ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડેની શ્રેણી રમવા જનારી ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા આજે મોડી સાંજે ડાબા સાથળના સ્નાયુની ઇજાને લીધે અનફિટ જાહેર થતા તેના સ્થાને પ્રિયાંક પંચાલની ટીમમાં એન્ટ્રી થઈ છે.
પ્રિયાંક પંચાલે હજુ થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રિકા એ સામે ભારત એ ટીમના કેપ્ટન તરીકે ટીમને લઇને પ્રવાસ ખેડયો હતો જેમાં પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે તેણે 171 બોલમાં 14 ચોગ્ગા સાથે 96 રન ફટકાર્યા હતા.
જોકે 31 વર્ષીય પ્રિયાંક પંચાલ ઘરઆંગણાના ક્રિકેટમાં 2003-2004 થી અંડર-15ની ગુજરાત ટીમથી છેક અત્યાર સુધી તમામ ફોર્મેટમાં ધરખમ રન ખડકી ચૂકયો છે. એક રણજી સિઝનમાં 1000 રન ફટકારનાર કે ત્રેવડી સદી ફટકારનાર તે ગુજરાતનો એક માત્ર ખેલાડી છે. પાર્થિવ પટેલના નેતૃત્વમાં ગુજરાત 2016-2017માં રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યો તે વર્ષે 10 મેચોમાં 1310 રન સાથે મોટુ યોગદાન હતું.
પ્રિયાંક પંચાલ તેના વિજય હઝારે, દુલીપ ટ્રોફીના શાનદાર ફોર્મ થકી ઇન્ડિયા બી ટીમ અને તે પછી ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન બન્યો છે. અમદાવાદમાં જન્મેલ પ્રિયાંક પંચાલ શહેરની જ હિરામણી સ્કુલમાં જ કિશોર વયે તૈયાર થયો હતો.
ઇંગ્લેન્ડ સામેની 2021ના પ્રારંભે રમાયેલી શ્રેણીમાં તે ભારતનો સ્ટેન્ડ બાય ક્રિકેટર હતો. લિસ્ટ એ ની પ્રથમ મેચ વિજય હઝારે ટ્રોફી 2008માં અને તે પછીની સિઝનમાં રણજી ટ્રોફી સાથે ફર્સ્ટ કલાસ ક્રિકેટનો પ્રારંભ કર્યો હતો. 100 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7011 રન 45.52 ની સરેરાશથી બનાવ્યા છે. જેમાં 24 સદી અને 24 અર્ધી સદીનો સમાવેશ થાય છે. 314* અણનમ તેનો ટોપ સ્કોર છે.