Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીમાં મોટા પાયે છબરડા થયા હોવાનો સરકાર સ્વીકારે છે : કોંગ્રેસ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીમાં મોટા પાયે છબરડા થયા હોવાનો સરકાર સ્વીકારે છે : કોંગ્રેસ

0
4
  • વન રક્ષક વર્ગ- 3ની ભરતી પ્રક્રિયા બાબત સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આકરા પ્રહાર
  • ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે : ડો. દોશી

ગાંધીનગર: વન રક્ષક વર્ગ- 3ની ભરતી પ્રક્રિયા બાબત સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વન રક્ષક વર્ગ-3 ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળને કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવાનો રાજ્ય સરકારે કરેલ ઠરાવથી એ સ્પષ્ટ થાય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી પ્રક્રિયા – વ્યવસ્થા સંભાળવામાં સત્તાધીશો નિષ્ફળ ગયા છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં મોટા પાયે છબરડા થયા છે. તે ખુદ સરકાર જ સ્વિકારી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફુટવા, મેરીટમાં ગોલમાલ, નિયમોમાં મનફાવે તેવો ફેરફાર સહિત અનેક પ્રકારની અનિયમિતતા થતી હોવાનો ખુદ રાજ્ય સરકારના કબુલાતનામા જેવો આ ઠરાવ છે. વન રક્ષક વર્ગ- 3 ની કુલ 334 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ખુદ રાજ્ય સરકારના ઠરાવમાં રાજ્ય સરકારે પ્રસ્તાવનામાં જ ઉલ્લેખ કર્યો છે કે, વન અને પર્યાવરણ હસ્તકની વન રક્ષક વર્ગ-3 ની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાના કારણે વન સંરક્ષણ, વન્ય પ્રાણી સંરક્ષણ, ગેરકાયેદસર વૃક્ષ છેદન, ગેરકાયદેસર ખેદાણ જેવી મહત્વની કામગીરી કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

વધુમાં સૌથી ગંભીર બાબત ગીર અભ્યારણ અને નેશનલ પાર્ક, બૃહદગીર વિસ્તારમાં વસતા એશિયાટિક સિંહોનું સંવર્ધન અને સુરક્ષા માટે વન રક્ષકની ખાલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે તે ચિંતાનો વિષય છે. વન વિભાગની ભરતી મામલે પરીક્ષા યોજવાની કામગીરી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે તે નિષ્પક્ષ રીતે પરીક્ષા યોજી ગુજરાતના યુવાનોને ન્યાય આપે તે જરૂરી છે.

ડો. દોશીએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં 17, 265 ગ્રામપંચાયતમાં 7133 તલાટીની જગ્યાઓ સામે માત્ર 3500 જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે 5 ગામ વચ્ચે 1 તલાટીની કામગીરી શું આ રીતે ગતિશીલ બનશે ગુજરાત ? શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ?

ગુજરાતમાં 34 થી વધુ વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર – ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી. પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી, પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકારને ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરવા જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat