Gujarat Exclusive > દેશ-વિદેશ > 21 વર્ષ બાદ ‘સુપર સાઈક્લોન’નો સામનો કરશે ભારત, જાણો કેટલું ખતરનાક છે ‘અમ્ફાન’?

21 વર્ષ બાદ ‘સુપર સાઈક્લોન’નો સામનો કરશે ભારત, જાણો કેટલું ખતરનાક છે ‘અમ્ફાન’?

0
1275

નવી દિલ્હી: દેશ હાલ કોરોના વાઈરસની મહામારી સામે જજૂમી રહ્યો છે, ત્યારે આ દરમિયાન અમ્ફાન વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગ તરફથી પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કેરળના 13 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ યેલો એલર્ટનો અર્થ છે કે, લોકો અને અધિકારીઓએ સતર્ક રહેવું પડશે, કારણ કે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હવે એવામાં “અમ્ફાન” વાવાઝોડું કેટલું ભયાનક છે? અને સાથે જ તેનો સામનો કરવા માટે દેશની તૈયારીઓ કેટલી છે? તો ચાલો જાણીએ..

સૌ પ્રથમ NDRF અને હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ પર એક નજર નાંખી લઈએ
→ 1999માં ઓડિશામાં સુપર સાઈક્લોન આવ્યું હતું. એ સમય બાદ 30 વર્ષે આ બીજું સુપર સાઈક્લોન આવી રહ્યું છે.
→ સુપર સાઈક્લોન 250 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવે છે.
→ 20-મેંની સવારે અથવા બપોરે ગમે તે સમયે આ સાઈક્લોનની લેન્ડિંગ થઈ શકે છે એટલે કે કાંઠે ત્રાટકી શકે છે. જ્યાં લેન્ડિંગ થવાનું છે, ત્યાં રહેણાંક વિસ્તાર છે અને ગીચ વસ્તી છે.
→ ઓડિશાના ઉત્તર-પૂર્વના કાંઠા વિસ્તારના જિલ્લા છે, જ્યાં વધારે નુક્સાન થઈ શકે છે. જેમાં ઓડિશાના ભદ્રક અને બાલાસોરમાં વધારે નુક્સાન થવાની સંભાવના છે.
→ IMDને આશંકા છે કે, જે કાચા મકાનો છે, છત છે, નારિયેળના ઝાડ, ઈલેક્ટ્રિક થાંભલા અને ટેલિકૉમ પોલને ગંભીર નુક્સાન થઈ શકે છે. જાનમાલને જંગી નુક્શાન થવાનુ ભય.
→ અનેક દાયકાઓ બાદ સુપર સાઈક્લોન આવી રહ્યો છે અને સરકારે તેને ગંભીરતાથી લીધો પણ છે. એ વાતનો અંદાજો એ બાબતથી જ લગાવી શકાય છે કે, ત્રણ મોટા પ્લેટફોર્મે મિટિંગ કરી છે. સૌ પ્રથમ NCMCની મિટિંગ થઈ. જે બાદ ગૃહમંત્રીએ સમીક્ષા બેઠક યોજી અને અંતમાં વડાપ્રધાન મોદીએ પણ મિટિંગ યોજી હતી.
→ પશ્ચિમ બંગાળમાં NDRFની 19 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે અને 4 વધારાની ટીમો સ્ટેડબાય છે.
→ ઓડિશામાં NDRFની 13 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે અને 17 ટીમો સ્ટેડબાય પર છે.
→ આ સિવાય NDRFની 6 બટાલિયનમાંથી 4-4 ટીમ હોટ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.

ક્યા રાજ્યો પર ખતરો?
“અમ્ફાન” વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના ઈસ્ટ મદિનાપુર, સાઉન અને નોર્થ 24 પરગના, હાવડા, હુગલી અને કોલકતા જેવા જિલ્લાઓમાં જોઈ શકાય છે. આ સાથે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ રાજ્યોમાં તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, “અમ્ફાન” વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં કૉમ્યુનિકેશન ઠપ્પ થઈ શકે છે. અનેક ભાગોમાં રેલ અને માર્ગ અવરજવર પર તેની અસર થશે. આ સાથે ખેતરોમાં ઉભા પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થઈ શકે છે. ઓડિશાના જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, બાલાસોર અને મયૂરભંજ જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત રહેશે. હવે ઓડિશા સરકારે 11 લાખ લોકોને સંવેદનશીલ સ્થળોથી ખાલી કરાવવાનો નિર્ણય કર્યો છે.

