Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત ખાતે ત્રિદિવસીય ‘જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો-2021’ ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

સુરત ખાતે ત્રિદિવસીય ‘જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો-2021’ ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

0
7

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તા.27 થી 29 નવે. સુધી આયોજિત ત્રિદિવસીય ‘જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો-2021’ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વેળાએ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોએલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં જોડાયેલા નવયુવાનોના જુસ્સા અને સાહસિકતાના કારણે આ સેક્ટરને ગતિ મળી છે. હીરા ઉદ્યોગમાં કટિંગ, પોલિશિંગનું હબ એવું સુરત શહેર ‘સુરત ડાયમંડ બુર્સ’ શરૂ થયાં બાદ ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે. હવે આવનારા દિવસોમાં ઈચ્છાપોર ખાતે જ્વેલરી ટ્રેડિંગ મોલ પણ સાકાર થવાં જઈ રહ્યો છે, ત્યારે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની વેલ્યુ ચેઈન ખરા અર્થમાં પૂર્ણ થશે. સુરતમાં 45 થી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ધમધમી રહ્યાં છે, જે આ ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવે છે એમ જણાવતાં તેમણે સુરતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વધુને વધુ પ્રગતિ કરે એવી અપેક્ષા વ્યકત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત્ત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. કોરોના બાદ દેશ બેક ટુ નોર્મલ લાઈફ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે દેશના કોઈ પણ ઉદ્યોગની સમસ્યાનું નિરાકરણ વાતચીતથી લાવીને જનતા હોય કે ઉદ્યોગ-વ્યાપાર હોય, સરકારે તમામનો અવાજ સાંભળીને કામ કરવાની પદ્ધતિ અપનાવી છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોએલ વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની કલ્પનાને સુરતનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ સાકાર કરી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના સહયોગથી જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા ઉંચાઈ પર પહોંચાડી શકાશે. આવનારા દિવસોમાં સુરત જ્વેલરી ઉદ્યોગનું હબ બને એવી આકાંક્ષા તેમણે વ્યકત કરી હતી.

ગોયેલે સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારોએ ચાર બિંદુઓ પર વિશેષ ભાર મૂકવાની જરૂરિયાત હોવાનું જણાવતા કહ્યું કે, જ્વેલરીના ડિઝાઈન અને તેની પેટન્ટ, નિકાસ અન્ય દેશો સાથે વ્યાવસાયિક જોડાણ અને લેબ ગ્રોન ડાયમંડ(લેબોરેટરીમાં વિકસાવવામાં આવતાં હીરા) પર ફોકસ કરી વિકાસના શિખરો સર કરી શકાય છે. લેબ ગ્રોન ડાયમંડ ઈકોફ્રેન્ડલી અને પોષણક્ષમ હોવાથી આ ઉભરતા ક્ષેત્રમાં પ્રગતિ થશે તો રોજગારી, નિકાસની ઉજળી સંભાવના અને વધુ રોજગારીનું સર્જન થશે એમ જણાવતાં મંત્રીએ કેન્દ્ર સરકારે સોના પર ઘટાડેલી ઈમ્પોર્ટ ડ્યુટી, હોલમાર્કિંગ, ગોલ્ડ મોનેટાઈઝેશન ક્ષેત્રે લેવામાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

નોંધનીય છે કે, આ બીટુબી શોમાં 8000 જેટલા બાયર્સ-વિઝીટર્સએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 200 જેટલા એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યાં છે.

આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલા, જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસો.ના અધ્યક્ષ નાનુ સાવલિયા, રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણી, સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ વલ્લભ પટેલ સહિત જવેલરી અને ડાયમંડ ઉદ્યોગકારો, એક્ઝિબીટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat