Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયની 22 નગરપાલિકાઓએ શું શું વ્યવસ્થા કરી છે ? જાણો..

રાજયની 22 નગરપાલિકાઓએ શું શું વ્યવસ્થા કરી છે ? જાણો..

0
65
  • હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીનો નગરપાલિકાના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો

  • કોરોનાને મ્હાત આપવા માટે નગરપાલિકાઓ દ્વારા લેવામાં આવેલા પગલાં

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે શહેર નહીં બલ્કે ગામડાંઓની સ્થિતિ અંગે કરેલી ટકોરના પગલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 162 નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી કોરોના કામગીરી અંગે સંવાદ યોજ્યો હતો. જેમાં નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી 22 નગરપતિઓએ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

સુરેન્દ્રનગર : કોવિડના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે સુરેન્દ્રનગર શહેરમાં 200 બેડની નવી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર : કોરોનાના દર્દી માટે હાલમાં 180 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ્યારે આગામી સમયમાં વધુ 70 બેડની નવી હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે.

આણંદ : કોરોના નિયંત્રણ માટે આણંદ શહેરમાં લોકોના સહયોગથી સ્વયંભૂ સાંજે 4 થી 6 લોકડાઉનનો નિર્ણય કરાયો છે. હાલમાં કુલ-600 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

વલસાડ : વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં 60 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ઓક્સિજનની વ્યવસ્થા, ICU બેડ પણ વધારવામાં આવશે. લોકોના સહયોગથી વલસાડ શહેરમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

મહેસાણા : મહેસાણા શહેરમાં અત્યાર સુધીમાં 30,000 નાગરિકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. દૈનિક 500થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી 30 એપ્રિલ સુધી સાંજે 6.00 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે પણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

વેરાવળ : વેક્સિનેશન અને ટેસ્ટિંગનું કાર્ય સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. લોકોને કોરોનાની પુરતી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વધુ 100 બેડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર છે.

પાલનપુર : લોકોને કોરોનાની ઝડપી સારવાર મળી રહે તે માટે સિવિલમાં 102 બેડ તેમજ ખાનગીમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સ અને મુસ્લિમ સમાજની સંસ્થાઓ દ્વારા વધુ કોવિડ બેડની વ્યવસ્થા ઉભી કરવા તૈયારી દર્શાવી છે.

દાહોદ : શહેરમાં કોરોના નિયંત્રણ માટે વોર્ડ મુજબ વેક્સિનેશન, આયુર્વેદ, ઉકાળા વિતરણ તેમજ કોવિડના દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર સાથે સહાયતા કેન્દ્ર શરૂ કરાયું છે.

બોટાદ : શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. શહેરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે.

ભૂજ : શહેરમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે બેડ સહિત જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ટેસ્ટિંગની માત્રામાં પણ વધારો કરવામાં આવશે.

હિંમતનગર : કોરોના નિયંત્રણ માટે શહેરમાં તા. 15 થી 30 એપ્રિલ સુધી તમામ શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. વેક્સિનેશનના 6 કેન્દ્રો શરૂ કરાયા છે. સિવિલમાં 377 જેટલા કોરોના બેડની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

નડિયાદ : શહેરમાં લોકો- વેપારીઓના સહયોગથી સાંજે 4 થી 6 દરમિયાન લોકડાઉન જાહેર કરાયું છે. મહત્તમ વેક્સિનેશન થાય તેનું અભિયાન પણ ચાલી રહ્યું છે.

નવસારી : સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરાયા છે તેમજ શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરાયું છે.

અમરેલી : શહેર એકંદરે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મેડિકલ સ્ટાફ સહિત તમામ લોકો સહકાર આપી રહ્યા છે.

મોરબી : કોરોનાની 100 બેડની હોસ્પિટલ કાર્યરત છે. માત્ર 48 કલાકમાં જ મોરબી માટે કોરોના ટેસ્ટિંગની લેબ ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રીનો નગરપતિએ આભાર માન્યો હતો.

ભરૂચ : શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પુરતા પ્રમાણમાં કોવિડના બેડ ઉપલબ્ધ છે. શહેરમાં બે ટેસ્ટિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. લોકોની સેવા માટે 6 ધન્વંતરી રથ સેવારત છે.

ડભોઇ : શહેરમાં કોવિડના ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં સ્વચ્છતા- સેનિટાઇઝેશનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ધોરાજી : હાલમાં કુલ 113 બેડની સુવિધા કોરોનાના દર્દી માટે ઉપલબ્ધ છે. શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

માણાવદર : 60 બેડની તેમજ તાલુકા પંચાયતની હોસ્પિટલમાં વધુ 100 બેડની સુવિધા ઉપલબ્ધ છે.

પાટણ : શહેરમાં હાલમાં કોરોના માટે 250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા શાકભાજી વેચનારા, ફેરિયાઓનું ખાસ વેક્સિનેશન કરાયું છે. રોજના 2500 જેટલા કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવે છે.

હાલોલ : જરૂરિયાત મુજબ કોવિડ સેન્ટર ઉપલબ્ધ છે જરૂર પડે તો વધારવામાં પણ આવશે. શહેરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહ્યા છે.

વ્યારા : શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તા. 15 થી 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જરૂર જણાશે તો કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વધારવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat