ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા છબનપુર ગામના નાયક ફળિયામાં પુત્રે સગી જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મધરાત્રે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ જમવાનું નહિં આપ્યું હોવા બાબતે પુત્રે માતા સાથે ઝગડો કર્યો હતો અને ત્યારબાદ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાના હત્યારા પુત્ર સામે ગોધરા બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ અલ્પ શિક્ષણ કે અજ્ઞાનતા વચ્ચે કલ્પના ન કરી શકાય એવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના ગોધરા નજીક આવેલા છબનપુર નાયક ફળિયામાં બની છે.છબનપુરના નાયક ફળિયામાં રહેતાં કમળીબેન અમરાભાઇ નાયક (50 વર્ષ)ના પતિનું નિધન થતાં તેઓનો જીવન સહારો પુત્ર બુધાભાઈ બન્યો હતો.
અંદાજીત 25 વર્ષની વય ધરાવતા બુધાને થોડા વર્ષ અગાઉ વીજ કરન્ટ લાગ્યો હતો જેની સારવાર બુધાને એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો.આમ એક હાથે અપંગ હોવા છતાં પણ તે મજૂરી કામે જતો હતો.બીજી તરફ માતા પણ તેની સહભાગી થવા મજૂરી કરતી હતી. આમ માતા પુત્રના શ્રમ થકી બંન્નેની જીદંગી ચાલી રહી હતી.પરંતુ મંગળવારની રાત્રે માતાએ કોઈ કારણોસર પુત્ર બુધાભાઈને જમવાનું નહિં આપતા પુત્રે તેણી સાથે ઝગડો કર્યો હતો.
જેનાબાદ માતા રાત્રે સુઈ ગઈ હતી એ વેળાએ બુધાએ પોતાને માતાએ જમવાનું નહિં આપ્યું હોવાની બાબતના આવેશમાં આવી મધરાત્રે આરામ ફરમાવતી માતાના માથાના ભાગે લાકડાના ફટકા ઝીંકી દેતાં માતાનું મોત નીપજ્યું હતું. જોકે આ અંગેની જાણ વહેલી સવારે આજુબાજુના રહીશોને થઈ હતી.જેઓએ ગામના સરપંચ લાભુભાઈ ગઢવીને બનાવ અંગે જાણ કરી હતી જેથી સરપંચે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી.
જે આધારે બી ડીવીઝન પીઆઇ એસ.સી રાઠવા અને સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ માતાના હત્યારા પુત્રની અટકાયત કરી તેની સામે.હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થાનિક ઉપસ્થિતીઓના મુખે બુધા એ તેની માતાએ જમવાનું નહિં આપ્યું હોવા ઉપરાંત તેની માતા ડાકણ હોવાનો વહેમ પણ તે રાખતો હતો.
મંગળવારે બુધાને ઘર નજીક આવેલા આંબલીના વૃક્ષના ડાકણ જોવાતી હોવાનું ભૂત તેના માનસ ઉપર સવાર થયું હતું. આમ માતાએ જમવાનું નહિં આપવા અને ડાકણનો વહેમ આ બંને બાબતે બુધા એ નિર્દોષ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આમ પતિનો સહારો ગુમાવ્યા બાદ પુત્રના આશરે જીવન વ્યતિત કરતી શ્રમજીવી માતા માટે ઘડપણનો સહારો પુત્ર જ હત્યારો બનતાં હવે આ શ્રમજીવી પરિવારનું ઘર હવે સુનું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માતાનો હત્યારો પુત્ર એક હાથે અપંગ છે બીજી તરફ તે પેઢીનો એક જ વારસદાર અને અપરણિત હતો જેને પોલીસ હિરાસતમાં જવાનો વખત આવ્યો છે.