Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ગુજરાતથી ગોરખપુર સુધી દેશની સૌથી લાંબી ગેસની પાઈપલાઈન પથરાશે

ગુજરાતથી ગોરખપુર સુધી દેશની સૌથી લાંબી ગેસની પાઈપલાઈન પથરાશે

0
653

ગુજરાતના કંડલાથી ગોરખપુર સુધી ઘરેલુ ગેસ પાઈપલાઈન પાથરવામાં આવશે. કંડલાથી ગોરખપુર સુધી કુલ 1987 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન યોજના દેશની સૌથી મોટી ગેસની પાઈપલાઈન પરિયોજના બનશે. જેનાથી ના માત્ર ઘરવપરાશના ગેસની તકલીફ દૂર થશે, પરંતુ ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોને પણ રાહત મળશે.

આ અંગે તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં 25 LPG બોટલિંગ પ્લાન્ટ છે, જ્યારે 4-5 નવા બોટલિંગ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પ્રદેશની સૌથી મોટી મથુરા રિફાઈનરીનું વિસ્તરણ પર કરવામાં આવશે અને સમગ્ર ભારતમાં એક લાખ એલપીજી પંચાયતોની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 9 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ પાઈપલાઈનથી 3.75 મિલિયન ટન ગેસ પ્રતિ વર્ષ પસાર કરવામાં આવશે.

સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતના દરિયા કિનારાથી પૂર્વ ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેર સુધી ગેસની પાઈપલાઈન પાથરશે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કંડલામાં એલપીજીની આયાત કરશે. જે બાદ અહીંથી ગેસને 1,987 કિલો મીટર લાંબી પાઈપ લાઈન દ્વારા અમદાવાદ (ગુજરાત), ઉજ્જેન (ભોપાલ), કાનપુર, ઈલાહાબાદ, વારાણસી અને લખનઉ (ઉત્તર પ્રદેશ)માંથી પસાર થઈને ગોરખપુર પહોંચાડવામાં આવશે.

અત્યાર સુધી લગભગ 3 કરોડ ગરીબ પરિવારોની મહિલાઓને ઉજ્જવલા યોજનાનો લાભ મળી ચૂક્યો છે. રાજ્યમાં 1.25 કરોડના લક્ષ્યના મુકાબલે અત્યાર સુધી 62 લાખ ગરીબ મહિલાઓને લાભ પહોંચાડવામાં આવી ચૂક્યો છે.