતા નથી. તેથી યુવા મોરચામાંથી ઋત્વિજ પટેલને હટાવાય તો તેમની જગ્યા ખાલી રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અનલોક-3ની તૈયારી શરૂ, CM રૂપાણીની આજે મહત્વની બેઠક

ફેરફારની ત્રણ શક્યતા પર એક નજર

1. ફેરફાર નહીં થાયઃ કોંગ્રેસે પટેલ નેતા હાર્દિકને સુકાની બનાવ્યા હોવાથી ઋત્વિજ પટેલને ભાજપ યુવા મોરચામાંથી ખસેડવાની શક્યતા દેખાતી નથી. તેમને કોર્પોરેશન અને સ્થાનિક ચૂંટણીઓ સુધી જાળવી રખાશે તેવી શક્યતા છે. કારણ કે જો ચૂંટણી પહેલાં યુવા મોરચામાં ફેરફાર કરાય તો ઋત્વિજ પટેલને પ્રમોશન આપવું પડે અને તેમના સ્થાને ચૂંટણીમાં હાર્દિક સામે ભાજપને એક નવા અને તે પણ પટેલ નેતા શોધવા પડે. જેની શક્યતા દેખાતી નથી.

2. ઋત્વિજને મુખ્ય સંગઠનમાં લઇ જવાયઃ બીજી શક્યતા એ છે કે ઋત્વિજ પટેલને પ્રમોટ કરી મુખ્ય સંગઠનમાં લઇ જવાય. પરંતુ તેના માટે સવાલ એ છે કે તેમને મુખ્ય સંગઠનમાં લઇ જવાય તો ભાજપમાં એવી કઇ જગ્યા કે જવાબદારી છે, જે ઋત્વિજને સોંપી શકાય. કારણ કે ત્યાં પ્રમુખ સી આર પાટીલની છત્રછાયામાં કામ કરવું પડે તો ઋત્વિજની ઓળખ દબાઇ જશે. એવા સંજોગોમાં ચૂંટણી જંગ હાર્દિક વિરુદ્ધ પાટીલનો બની જશે. તેથી ભાજપ નેતગીરી અત્યારે આવું પગલું ભરે તેની શક્યતા પણ દેખાતી નથી.

3. ઋત્વિજને કેન્દ્રમાં લઇ જવાની શક્યતાઃ માની લઇએ કે ફેરફાર કરી ઋત્વિજને કેન્દ્રીય સંગઠનમાં લઇ જવાય. જ્યાં કેન્દ્ર અને યુવા મોરચે અત્યારે પાટીદાર નેતા નથી. ઋત્વિજ પટેલ કેન્દ્રમાંથી હાર્દિક પટેલ સામે ચૂંટણી મેનેજ કરી શકશે, તે સવાલ છે. તેથી તેમને કેન્દ્રીય સંગઠનમાં હાલ લઇ જવું મુશ્કેલ દેખાય છે.