Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આને ધાક કહેશો કે શિસ્ત: ગુજરાતની આખી સરકાર બદલાઈ છતાં કોઈએ માથું પણ ન ઉચકયું!

આને ધાક કહેશો કે શિસ્ત: ગુજરાતની આખી સરકાર બદલાઈ છતાં કોઈએ માથું પણ ન ઉચકયું!

0
197

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ભારત દેશની રાજનીતિના ઇતિહાસમાં સૌથી મોટી અને પ્રથમ ઘટના ગુજરાતમાં બની છે, ભાજપે મુખ્યમંત્રી સહીત આખે આખું મંત્રી મંડળ બદલી નાખી એ પ્રસ્થાપિત કર્યું છે કે ચહેરો ગમે તેટલો પ્રખ્યાત હોય કે નેતા ગમે એટલો પીઢ હોય પણ જો પરિણામ નહીં મળે તો પાણીચુ અપાશે.જો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે પછી સિનિયર મંત્રીઓ એમણે મને ક-મને પણ હસતા મોઢે હોદ્દાપરથી રાજીનામુ આપી દીધું હતું.ગુજરાતની આખે આખી સરકાર બદલાઈ પણ કોઈએ માથું ન ઉચકયું નથી એને મોદી-અમિત શાહની નેતાઓમાં ધાક કહેશો કે પછી ભાજપના કાર્યકરોની શિસ્ત????

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 5 વર્ષના શાસનની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે તો એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ એમની મુખ્યમંત્રી તરીકેની છેલ્લી ઉજવણી હશે.અત્યાર સુધીનો રાજકીય ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવી જ જશે કે કોઈ પણ નેતા સરકારમાં અથવા સંગઠનમાં સિનિયર થઈ જાય તો એવા નેતાને એકદમ તો પાણીચુ અપાતું ન્હોતું, પણ મોદી અને અમિત શાહે એમ કરી રાજનીતિમાં એક અલગ જ ઈતિહાસના રચી દીધો.કદાચ ભાજપે કરેલી પહેલથી જ પંજાબમાં પણ કોંગ્રેસે એ નિતી અખત્યાર કરી દીધી.ગુજરાત અને પંજાબની રાજકીય ઘટના પરથી હવે પછી કોઈ પણ નેતા એમ નહિ સમજે કે પોતાનો સિક્કો આજીવન ચાલ્યા જ કરશે.જો કે હજી ગુજરાત વિધાનસભા ચુંટણીને વાર છે, ચૂંટણી યોજાયા બાદ પરિણામ આવશે ત્યારે જ ભાજપે કરેલો આ અખતરો રંગ લાવે છે કે કેમ એ નક્કી થશે.

એક બાજુ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું તો બીજી બાજુ તમામ મંત્રીમંડળમા પણ નવા ચહેરાને લેવાના છે એવી ગંધ જ્યારે સરકારના સિનિયર મંત્રીઓને આવી ગઈ ત્યારે એક સમયે બગાવતના ધીમા સુર ઉભા થયા જ હતા.પણ મોવડી મંડળે ખુદ વિજય રૂપાણીને અસંતોસષ ડાનવાની જવાબદારી સોંપી ત્યારે ભાજપના જ અસંતુષ્ટ નેતાઓ પણ શાનમાં સમજી ગયા કે મુખ્યમંત્રીનો હોદ્દો છોડનાર જો કઈ બોલી શકતો ન હોય તો આપણે પણ માથું ઊંચવાથી કોઈ ફાયદો જ નથી.કદાચ એમ પણ બનત કે અસંતુષ્ટો જો માથુ ઉચકત તો એવા નેતાને હાલ પૂરતો કોઈ હોદ્દો અથવા તો માન તાન આપી શાંત કરી દેવાય હોત.પણ એ જ અસંતોષ એમને આવનારી 2022 વિધાનસભા ચૂંટણીમાં ટિકટ લેવા માટે નડશે એમ વિચારી પણ કોઈએ માથું ઉચકયું નહિ હોય.

