જ્યાં સુધી તમને ટીમ મેનેજમેન્ટ તરફથી સમર્થન નથી મળતો, ત્યાં સુધી તમે સફળ નહીં થાઓ- ગંભીર
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20માં મળેલી હાર બાદ ટીમ પસંદગીને લઇ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. ત્રીજા મેચમાં સુર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનથી બહાર કાઢી દીધો હતો. સૂર્યકુમારે બીજી ટી20 મેચમાં ડેબ્યૂ કર્યો, પરંતુ તેને એક પણ બોલ રમવાની તક મળી ના હતી.
ભારતે ત્રીજી મેચમાં સૂર્યકુમારની જગ્યા રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો. રોહિત અને કેએલ રાહુલે ઇનિંગની શરૂઆત કરી, જ્યારે બીજી મેચના હીરો ઈશાન કિશન ત્રીજા નંબર પર ઉતર્યો. સૂર્યરુમારને બહાર કરવા પર ઇંડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર દુ:ખી થયા છે. ગંભીરે ટીમ મેનેજમેન્ટને તેના માટે સંભળાવ્યું છે.
ગૌતમ ગંભીરે જણાવ્યું કે જો હું સૂર્યકુમારની જગ્યા હોત, તો નિશ્ચિત રીતે મને પણ દુ:ખ થાત. તે 21નો નહીં, 30 વર્ષનો છે. મનીષ પાંડે સાથે શું થયુ, તેના પર પણ કોઈ વાત નથી કરતો. સંજૂ સેમસનને જુઓ, કોઇ પણ પ્રશ્ન નથી કરતો કે તેઓ ક્યા છે? જો તમે કોઇને ટીમમાં રાખ્યો છે, તો તેમની રમત જોવી જોઇએ. તમે તેને ત્રણ-ચાર મેચમાં તક આપવી જોઇએ. ત્યારબાદ જ ખબર પડશે કે તે ક્યાં છે.
આ પણ વાંચો: ક્રિકેટર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સાથે કર્યા લગ્ન, પ્રથમ તસવીર
તેમણે જણાવ્યું કે જ્યાં સુધી તમને ટીમ મેનેજમેન્ટ તરફથી સમર્થન નથી મળતો, ત્યાં સુધી તમે સફળ નહીં થાઓ. ઈશાન કિશનને જુઓ… એક અડધી સદી અને પછી ત્રીજા નંબરે બેટિંગ.
ગંભીરે વધુમાં જણાવ્યું કે ભારતીય ટીમને સૂર્યકુમારને ન રમાડવાનું નુકસાન સહન કરવું પડી શકે છે. ઉદાહરણ તરીકે આ વર્ષે થનાર ટી20 વિશ્વ કપ દરમિયાન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થઇ જાય છે, તો તમારી પાસે વિકલ્પ તરીકે કોણ છે? એવામાં જો સૂર્યકુમારને તક આપવામાં આવે, તો તે ટીમ માટે સારો વિકલ્પ બની શકે છે. મને આશા છે કે એવું ના બને, કોઇને ઇજા થાય મને પસંદ નથી.
ભારતને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં 8 વિકેટથી હાર મળી હતી. આ હાર સાથે જ ભારત પાંચ મેચની શ્રેણીમાં 1-2થી પાછળ થઈ ગઈ છે. શ્રેણીની ચોથી મેચ ગુરુવારે રમાશે.