NDRDની 37 ટીમો ખડેપગે
આ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજે તમે એ વાત પરથી લગાવી શકો છો કે, ખુદ વડાપ્રધાન મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ગૃહમંત્રાલયના અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો.

આ બેઠક બાદ જણાવાયું કે, NDRFની 25 ટીમોને ગ્રાઉન્ડ પર મોકલવામાં આવી છે. જ્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને 12 બીજી ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.

ક્યારે ત્રાટકશે “અમ્ફાન” વાવાઝોડું?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું 20-મેની બપોરે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠાને પાર કરી જશે. આ દરમિયાન 165 થી 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે.

વાવાઝોડાનું નામ કેવી રીતે રાખવામાં આવે છે?
“અમ્ફાન” વાવાઝોડું વર્ષ 2004માં તૈયાર કરવામાં આવેલા વાવાઝોડાની યાદીનું અંતિમ નામ છે. આ વાવાઝોડાનું નામ થાઈલેન્ડ તરફથી પાડવામાં આવ્યું છે.

સૌ પ્રથમ વાવાઝોડાના નામ આપવાની શરૂઆત 1953માં થઈ હતી. એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં એક સમજૂતિ અંતર્ગત વાવાઝોડાઓને નામ આપવાની શરૂઆત થઈ. અમેરિકાના મિયામી સ્થિત નેશનલ હેરિકેન સેન્ટરે તેની શરૂઆત કરી હતી. પ્રાથમિક તબક્કામાં અમેરિકા દેશોમાં વાવાઝોડાનું નામ મહિલાઓના નામ પર રાખવાનું શરૂ કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભ્રષ્ટ નેતાઓના નામ પર વાવાઝોડાનું નામ રાખવામાં આવ્યું. જો કે બાદમાં 1973માં ઓવરઓલ ફેરફાર જોવા મળ્યો અને પછી તેને એક મેલ અને એક ફિમેલ નામ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો.

વર્ષ 2004માં WMOની આગેવાની ધરાવતી આંતરરાષ્ટ્રીય પેનલનો ભંગ કરી દેવામાં આવ્યો. જે બાદ સબંધિત દેશોને પોત-પોતાના ક્ષેત્રમાં આવનારા વાવાઝોડાનું નામ જાતે રાખવાનું કહેવામાં આવ્યું.

હિન્દ મહાસાગર વિસ્તારના દેશોમાં ભારતની પહેલ પર તેની શરૂઆત 2004માં થઈ હતી. ભારતની આગેવાનીમાં 8 કાંઠા વિસ્તારના દેશોમાં આ બાબતે સમજૂતી થઈ. આ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ છે.

આ 8 દેશોમાં જ્યાં પણ વાવાઝોડું ત્રાટકે છે, તે દેશના સૂચન પર હવે તેનું નામ રાખવામાં આવે છે. જેનાથી એ વિસ્તારના લોકોને તેની જાણકારીમાં મદદ મળે છે.

તાજેતરમાં એપ્રિલ મહિનામાં જ 13 સભ્યોએ 13-13 વાવાઝોડાના નામ સૂચવ્યા છે. હવે આ નવી યાદી છે. જેમાં ભારત તરફથી જે નામ આપવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. ગતિ, તેજ, મુરાસુ, આગ, વ્યોમ, ઝાર, પ્રોબાહો, નીર, પ્રબંજન, ધુન્ની, અંબુદ, જલધિ અને વેગા સામેલ છે. જ્યારે વાવાઝોડાના કેટલાક બાંગ્લાદેશી નામોમાં નિસારગા, બિપ્રજૉય, અર્નબ અને ઉપકુલ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં અટવાયેલા 161 ભારતીયોની આજે થશે ‘વતન વાપસી’