Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GUના સિન્ડિકેટ સભ્યપદ માટે ચૂંટણીની જાહેરાત

GUના સિન્ડિકેટ સભ્યપદ માટે ચૂંટણીની જાહેરાત

0
799

ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) સિન્ડિકેટ સભ્યોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તમામ સભ્યો પદોની ચૂંટણી માટે તારીખ 24 જૂનના રોજ મતદાન યોજાશે. આ દરમિયાન 13 સભ્યપદ માટે ચૂંટણી યોજવામાં આવશે. જેમાં 3 બેઠકો સામાન્ય, 2 બેઠકો યુનિવર્સિટી ભવનના પ્રોફેસરો માટે, 1 યુનિવર્સિટી ભવનના શિક્ષક માટે, 3 બેઠકો સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલ માટે અને 3 બેઠકો સંલગ્ન કોલેજના શિક્ષકો માટે છે, જ્યારે 1 બેઠક સંચાલક મંડળના પ્રતિનિધિ મંડળ માટે છે.

આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 14 જૂન રાખવામાં આવી છે અને ઉમેદવારી પત્રોની ચકાસણી 15 જૂન સાંજે 4:30 કલાકે કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણીની પ્રકિયા પ્રેફરન્સિયલ વૉટ સિસ્ટમ (એકડા-બગડા પદ્ધતિ)ના આધારે યોજાશે. આ સિન્ડિકેટ માટેની ચૂંટણી 6 વર્ષ બાદ યોજાશે.

સમરસ ચૂંટણીના કારણે ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) સભ્યોએ ચૂંટણી બિનહરિફ કરી હતી. મતદાન પેટી 24 જૂન સોમવારના 12:45 કલાકથી 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. આ સમય બાદ આવનાર મતદારને મતપત્રક મળી શકશે નહી.

3 વર્ષ અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના (Anandiben Patel) વરદહસ્તે તે સમયના વાઈસ ચાન્સેલર એમ.એન પટેલે (MN Patel)ચૂંટણી યોજવાની જગ્યાએ સમરસ કરાવવાનો તખ્તો ઘડી કાઢ્યો હતો અને ચૂંટણી વિના ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ બેઠકો વહેચી લીધી હતી. જો કે તે સમરસમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો, જ્યારે ભાજપના નરહરી અમીન, કૌશિક જૈન, હર્ષદ પટેલ અને સતિષ પટેલ જેવા દિગ્ગજ નેતાઓના ભોગ લઈ લેવામાં આવ્યા હતા.

સમરસ ચૂંટણીના કારણે યુનિવર્સિટીની વ્યવસ્થા 3 વર્ષથી દ્વોપદીની માફક શાંતિથી ચાલતી રહી છે, પરંતુ હવે વર્તમાન વાઈસ ચાન્સલર હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) સામે મોટો પડકાર છે કે, તેઓ યુનિવર્સિટીને ચૂંટણીમાં લઈ જશે કે, પછી તેઓ ફરીથી એમ એન પટેલની માફક સમરસ કરાવવામાં સફળ થશે?

યુનિવર્સિટીના (University) સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાના તરફથી સમરસ કરાવવા માટે ધમપછાડા શરૂ કર્યા છે કારણ કે, 3 વર્ષથી યુનિવર્સિટીમાં જે પણ કર્મો અને કુકર્મો કરાયા છે, તે બન્ને પક્ષોએ અંદરખાને જ પતાવી દીધા છે. જો કે જો સભ્યોની ચૂંટણી યોજાશે, તો ચૂંટાયેલા સભ્યો ભવિષ્યમાં પૂર્વ સભ્યોએ કરેલા કર્મોના ભૂતકાળ ઉજાગર કરી શકે છે.

કોંગ્રેસ તરફથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના આગેવાન સભ્યો પણ ઈચ્છી રહ્યાં છે કે, ફરીથી સમરસ થાય, તો સારૂ નહીતર એક જ કોલેજના ફરીથી 4 સભ્યો સિન્ડિકેટ સભ્ય બને તે અશક્ય છે.