Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્ર અને પંજાબ બાદ બંગાળમાં ભાજપને ફટકો, બિમલ ગુરંગ NDAથી અલગ

મહારાષ્ટ્ર અને પંજાબ બાદ બંગાળમાં ભાજપને ફટકો, બિમલ ગુરંગ NDAથી અલગ

0
89
  • હું ગુનેગાર કે દેશદ્રોહી નહીં, પરંતુ એક રાજકીય નેતા છું
  • ભાજપે વચન નથી પાળ્યું, હવે અમે TMCને ટેકો આપીશું

કોલકત્તા: મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ (Eknath Khadse) પાર્ટી છોડ્યા બાદ પશ્ચિમ બંગાળમાં (West Bengal Politics) ભાજપને બીજો મોટો ફટકો પડ્યો છે. ગોરખા જનમુક્તિ મોર્ચાના (GJM) સુપ્રીમો બિમલ ગુરંગે (Bimal Gurung) હવે NDAથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બિમલ ગુરંગે કહ્યું કે, કેન્દ્રએ ગોરખાલેન્ડને લઈને પોતાનું વચન નથી પાળ્યું. મમતા બેનર્જીએ (Mamata Banerjee) પોતાના તમામ વાયદા પૂર્ણ કર્યાં છે. આથી હું NDA સાથે છેડો ફાડી રહ્યો છુ. 2021ની વિધાનસભા ચૂંટણીમાં અમે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન કરીને ભાજપને જવાબ આપીશું.

લાંબા સમય સુધી અલગ ગોરખાલેન્ડની માંગને લઈને અવાજ ઉઠાવનારા બિમલ ગુરંગે (Bimal Gurung) કહ્યું કે, અમારી માંગ હજુ પણ યથાવત જ છે. અમે અમારી માંગને લઈને આગળ વધીશું. એજ અમારુ લક્ષ્ય અને વિઝન છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમે એવી જ પાર્ટીને સમર્થન કરીશું, જે અમારી માંગો સ્વીકારશે.

જણાવી દઈએ કે, ગોરખાલેન્ડની માંગને લઈને છેલ્લા 3 વર્ષોથી ફરાર બિમલ ગુરંગ (Bimal Gurung) અચાનક બુધવારે કોલકત્તામાં જોવા મળ્યાં હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું કોઈ ગુનેગાર કે દેશદ્રોહી નથી. હું એક રાજકીય નેતા છું.

આ પણ વાંચો:  ‘મેં રટુંગી રાધા નામ…!’ કોણ છે રાખી ગુપ્તા? જેનું ભજન મચાવી રહ્યું છે ધૂમ 

2017માં ગોરખા જનમુક્તિ મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા એક પોલીસ કર્મચારીની હત્યા બાદ બિમલ ગુરંગ (Bimal Gurung) અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. બંગાળ પોલીસે તેમના પર લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી અને UAPA અંતર્ગત કેસ પણ દાખલ કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, અમે ભાજપને 12 વર્ષો સુધી સમર્થન કર્યુ, પરંતુ અમારી માંગોને લઈને કોઈ પગલા લેવામાં આવ્યા નથી. હવે હું જાહેરાત કરું છું કે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી TMCનું સમર્થન કરીશ. હવે હું NDAની સાથે નથી.

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. એવામાં બિમલ ગુરંગની વાપસી મોટો અપસેટ સર્જી શકે છે. GJMની પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં અકાલી દળ NDAથી અલગ થઈ ચૂક્યાં છે.