Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવીડ 19માં પડી ભાંગેલા ધંધાઓને બેઠા કરવા ઝઝુમતું GCCI

કોવીડ 19માં પડી ભાંગેલા ધંધાઓને બેઠા કરવા ઝઝુમતું GCCI

0
115
  • દિવાળીના તહેવારોમાં રાત્રિના 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા દેવા માંગ

  • ગુજરાત વેપારી મહામંડળે ગુજરાતના ગૃહ રાજયમંત્રીને લખેલો પત્ર

અમદાવાદ: કોવિડ 19 મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. આ ધંધા રોજગારને ફરી ધમધમતા કરવા માટે વેપારીઓનું બનેલું સંગઠન ગુજરાત વેપારી મહામંડળ ( GCCI ) સતત ઝઝુમી રહ્યું છે. માટે જ આગામી નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી દિવાળીના તહેવારો શરૂ થવાના છે. ત્યારે આ દિવાળીના તહેવારોમાં વેપારીઓને રાત્રીના 12 વાગ્યા સુધી ધંધો રોજગાર કરવા દેવાની છુટ આપવાની રજૂઆત કરતો પત્ર ગુજરાત વેપારી મહામંડળે ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદિપસીંહ જાડેજાને લખીને માંગણી કરી છે.

ગુજરાત વેપારી મહામંડળ ( GCCI ) ના પ્રમુખ નટુભાઇ પટેલે આજે મંગળવારના રોજ ગૃહ રાજયમંત્રીને ઉદ્દેશીને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ 19 મહામારીના કારણે વેપાર ઉદ્યોગને ખૂબ જ કપરા સમયમાંથી પસાર થવું પડયું છે. ભવિષ્યમાં તેમને ટકી રહેવા માટે પણ મુશ્કેલી ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચો: નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર આરોપીની પોલીસ દ્વારા 28 ગામોમાં શોધખોળ શરુ

આ સંજોગોમાં આવનારા દિવાળીના તહેવારના દિવસોમાં જો દુકાનદારો અને ધંધાર્થીઓને રાત્રિના 12 વાગ્યા સુધી ધંધો ચાલુ રાખવા છુટછાટ આપવામાં આવે તો તહેવારના આ સમયમાં થતી ખરીદીનો તેમને પુરતો લાભ મળી શકે. જેથી તેમના વેપાર ધંધાને ખૂબ જરૂરી તેવું પ્રોત્સાહન મળી રહેશે. આ સમય દરમિયાન થતાં નફાના કારણે તેઓ આવનારા સમયમાં તેમનું અસ્તિત્વ ટકાવી રાખી શકશે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, આવનારા દિવાળીના તહેવારોના દિવસોમાં દુકાનો તથા નાના વેપાર ધંધાને રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તે પ્રકારની જાહેરાત કરવાની સાથો સાથ પોલીસ વિભાગને પણ આ અંગેની યોગ્ય માર્ગદર્શિકા આપવા સારુ વિનંતી કરી છે. તેની સાથે એવી ખાતરી પણ વ્યક્ત કરી છે કે, નાના દુકાનદારો અને ધંધાર્થિઓના હિતમાં તમે જરૂરથી સકારાત્મક નિર્ણય લેશો.

આ પણ વાંચો: હાર્દિક પટેલને કોર્ટ કાર્યવાહી માટે કોઇ જ માન નથી, ઇરાદાપૂર્વક ગૈરહાજર રહે છે- સરકાર

અત્ર ઉલ્લેખનીય છે કે, વેપારીઓના બનેલાં સંગઠન એવા ગુજરાત વેપારી મહામંડળ તરફથી સરકારમાં વેપારીઓના પ્રશ્નોને લઇને અવારનવાર રજૂઆત કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ ગુજરાત વેપારી મહામંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મંડપ, કેટરર્સ, સાઉન્ડ વગેરે ધંધા સાથે સંકળાયેલા લોકો માટે જન્મ મરણ પ્રસંગમાં 100ના બદલે 200 વ્યક્તિ હાજર રહી શકે તે પ્રમાણેની છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જો કે હજુ આ અંગેનો નિર્ણય બાકી છે. ત્યાં ગુજરાત વેપારી મહામંડળે ઉક્ત રજૂઆત ગૃહ રાજયમંત્રી પ્રદિપસીંહ જાડેજા સમક્ષ બીજી માંગણી કરી છે.