ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ તૈયારી ચૂંટણી પંચે પૂર્ણ કરી લીધી છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે ચૂંટણી પંચ જલ્દી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે ગત વખતની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની છે.
Advertisement
Advertisement
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની હજુ સુધી જાહેરાત થઇ નથી. જોકે, માનવામાં આવી રહ્યુ છે કે ડિસેમ્બરમાં જ ગુજરાતમાં પણ ચૂંટણી પૂર્ણ થઇ જશે.
PM મોદીના ગુજરાત પ્રવાસ પછી થઇ શકે છે ચૂંટણીની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી કામોની સમીક્ષા કરશે અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે અને જનસભાને સંબોધશે.
વડાપ્રધાનનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ 1 નવેમ્બરે પૂર્ણ થશે અને ચૂંટણી પંચ 1 નવેમ્બરે સાંજે અથવા 2 નવેમ્બરે બપોરે 12 વાગ્યા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ બોટાદઃ અઢી દાયકામાં પાંચ વખત જીતેલા સૌરભ પટેલ હવે અહીં આયાતી ઉમેદવાર ગણાય છે
ગુજરાતમાં બે તબક્કામાં યોજાઇ શકે છે ચૂંટણી
ગુજરાતમા બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક તેમજ બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત, વડોદરા સહિત મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ચૂંટણી યોજાઇ શકે છે. ચૂંટણીના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર થઇ શકે છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના અંતમાં 29 કે 30 તારીખે જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બરે યોજાઇ શકે છે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવી શકે છે.
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય જંગ
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. 14મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023માં સમાપ્ત થવાનો છે.
Advertisement