Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

0
399

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દાવો કર્યો છે કે ત્રીજી નવેમ્બરે રાજ્યમાં યોજાનારી આઠેય વિધાનસભાની બેઠક ભાજપ જીતશે અને આ વિજય પક્ષ માટે દીવાળીની ભેટ ધરીશું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના જ વિધાનસભ્યો તેમનાથી નારાજ હોવાના લીધે તેમનો પક્ષ છોડી રહ્યા છે. તેની સામે ભાજપ આ બેઠક ખાલી પડી ત્યારથી તેને જીતવા માટે તૈયારી કરી રહ્યુ છે.

તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ જે આઠેય બેઠકો જીતવાનો દાવો કરે છે તે બેઠકો બધી કોંગ્રેસની છે અને તેઓ કયા આધારે આ બેઠકો જીતવાનો દાવો કરે છે.આના જવાબમાં સી.આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો ઉત્સાહથી સજ્જ છે. તેની સામે સતત પરાજયના લીધે કોંગ્રેસમાં નિરાશા છે.

ભાજપના દાવા સામે કોંગ્રેસના હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે આ જે બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે તે બધી કોંગ્રેસની જ છે. કોંગ્રેસે તે જાળવવા માટે મહેનત કરવાની છે. તેની સામે ભાજપે તેમા વિજય મેળવવા વધારે પુરુષાર્થ કરશે. ભાજપની અણઘડ નીતિઓથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને તેનું પ્રતિબિંબ આ પેટાચૂંટણીમાં જોવા મળશે.

તેમનું કહેવું હતું કે ભાજપ પાસે નેતૃત્વ છે, અમારો અભિગમ ફક્ત ચૂંટણીલક્ષી ન રહેતા પ્રજાલક્ષી છે અને તેના લીધે જ અમે વારંવાર ચૂંટાઈ રહ્યા છીએ. અમારી પ્રજાલક્ષી કામગીરીના આધારે અમે આ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. તેની સામે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવાની બાજુએ રહી પોતાના વિધાનસભ્યોનો પણ અવાજ સાંભળતી નથી. ભાજપના વિકાસકાર્યોને પ્રજા જોઈ રહી છે અને કોંગ્રેસમાં પણ નેતૃત્વના મુદ્દે જે કમઠાણ મચ્યુ છે તે બધાની સામે છે.

પાટીલનું ધ્યાન દોરવામાં આવ્યું કે ગયા વખતે ભાજપે કપરાડા અને ડાંગની બેઠકો ગણતરીના માર્જિનથી ગુમાવી હતી તેની સામે પાટિલે કહ્યું હતું કે આ વખતે અમારી તૈયારી પૂરી છે અને તે બંને બેઠકો સાથે કુલ આઠ બેઠકો અમે જીતીશું. આ સાથે ચૂંટણીપ્રચાર મુખ્યત્વે ચૂંટણીપંચની આચારસંહિતા મુજબ વર્ચ્યુઅલ જ રહેશે, ભાજપે આ વર્ચ્યુઅલ પ્રચાર માટે પૂરી તૈયારી કરી છે અને તેમા મોટાપાયા પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીસભાઓ યોજી નહી શકાય. દર વખતે ચૂંટણી સભાઓ થાય છે તેવી ચૂંટણીસભાઓ કે રેલીનું આયોજન નહી થાય.