ગુજરાતના મંત્રી મંડળના શપથ ગ્રહણ થવાના હતા એ પેહલા મંત્રી મંડળમાં ભરૂચને સ્થાન ન મળતા આખા ગુજરાત માંથી ફક્ત અને ફક્ત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જ જાહેરમાં નારાજગી દર્શાવી હતી.એ તમામની વચ્ચે જો કે નવું મંત્રી મંડળ રચાયા બાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવી મનસુખ વસાવાની નારાજગી ઓછી કરવા પ્રદેશ ભાજપે પ્રયત્ન કર્યો હતો.પણ હવે જોવું એ રહ્યુ કે દુષ્યંત પટેલને વિધાનસભાના કાયમી અધ્યક્ષ બનાવાય છે કે પછી કાર્યકારી અધ્યક્ષની તલવાર એમની પર લટકતી રખાય છે.

હવે ગુજરાતના નવા મંત્રીઓની વરણીમાં સી.એમ નું ચાલ્યું કે સી.આર નું એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.પણ જ્યારે મંત્રી મંડળના શપથ ગ્રહણ થવાના હતા એ પેહલા મોટે ભાગના તમામ નવા મંત્રીઓ ગાંધીનગર કોબા ભાજપના કાર્યાલય કમલમમાં આવી પહોંચ્યા હતા, આવી ઘટના લગભગ કોઈ દિવસ બની જ નથી.એ જોતા એમ જરૂર કહી શકાય કે ગુજરાતની સરકાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બેક સીટ ડ્રાયવિંગ કરી ચલાવશે.અને પાછું અધૂરામાં પૂરું ગુજરાતનું મહત્વનું ગણાતું એવું ગૃહ ખાતું પોતાના માનીતા એવા હર્ષ સંઘવીને અપાવ્યું એ પરથી એવુ સાબિત થાય છે કે ગુજરાતના મંત્રીઓની પસંદગીમાં સી.એમ ભુપેન્દ્ર પટેલનો નહિ પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો જ હાથ ઉપર રહ્યો હોવો જોઈએ.

ગુજરાતનું આખે આખું મંત્રી મંડળ બદલી કાઢયુ જેથી 2022 વિધાનસભાની ચૂંટણી વેહલી યોજાશે એવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.એવી સંભાવનાઓ પાછળનું કારણ માત્ર એટલું જ કે પડતા મુકાયેલા નારાજ સિનિયર મંત્રીઓને વાતાવરણ બગાડવાનો બિલકુલ પણ સમય ન મળી શકે.પણ એ કેહવું અત્યારે મુશ્કેલ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે.હવે એમ માની લઈએ કે કદાચ 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે છે.તો એવા સમયે નવા મંત્રી મંડળમાં હાલ નવા વરાયેલા મંત્રીઓને રિપીટ કરાશે કે પછી પડતા મુકાયેલા સિનિયર મંત્રીઓને પણ સ્થાન અપાશે? પણ એમાં એકંદરે ફાયદો તો ભાજપને જ થવાનો છે, કારણ નવા વરાયેલા મંત્રીઓ અને કપાયેલા સિનિયર મંત્રીઓ પોતાનું સારું દેખાડવા અને મંત્રી પદુ મેળવવા ખાતર પણ ભાજપને જ જીતાડવા તન તોડ મહેનત કરવામાં લાગી જશે.

ગુજરાતની રાજકીય ઘટના બાદ પંજાબમાં પણ એવી જ ઘટના ઘટી, હવે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગજીએ પંજાબની ઘટના મુદ્દે કહ્યુ હતું કે અમ્રિન્દરને બદલી કોંગ્રેસે પોતાની સાડા ચાર વર્ષની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો છે.તો એ નિવેદન પરથી એક બાબત એ પણ સાબિત થાય કે વિજય રૂપાણીને બદલીને પણ ભાજપે 4 વર્ષની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો છે.ભાજપ નેતાના આ નિવેદન પરથી એમ કહીં શકાય કે ભાજપ કરે એ લીલા અને બીજા કરે એ ભવાઈ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat