Gujarat Exclusive > દેશ-વિદેશ > 75 ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ: મનીષ દોશી

75 ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ: મનીષ દોશી

0
70

ગાંધીનગર: કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના મસમોટા દાવાઓને ખુદ 108 એમ્બ્યુલન્સ સેવાએ જ ખુલ્લાં પાડવાની સાથોસાથ ખોટા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું છે કે, 75 ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઇ હતી. એટલું જ નહીં પરંતુ સરકારની નિષ્ફળતાના કારણે 7.50 લાખ નાગરિકોને એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

તેમણે વધુમાં કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા છે. કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ 2,19,000 કેસને એટેન્ડ કર્યા. ગુજરાતમાં કુલ સરકારી આંકડા મુજબ 8,25,000 કોરોના કેસ એટલે કે 75 ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. 7.50 લાખ કોરોના દર્દીઓને કોરોના કાળમાં એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા છે. તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના મોટા મોટા દાવાને ખુદ 108 એમ્બ્લુયન્સ સેવાએ જ અધિકારિક રીતે ખુલ્લાં અને ખોટા પાડી દીધા છે. અધિકારી રાજ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં 2.81 લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જે તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું છે.

ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, કોરોના કાળમાં સરકારી તંત્રે પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, 108 એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી હતી. 48 થી 72 કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. સરકાર સતત નિયમોમાં ફેરફાર કરે, 108ની સેવા વિના દર્દીને દાખલ ન કરાય તેવા વારંવારના થોપી બેસાડાતા પરિપત્રો અને આદેશથી અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. મહાનગરોમાં અને ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સિવિલ હોસ્પિટલોમાં જે રીતે એમ્બ્લુયન્સની લાઈનો લાગી તેમ છતાં સરકાર સબ સલામતના વારંવાર પોકળ દાવાઓ જાહેરાત સ્વરૂપે કરતી રહી હતી. જેના લીધે હજારો નાગરિકોને સારવારના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા પરિવારોએ સારવારના અભાવે પોતાના સ્વજન ગુમાવ્યા તે અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ?

કોરોના કાળમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના લીધે 2.81 લાખ જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો ત્યારે ભાજપ સરકાર પાસે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને કોરોના કાળમાં સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહિવટ, આયોજનનો અભાવ, અધિકારીરાજના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ- 19 ન્યાય યાત્રાના માધ્યમથી જે પરિવારે પોતાના ભાઈ, મોભી કે સ્વજન ગુમાવ્યા છે, તેમને 4 લાખ રૂપિયાની સહાય, હોસ્પિટલમાં બેફામ ખર્ચ અંગે વળતર, સરકારની ગુન્હાહિત બેદરકારીની ન્યાયીક તપાસ અને કોરોના વોરીયર્સ – સરકારી કર્મચારી કે જેણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારના સભ્યને સરકારી નોકરીની માંગ સાથે રાજ્ય વ્યાપી યાત્રા ચાલી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat